આસામમાં મિયાં મુસ્લીમોના સર્વેના અર્થો અને સૂચિતાર્થો

  • February 24, 2024 12:09 PM 

આસામના મંત્રીમંડળે રાજ્યના સ્વદેશી મુસ્લિમોની વસ્તીના સામાજિક-આર્થિક સર્વેક્ષણને તાજેતરમાં મંજૂરી આપીને વિવાદનો મધપુડો છંછેડ્યો છે. રાજ્યની સત્તારૂઢ ભાજપ સરકારે દોઢ વર્ષ પહેલાં પાંચ સમુદાયોને સ્વદેશી આસામી મુસલમાન તરીકે સ્વીકૃતિ આપી હતી. આસામ સરકારે જે પાંચ મુસ્લિમ સમુદાયને સ્વદેશી મુસલમાન ગણ્યા છે તેઓ રાજ્યમાં ગોરિયા, મોરિયા, જોલાહ, દેસી અને સૈયદ સમુદાય તરીકે ઓળખાય છે. એ પૈકીના ગોરિયા, મોરિયા, જોલાહ ચાના બગીચાઓની આસપાસ વસવાટ કરે છે, જ્યારે દેસી મુસલમાન નીચલા આસામમાં રહે છે અને સૈયદને આસામી મુસલમાન માનવામાં આવે છે. આ પાંચ સમુદાયનો તત્કાલીન પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ) સાથે પ્રવાસનો કોઈ ઇતિહાસ ન હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ સરકારના આ સર્વેની વાત બહાર આવ્યા પછી ખાસ કરીને બંગાળી મૂળના મુસલમાનોમાં ફરીથી ભય અને ચિંતાનો માહોલ છે. આસામમાં બંગાળી મૂળના મુસલમાનોને બોલચાલની ભાષામાં મિયાં મુસલમાન કહીને સંબોધવામાં આવે છે. આસામમાં મિયાં મુસલમાનનો અર્થ પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)થી આવેલા મુસલમાનો થાય છે. પહેલાં કેટલાક લોકો તેમને ચરુવા કહીને બોલાવતા હતા તો કેટલાક લોકો તેમને પોગપોમવા કહેતા હતા. પછી તેમના માટે મિયાં શબ્દનો ઉપયોગ થવા લાગ્યો હતો. રાજકીય આક્ષેપોમાં તેમને આજે પણ બાંગ્લાદેશી કહેવામાં આવે છે. આ એ જ મિયાં મુસલમાનો છે, જેમના વિશે મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમા કહે છે કે તેમને મિયાં લોકોના મતની જરૂર નથી. આસામ સરકારે આ પાંચ પેટા-સમૂહોને સ્વદેશી તરીકે ઓળખ આપવા માટે પહેલાં છ પેટા-સમિતિની રચના કરી હતી. આ સમિતિઓની ભલામણના આધારે સમુદાયને વર્ગીકૃત કરવામાં આવ્યો છે. સ્વદેશી મુસલમાનોના સામાજિક-આર્થિક મૂલ્યાંકનની જવાબદારી સરકારે લઘુમતી મામલાઓ અને ચર ક્ષેત્ર ડિરેક્ટોરેટને સોંપી છે. ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ, આસામની ૧.૭ કરોડની વસ્તીમાં ૪૦ લાખથી વધુ મુસલમાનો હોવાનું જણાવવામાં આવે છે. જોકે, સ્વદેશી મુસલમાનોની આ સંખ્યા બાબતે કોઈની પાસે નક્કર પુરાવા નથી. રાજ્યમાં સ્વદેશી મુસલમાનોની જીવનશૈલી, પહેરવેશ અને ઓળખ બંગાળી મૂળના મુસલમાનોથી ઘણી અલગ છે. સરકારે લઘુમતીના નામે અત્યાર સુધી જે વિકાસ કર્યો છે તેનો સૌથી વધારે લાભ મિયાં મુસલમાનોને મળ્યો છે. બંગાળી મૂળના ૭૦ લાખ મુસલમાનો હોવાથી રાજકીય તાકાત તેમની પાસે જ રહી છે. આ સર્વે માત્ર સ્વદેશી મુસલમાનો માટે છે. તેમાં બંગાળી મૂળના મુસલમાનોને સામેલ કરવામાં નહીં આવે. મિયાં મુસલમાનોનો એક વર્ગ ખુદને જોલાહ સમુદાયના ગણાવીને સ્વદેશી સાબિત કરવાના પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ સરકારે આ બધું ધ્યાનમાં લેવાનું છે. આક્ષેપ એવો છે કે આ સર્વે મુસલમાનોમાં ભાગલા પાડવાની રાજનીતિનો હિસ્સો છે. સરકાર સ્વદેશી મુસલમાનોની વ્યાખ્યા કર્યા વિના સર્વે કરાવવા ઇચ્છે છે. આ રીતે કરવામાં આવેલો સર્વે અદાલતમાં માન્ય ગણાશે કે કેમ, તે કહેવું મુશ્કેલ છે. ગોરિયા-મોરિયા સમુદાયની ઓળખ આસાન હશે, પરંતુ દેસી સમુદાય તો મિયાં મુસલમાનો સાથે મિશ્રિત છે. તેથી બંગાળી મુસલમાનોમાંથી દેસી મુસલમાનોને તારવવાનું કામ બહુ મોટો પડકાર હશે. દેસી મુસલમાનો વિશે એવો દાવો કરવામાં આવે છે કે આ સમુદાય કોચ રાજવંશી આદિવાસી સમૂહ હતો અને તેઓ વર્ષો પહેલાં ધર્મ પરિવર્તન કરીને મુસલમાન બન્યા હતા. એ સિવાય દેસી મુસલમાનોના સંબંધ, લગ્ન મિયાં મુસલમાનો સાથે થયાં છે. તેથી સરકાર માટે એમને અલગ તારવવાનું કામ મોટો પડકાર હશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application