રાજકોટ મહાનગરપાલિકા તંત્ર ક્યાં, ક્યારે અને શું કરશે તેની આગાહી કોઇ કરી શકે તેમ નથી. એક સમય હતો કે રાજકોટ શહેરના તમામ રાજમાર્ગો ઉપર દરરોજ રાત્રી સફાઇ થતી હતી પરંતુ હાલ સ્વચ્છ રાજકોટની ગુલબાંગો વચ્ચે કુલ ૬૫ મુખ્યમાર્ગોમાંથી ફક્ત આંગળીના વેઢે ગણી શકાય તેટલા માર્ગો ઉપર અવશેષ રૂપે રાત્રી સફાઇ થઇ રહી છે.
રાજકોટમાં સૌપ્રથમ સંપૂર્ણ ખાનગી કોન્ટ્રાકટ મારફતે રાત્રી સફાઇ શરૂ કરાઇ હતી ત્યારબાદ તેમાં ટેક્નોલોજી બેઝડ રાત્રી સફાઇનો અભિગમ લાવીને લાખો રૂપિયા ખર્ચે સ્વીપિંગ મશીનની ખરીદી કરી રેસકોર્સ રિંગ રોડ તેમજ ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપરના બીઆરટીએસ રૂટ વિગેરે સ્થળોએ મશીનથી સફાઇ શરૂ કરાઇ હતી. સ્વીપિંગ મશીનમાં બ્રશ મારફતે સફાઇ થતી હોય તેમજ સિમેન્ટ રોડ અને ડિવાઈડર તેમજ ફૂટપાથ નજીક ભરાઇ રહેતી ધૂળ પણ મશીનમાં ખેંચાઇ જતી હતી.
દરમિયાન તબક્કાવાર રાત્રી સફાઇના કોન્ટ્રાકટ બંધ કરાયા
અને સંપૂર્ણ મશીન આધારિત સફાઇ કરવાનું જાહેર કર્યું ત્યારબાદ ઉલટું ક્રમશ: રાત્રી સફાઇ બંધ થઇ રહી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અગાઉ ૪૮ રાજમાર્ગો ઉપર દરરોજ રાત્રી સફાઈ થતી હતી, હવે નવા ગામો ભળ્યા બાદ રાજમાર્ગોની સંખ્યા વધીને ૬૫ થઇ છે. આ ૬૫માંથી માંડ ૧૫થી ૨૦ માર્ગો મશીનથી રાત્રી સફાઇ થઇ રહી છે, તદઉપરાંત અન્ય અમુક માર્ગો ઉપર મહાપાલિકાના કાયમી કર્મચારી હોય તેવા સફાઇ કામદારો મારફતે રાત્રી સફાઇ થઇ રહી છે પરંતુ શહેરના તમામ માર્ગો ઉપર રાત્રી સફાઇ થતી નથી તે હકીકત છે.
સ્વીપિંગ મશીન મારફતે સફાઇ કરવાનું જાહેર કર્યું છે પરંતુ મહાપાલિકા પાસે કુલ ૧૮ વોર્ડમાં ચલાવવા માટે ૧૮ સ્વીપિંગ મશીન નથી, ફક્ત પાંચ સ્વીપિંગ મશીન મારફતે સમગ્ર શહેરના તમામ રાજમાર્ગો ઉપર સફાઈ થઈ શકે તેમ નથી. એકંદરે આવી જ સ્થિતિ રહી તો સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટ વધુ પાછળના ક્રમે ધકેલાશે તે નક્કી છે.
રાજકોટ શહેરમાં હાલ રેસકોર્સ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના આંગળીના વેઢે ગણી શકાય તેટલા મુખ્ય માર્ગો ઉપર જ રાત્રી સફાઈ થઇ રહી છે, સમગ્ર શહેરના તમામ વિસ્તારોના મુખ્ય માર્ગોને રાત્રી સફાઈનો લાભ મળતો નથી. ખાસ કરીને જુના રાજકોટના બજાર વિસ્તારોમાં વર્ષોથી સફાઈનો પ્રશ્ન યથાવત છે.
રાજકોટની રાત્રી સફાઇ નિહાળી ઓલ ઇન્ડિયાના મેયર્સ દંગ રહી ગયા હતા...
રાજકોટ મહાપાલિકામાં ૨૦૦૫-૨૦૧૦ની ટર્મમાં રાત્રી સફાઇ શરૂ કરાઇ હતી દરમિયાન ૨૦૦૭માં રાજકોટ શહેરમાં ઓલ ઇન્ડિયા મેયર્સ કાઉન્સિલની ત્રિદિવસીય કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં દેશના તમામ મહાનગરોના મેયર રાજકોટ આવ્યા હતા. તત્કાલિન સમયે રાજકોટના તમામ રાજમાર્ગો ઉપર દરરોજ રાત્રી સફાઇ થતી હતી તે નિહાળવા માટે રાજકોટ આવેલા તમામને મેયર લઇ જવામાં આવ્યા હતા. દરમિયાન દેશભરના મેયર રાત્રી સફાઇની આવી વ્યવસ્થા નિહાળી દંગ રહી ગયા હતા, અમૂકે તો રાજકોટમાંથી પ્રેરણા લઇ તેમના શહેરમાં રાત્રી સફાઇ શરૂ કરાવી હતી.જો કે હાલ ટેકનોલોજી બેઝ સફાઇના નામે અગાઉ થતી હતી તેવી અને તેટલી સફાઇ થતી નથી તે વાસ્તવિકતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech