જામનગરથી માટેલ જતા પદયાત્રીનું બાઇક હડફેટે મૃત્યુ

  • April 03, 2025 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરથી માટેલની પદયાત્રા માટે નીકળેલા જામનગરના આઈ શ્રી ખોડીયાર મિત્ર મંડળના પદયાત્રી સંઘમાં ગઈકાલે મોડી સાંજે કરુણા જનક કિસ્સો બન્યો હતો. ધ્રોલ નજીક પહોંચેલા પદયાત્રી સંઘમાં એક પદયાત્રીને બાઇક સવારે પાછળથી ઠોકર મારી હડફેટમાં લઈ લેતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા પછી તેઓનું મૃત્યુ નીપજ્યું છે. જે બનાવને લઈને પદયાત્રી સંઘમાં ભારે કરુણતા સર્જાઈ છે. પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધ્યો છે.


જામનગરના આઈ શ્રી ખોડીયાર મિત્ર મંડળ સંઘ દ્વારા જામનગરથી માટેલ પદયાત્રા માટે સંઘ રવાના થયો હતો, અને તેમાં અનેક પદયાત્રીઓ જોડાયા હતા.જે પદયાત્રીઓનો સંઘ જામનગર- રાજકોટ રોડ પરથી પદયાત્રા કરીને પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ધ્રોળ નજીક પાછળથી આવી રહ્યા હતા એમ.પી. ૯. એમ.ક્યુ. ૪૦૯૬ નંબરના બાઈકના ચાલકે જામનગરમાં પ્રગતિ પાર્ક સોસાયટીમાં રહેતા દીપકભાઈ બારડ (ઉમર ૫૬)ને હડફેટમાં લઈ લેતાં તેઓ ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા, અને પદયાત્રી સંઘમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. તેઓને તાત્કાલિક અસરથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે  સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેઓને ગંભીર ઇજા થઈ થવાથી મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

​​​​​​​જેથી પદયાત્રી સંઘમાં ભારે કરુણતા સર્જાઇ હતી. આ અકસ્માતના બનાવ અંગે મૃતક પદયાત્રીના પુત્ર રવિભાઈ દીપકભાઈ બારડે ધ્રોલ પોલીસમાં બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે. એસ. દલસાણીયા બનાવના સ્થળે તેમજ સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે બાઈક ચાલક ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application