આજે સવારે અનુપમ ટોકીઝ પાસેના દબાણો દુર કરાયા: શહેરના ઔશવાળ સર્કલ, મહાકાળી સર્કલ અને રોજી પેટ્રોલ પંપ સહિતના વિસ્તારોમાં અસંખ્ય દબાણો હટાવાયા
જામનગર શહેરને સ્વચ્છ બનાવવા માટે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ એસ્ટેટ શાખાને સુચના આપ્યા બાદ દરરોજ વિવિધ વિસ્તારોમાંથી રેકડી, પથારા અને અન્ય માલાસમાન જપ્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે આજ સવારથી અનુપમ ટોકીઝ પાસેના દબાણો દુર કરવામાં આવ્યા હતાં, સાંજ સુધીમાં અન્ય સ્થળોએથી પણ દબાણ દુર કરવામાં આવશે.
જામનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરના મુખ્ય માર્ગો પરના દબાણો હટાવવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે જામનગર શહેરના મુખ્ય સર્કલ પૈકીના મહાકાળી સર્કલ, ઓશવાળ સર્કલ તેમજ રોજી પેટ્રોલ પંપ સર્કલ વિસ્તારમાં જાહેર માર્ગ પરના અનેક દબાણો હટાવાયા હતાં.
સૌપ્રથમ ઓશવાળ હોસ્પિટલ અને તેની આસપાસનો સમગ્ર વિસ્તાર કે જ્યાં લાંબા સમયથી ફૂટપાથ સહિતના વિસ્તારમાં અનેક ધંધાર્થીઓ ગોઠવાયેલા હતા, જે સ્થળેથી મંડપ, પથારા, પાથરણા સહિતના ૨૦ થી વધુ દબાણ દૂર કરીને એક ટ્રેક્ટર ભરીને માલ સામાન જપ્ત કરી લેવાયો હતો અને સમગ્ર સર્કલમાં સાફ સુફી કરવામાં આવી હતી. જેને લઈને આ વિસ્તારમાં ભારે દોડધામ થઇ હતી. એસ્ટેટ શાખાની ટીમે કોઈ પણ પ્રકારની મચક આપ્યા વિના તમામ માલ સામાન જપ્ત કરી લીધો હતો.
ત્યારબાદ મહાકાળી સર્કલમાં પણ માર્ગ પર ખડકાઇ ગયેલા જ્યુસ સેન્ટર, ઠંડા પીણા તથા અન્ય ફ્રુટના મંડપ વગેરે હટાવીને સમગ્ર સર્કલને ખાલી કરાવાયું હતું. ત્યારબાદ રોજી પેટ્રોલ પંપ વાળા રોડ પર એક રૂપિયાના સર્કલ સહિતના આસપાસના વિસ્તારોમાંથી પણ અનેક દબાણ દૂર કરીને સમગ્ર મુખ્ય માર્ગને ખુલ્લો કરાવાયો હતો અને કુલ ત્રણ ટ્રેક્ટર જેટલો માલ સામાનને જામનગર મહાનગર પાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયો છે. આ કાર્યવાહી એસ્ટેટ અધિકારી મુકેશ વરણવા, અનવર ગજણ સહિતના અધિકારીઓના નેજા હેઠળ કરવામાં આવી હતી.