રાજકોટનું જળ સંકટ ટળ્યું; નર્મદાનીર બંધ નહીં થાય

  • March 31, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટવાસીઓ માટે ખુશખબર છે કે રાજકોટ શહેરને દરરોજ પાઇપલાઇનથી અપાતું ૧૩૫ એમએલડી નર્મદાનીર બંધ થનાર હતું તે હવે નહીં થાય અને હાલ ઉનાળામાં પણ દરરોજ પુરી ૨૦ મિનિટ પાણી મળતું રહે તેવા સારા સંજોગો નિર્માણ થયા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જીવાદોરી નર્મદા કેનાલના મેન્ટેનન્સ અને રિપેરિંગ માટે આવતીકાલથી બે મહિના સુધી શટડાઉન લઇ પાઇપલાઇન મારફતે મળતું નર્મદાનીર બંધ કરવામાં આવનાર હતું. દરમિયાન આ મામલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારમાં લગાતાર રજૂઆતો કરાતા શટડાઉન મામલે ગંભીર ફેરવિચારણા કરાઇ હોવાનું અને હાલના તબક્કે આ નિર્ણય મોકૂફ રાખવામાં આવે તેવી સંભાવના હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં તા.૨૬ માર્ચના રાજકોટની મુલાકાત વેળાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલએ કહ્યું હતું કે રાજકોટવાસીઓએ પાણીની ચિંતા કરવાની જરૂર નથી, મેં આયોજન માટે સુચના આપી છે. દરમિયાન રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા આજે સાંજે પાંચ કલાકે એકાએક રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે અને આજી-૧ ડેમ સંકુલ સ્થિત ઇન્સ્પેકશન બંગલો ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધનાર છે ત્યારે હવે ગણતરીના કલાકોમાં તેઓ રાજકોટને મળતું નર્મદાનીર બંધ નહીં થાય તે અંગેની સત્તાવાર જાહેરાત કરે તેવી સંભાવના છે.

વિશેષમાં સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ શહેરમાં ઉનાળા દરમિયાન પાણીકાપ મુકવો ન પડે તેમજ દરરોજ પુરી ૨૦ મિનિટ પાણી વિતરણ થઇ શકે તે માટે સૌની યોજના અંતર્ગત આજી-૧ ડેમ અને ન્યારી-૧ ડેમ નર્મદાનીરથી ભરવામાં આવ્યા છે પરંતુ રાજકોટને ઉનાળો પાર ઉતારવા માટે આટલું પાણી પુરતું ન હોય રાજકોટ શહેરને દરરોજ પાઇપલાઇન મારફતે ૧૩૫ એમએલડી નર્મદાનીર આપવામાં આવે છે જેના કારણે વિતરણ વ્યવસ્થા જળવાઇ રહે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરરોજ આજી-૧માંથી ૧૩૦ એમએલડી, ન્યારી-૧માંથી ૧૪૦ એમએલડી, ભાદર-૧માંથી ૩૫ એમએલડી સહિત કુલ ૩૦૫ એમએલડી જળ જથ્થો ઉપાડવામાં આવે છે તે ઉપરાંત ૧૩૫ એમએલડી નર્મદાનીર પાઇપ લાઇનથી જેમાં બેડી ખાતે ૫૫ એમએલડી, ન્યારા ખાતે ૭૦ એમએલડી અને કોઠારીયા ખાતે ૧૦ એમએલડી પાઇપલાઇનમાંથી મળે છે. આ મુજબ દરરોજ કુલ ૪૩૫ એમએલડી પાણી મળે છે તેમાંથી ૩૯૫ એમએલડી પાણીનું શહેરમાં વિતરણ થાય છે અને બાકીનું લાઇનલોસ થાય છે.

તો ફક્ત રાજકોટ નહીં સમગ્ર સૌરાષ્ટ્રમાં દેકારો બોલત

ઉનાળાના ધોમધખતા તાપમાં જો આવતીકાલથી બે મહિના સુધી નર્મદા કેનાલ બંધ કરવામાં આવે તો ફક્ત રાજકોટ શહેર જ નહીં પરંતુ કેનાલમાંથી પાઇપલાઇન મારફતે નર્મદાનીર મેળવતા જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લા સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં દેકારો બોલી જાય તેવી સ્થિતિ હતી. આવા કારણોસર નિર્ણય મોકૂફ રખાયાની ચર્ચા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application