રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં ગત મોડીરાત્રે પ્લાસ્ટિકની જાળી બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આથી કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ભીષણ આગે ગણતરીની મિનિટોમાં જ આખી કંપનીને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. ઘટનાને કારણે ફાયરબ્રિગેડની ગાડીઓ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો. આજે સવારે આગ પર કાબૂ મેળવી લેવાયો છે. જોકે, આગને કારણે લાખો રૂપિયાનો માલ બળીને ખાક થઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, મેટોડા GIDC ગેટ નંબર-1માં આવેલી એમરોક નામની પ્લાસ્ટિકની જારી બનાવતી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે, ગણતરીની મિનિટોમાં જ તેણે આખી ફેક્ટરીને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
કેમિકલ્સને કારણે આગ વધુ વિકરાળ બની હતી
આગ લાગતાની સાથે સૌપ્રથમ મેટોડા ફાયર સ્ટેશનની તમામ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. જોકે, પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક બનાવવા માટે વપરાતા કેમિકલ્સને કારણે આગ વધુ વિકરાળ બની હતી અને બેકાબૂ થતાં રાજકોટ ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. રાજકોટથી તાત્કાલિક પાંચ ફાયર ટીમ મોડી રાત્રે ઘટનાસ્થળે રવાના થઈ હતી. ઉપરાંત, જરૂર જણાતાં આસપાસના વિસ્તારોમાંથી પણ ફાયર ટીમો બોલાવવામાં આવી હતી.
રાતે આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી
સમગ્ર રાત દરમિયાન રાજકોટ અને મેટોડા ફાયર વિભાગની ટીમો તેમજ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આગ બુઝાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા. રાતભર આગ પર પાણીનો મારો ચલાવી તેને કાબૂમાં લેવાના પ્રયાસો થયા હતા. વહેલી સવારે મહામહેનત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
કારખાનામાં તમામ સામાન બળીને ખાખ
આગ લાગી તે સમયે ફેક્ટરીમાં કેટલાક કામદારો પણ કામ કરી રહ્યા હતા. જોકે, આગ લાગવાની જાણ થતાં જ તેઓ તરત સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. આગની આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગવાથી કારખાનામાં રહેલો પ્લાસ્ટિકનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે કંપનીને મોટું આર્થિક નુકસાન થયું છે.
ઉલ્લેખનીય છે કે, મોડી રાત્રે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ આગ કયા કારણોસર લાગી તે જાણવાનાં પ્રયાસો શરૂ કર્યા હતા. પ્રાથમિક તપાસ બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાશે. હાલમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech