જામનગર જિલ્લામાં આગામી તારીખ 01 થી 08 ઓગષ્ટ દરમિયાન “નારી વંદન સપ્તાહ” ની ઉજવણી કરાશે
રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન બને અને સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મુકવામાં આવ્યા છે. સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય સહિતના ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ, રાજ્ય સરકાર દ્વારા આગામી તારીખ 01 ઓગસ્ટથી તારીખ 08 ઓગસ્ટ દરમિયાન ''નારી વંદન સપ્તાહ'' ની તમામ જિલ્લાઓમાં ઉજવણી કરવામાં આવશે.
જે અન્વયે, જામનગર જિલ્લામાં ''નારી વંદન સપ્તાહ'' ની ઉજવણી દરમિયાન મહિલાલક્ષી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો બેટી પઢાવો દિવસ, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા કલ્યાણ દિવસ તેમજ મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી સંબંધિત કચેરીઓ દ્વારા કરવામાં આવશે.
આ કાર્યક્રમો દરમિયાન મહિલા સુરક્ષા સંબંધી વિવિધ કાયદાઓ અને મહિલાલક્ષી યોજનાઓની લાભાર્થીઓને માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત, કિશોરીઓ તથા સગર્ભા મહિલાઓની હિમોગ્લોબીન તપાસ તેમજ તેમને આરોગ્યલક્ષી જાણકારી આપવામાં આવશે. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.