જામનગર પાસે પ્રેમિકાના પતિની જીપ ચડાવીને કરપીણ હત્યા

  • April 07, 2025 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અકસ્માતે મૃત્યુ થયાની ઘટનામાં પોલીસ તપાસ બાદ થયો સનસનાટીજનક ધડાકો : મૃતકની પત્ની અને તેના પ્રેમી સામે ગુનો નોંધાયો


જામનગર નજીક વિજરખી ડેમ પાસે જીપ કંપાસે બુલેટને ઠોકર મારતા એક યુવાનનું ગંભીર ઇજા સબબ મૃત્યુ થયાનો બનાવ બન્યો હતો જેમાં પોલીસની જીણવટભરી તપાસમાં મૃતકના પત્ની અને તેના પ્રેમીએ કાવત‚ રચીને હત્યાને અંજામ આપ્યાનું બહાર આવતા ભારે ચકચાર મચી જવા પામી છે, આ અંગે પોલીસ દ્વારા તપાસ આગળ વધારી છે અને મૃતકની પત્ની અને તેના પ્રેમી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


મુળ કાલાવડના અને હાલ જામનગર રહેતા રવિ મારકણા નામનો પટેલ યુવાન ગઇકાલે વિજરખી ડેમ નજીકના રોડ પરથી બુલેટ બાઇક લઇને પસાર થતો હતો ત્યારે જીપ કંપાસ ફોરવ્હીલ અકસ્માતમાં મૃત્યુ થયાની વિગતો વહેતી થઇ હતી બનાવ અનુસંધાને પંચ-એ પોલીસનો કાફલો દોડી ગયો હતો અને આ બનાવ સબંધે જીણવટભરી તપાસ હાથ ધરી હતી જેમાં કેટલીક ચોકાવનારી વિગતો સામે આવી હતી.


એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી દેવધાના માર્ગદર્શન હેઠળ પંચકોશી-એના પીઆઇ એમ.એન. શેખ અને સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ આદર્યો હતો જેમાં યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યુ હોવાનું ખુલ્યુ હતું આથી પોલીસે આ દીશામાં ચક્રો ગતીમાન કર્યા હતા.


દરમ્યાન કાલાવડના કૃષ્ણનગર-૧ ખાતે રહેતા એકાઉન્ટીંગ અને ખેતીનો વ્યવસાય કરતા ધીરજલાલ ઉર્ફે મહેતાજી મોહનભાઇ મારકણા (ઉ.વ.૬૧) નામના વૃઘ્ધે પંચ-એમાં અક્ષય છગન ડાંગરીયા તથા રીન્કલ રવિ મારકણા રહે. જામનગરની વિરુઘ્ધ બીએનએસ કલમ ૧૦૩ તથા ૬૧(૨)(એ) મુજબ ફરીયાદ નોંધાવી હતી.


ફરીયાદમાં જણાવ્યા અનુસાર ફરીયાદી વૃઘ્ધના પુત્ર રવિના પત્ની રીન્કલને અગાઉ તેના ઘરની સામે રહેતા આરોપી અક્ષય ડાંગરીયા સાથે પ્રેમ સબંધ હોય અને આ પ્રેમસબંધના કારણે ફરીયાદીના પુત્ર રવિ અને આરોપી રીન્કલ વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતા હતા જેના કારણે બંને આરોપીઓએ રવિને મારી નાખવા માટે કાવત‚ રચ્યુ હતું.


દરમ્યાન રવિ ધીરજલાલ મારકણા (ઉ.વ.૩૦) ગઇકાલે સાંજના સુમારે પોતાનું બુલેટ મોટરસાયકલ નં. જીજે૨૭ડીજે-૯૩૧૦ લઇને જામનગરથી કાલાવડ ગયેલ હતો ત્યારે આરોપી અક્ષય તેની ફોરવ્હીલ લઇને તેનો પીછો કર્યો હતો દરમ્યાન રવિભાઇ કાલાવડથી જામનગર પોતાના ઘરે બુલેટ લઇને જઇ રહયા હતા ત્યારે વિજરખી ડેમ નજીક મોગલ માતાજીના મંદિર પાસેના રોડ પર પહોચતા આરોપી અક્ષયે તેની જીપ કંપાસ ફોરવ્હીલ કાર નં. જીજે૨૦એકયુ-૮૨૬૨થી રવિના બુલેટને પાછળથી ઠોકર મારી હતી જેમાં ગંભીર ઇજા થવાથી રવિભાઇનું મૃત્યુ નિપજાવ્યુ હતું. આ વિગતોના આધારે પોલીસ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી છે. હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ અને આરોપીએ રચેલા કાવતરાનો પોલીસ તપાસમાં પર્દાફાસ થયો છે, ફરીયાદ અનુસંધાને આરોપીઓની અટકાયત કરવા સહિતની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application