પોરબંદર નજીકના માધવપુર ખાતે પંચ દિવસિય લોકમેળાનું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉદ્ઘાટન કર્યું ત્યારે જણાવ્યું હતું કે યાત્રાધામ માધવપુરને રાષ્ટ્રીય કક્ષાના રીલીજીયસ ટુરીઝમ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને ગત વર્ષે વિકાસ માટે ફાળવેલા 42 કરોડ માંથી 30 કરોડ રૂપિયાના વિકાસ કામો સંપન્ન થયા છે તેનું હું આજે લોકાર્પણ કરી રહ્યો છું ત્યારે માધવરાયની આ માધવ નગરી માં વધુને વધુ પ્રવાસીઓ આવે તે માટે હજુ અનેકવિધ વિકાસ કામો હાથ ધરવા માટે રાજ્ય સરકાર આગળ વધી રહી છે.
મુખ્યમંત્રીનું ઉદબોધન
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે માધવપુરના મેળા ને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે સનાતન હિંદુ સંસ્કૃતિના બે જ્યોતિર્ધર ભગવાન શ્રી રામ કે જેઓ મયર્દિા પુરુષોત્તમ હતા અને ભગવાન શ્રીકૃષ્ણ કે જેઓ પૂર્ણ પુરુષોત્તમ હતાં એ બંનેના મહિમા ગાનનો આજે અવસર છે ત્યારે આ મેળાને ખુલ્લો મુકતા હું આનંદની લાગણી અનુભવું છું.
વડાપ્રધાનને યશ આપ્યો
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે માધવપુરના મેળાના ઉદ્ઘાટન પ્રસંગે એમ પણ જણાવ્યું હતું કે આ મેળો રાષ્ટ્રીય કક્ષાનો બનાવવા પાછળનો સમગ્ર શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે ઇસવીસન 2018 ની સાલથી તેમણે માધવપુરના મેળા ને રાષ્ટ્રીય કક્ષાનો ઉજવવાનું આયોજન કરવા માર્ગદર્શન આપ્યું અને આજે આટલા વર્ષોથી નિયમિત રીતે રાષ્ટ્રીય કક્ષાના મેળાનું આયોજન થઈ રહ્યું છે તે બદલ વડાપ્રધાનનો પણ હું આભારી છું. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી હંમેશા કહે છે કે મેળામાં માણસ હરતો હોય છે મળતો હોય છે અને સમયને સોહામણો કરતો હોય છે ત્યારે શ્રદ્ધા આસ્થા અને ભક્તિના ત્રિવેણી સંગમ જેવા આ મેળાને માણવા માટે વધુને વધુ લોકો આવી રહ્યા છે સાથોસાથ બીચ સ્પોટ્ર્સ માટે પણ 600 જેટલા ખેલાડીઓ દેશના વિવિધ રાજ્યોમાંથી અહીંયા આવી ચૂક્યા છે અને દરિયાકાંઠે રમતમાં કૌવત રાખવી રહ્યા છે.
ગુજરાતમાં 1500થી વધુ મેળા
વધુમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે માધવપુરના મેળા જેવા ગુજરાતમાં 1500 થી વધુ નાના મોટા મેળાના આયોજન કરવામાં આવે છે અને એ ગુજરાતીઓની લોકજીવનની ધબકતી સંસ્કૃતિ પ્રદર્શિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત અને અરુણાચલ પ્રદેશ ની આબોહવા, ભાષા, બોલી, ખોરાક, પહેરવેશ, સંસ્કૃતિ, બધું જ અલગ હોવા છતાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજી ના વિવાહ થયા એ જ સિદ્ધ કરે છે કે પૂર્વોત્તર અને પશ્ચિમ વચ્ચેનું ઋણાનુબંધ નોખું અનોખું છે
વિરાસતો જાળવીને વિકાસ
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે 30 કરોડના ખર્ચે માધવપુરમાં વિકાસના કામો પૂર્ણ થયા છે અને હજુ અનેક વિકાસ કામ થવાના છે ત્યારે ઐતિહાસિક ઇમારતોની વિરાસતોને જાળવીને વિકાસ થઈ રહ્યો છે.
એર કનેક્ટિવિટી મળી
માધવપુરના મેળાને અને માધવપુર માં વધુ ને વધુ પ્રવાસીઓ આવે તે માટે રાજ્ય સરકાર હર હંમેશ અગ્રેસર છે તેમ જણાવીને મુખ્યમંત્રી એ ઉમેર્યું હતું કે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર જિલ્લાનો ટુરીઝમ ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ વિકાસ થાય તે માટે ઝડપી એર કનેક્ટિવિટી પણ આપવામાં આવી છે તાજેતરમાં જ પોરબંદર મુંબઈની ફ્લાઈટ શરૂ કરી દેવામાં આવી છે અને પોરબંદરના એરપોર્ટના વિસ્તરણ માટે પણ રાજ્ય સરકારે બજેટ માં રકમ ફાળવી છે એટલું જ નહીં પરંતુ દ્વારકા સોમનાથ એક્સપ્રેસવે માટે પણ સરકાર આગળ વધી રહી છે તેમ ઉમેર્યું હતું
ડોક્ટર મનસુખ માંડવીયાનું ઉદબોધન
પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ પણ તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં એમ જણાવ્યું હતું કે અગાઉ ઘેડના લોકો ગાડામાં બેસીને આ મેળાની મજા માણવા માટે આવતા હતા આજે સમય બદલાયો છે ત્યારે મેળો પણ આધુનિક બન્યો છે. માધવપુરને રમણીય સમુદ્ર તટ મળ્યો છે અને હાઇવે ની કનેક્ટિવિટી પણ ઉપલબ્ધ છે એટલું જ નહીં નજીકમાં મોકર સાગર જેવું વેટલેન્ડ છે કે જ્યાં શિયાળામાં વિદેશી પક્ષીઓ લાખોની સંખ્યામાં આવે છે તેથી આ ટ ઉપર પ્રવાસન સ્થળો વિકસાવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ક્યારેય પાછી પાની કરવાની નથી. તેમણે જણાવ્યું હતું કે 200 કરોડના ખર્ચે મોકર સાગરને આંતરરાષ્ટ્રીય કક્ષાનું ટુરીઝમ પ્લેસ વિકસાવવા માટે ની કામગીરી ધમધમી રહી છે સાથોસાથ માધવપુર સહિત પોરબંદર પંથકનો આર્થિક વિકાસ થાય અને ટુરીઝમ ક્ષેત્રે સંભાવનાઓને વિકસાવવામાં આવી રહી છે ત્યારે તેનો સીધો લાભ સમગ્ર જિલ્લાને થવાનો છે. નોર્થ ઈસ્ટ ના કલાકારો અને ગુજરાતી કલાકારો સાથે મળીને અહીંયા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી રહ્યા છે તે એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સિદ્ધ કરી રહી છે.
મુળુભાઈ બેરાનું સ્વાગત પ્રવચન
પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ સ્વાગત પ્રવચન કરીને સહુને આવકાર આપ્યો હતો અને ઉત્તર પૂર્વ તથા પશ્ચિમી સંસ્કૃતિને એક સૂત્રતાના તાંતણે બાંધતા સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત એક બીજાના ખાનપાન ચીજ વસ્તુઓ ની પણ જાણકારી મળે તેવા હેતુ સાથે આવા મેળાઓ ઉપયોગી સાબિત થાય છે તેમ ઉમેર્યું હતું. આ વર્ષે 1600 જેટલા કલાકારો સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવાના છે ત્યારે પ્રથમ વખત પ્રવાસ વિભાગ દ્વારા સ્ટેડિયમ જેવો આકાર આપીને બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી લોકો વધુ સારી રીતે કાર્યક્રમોને નિહાળી શકશે. પ્રથમ તબક્કાના 42 કરોડના વિકાસ કામોમાંથી 30 કરોડના વિકાસ કામો આજે પૂર્ણ થતા મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયું છે એ જ રીતે હજુ વધુ અનેક વિકાસ કામો માધવપુરમાં હાથ ધરવામાં આવશે તેમ મુળુભાઇ બેરા એ ઉમેર્યું હતું.
અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
પોરબંદરના માધવપુર ખાતે યોજાયેલા લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી કુંવરજી બાવળીયા, પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા, ધારાસભ્ય ભગવાનજી કરગટીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, મુખ્ય સચિવ પંકજ જોશી, પોરબંદર જિલ્લાના ભાજપના પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી,જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ ઓડેદરા, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબત પરમાર, જિલ્લા ભાજપ મહામંત્રીઓ નિલેશ મોરી, ખીમજી મોતીવરસ અશોક મોઢા, સહિત અનેક આગેવાનો માધવપુરના સરપંચ મનુભાઈ ભુવા માધવરાયજી મંદિરના પૂજારી પુરોહિત સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી અને મહાનુભાવોને માધવપુર બોલતા આવડ્યું નહીં!
જે જગ્યાએ માધવપુરના ભવ્યાતિભવ્ય લોકમેળાનું આયોજન રાષ્ટ્રીય કક્ષાનું થઈ રહ્યું છે એ માધવપુર શબ્દ બોલતા મુખ્યમંત્રીથી માંડીને અન્ય નેતાઓને પણ આવડ્યો ન હતો! મુખ્યમંત્રીએ તેમના પ્રવચનમાં માધવપુરને વારંવાર માધુપુર અને માધવપુરા ગણાવ્યું હતું. તો ડોક્ટર મનસુખ માંડવીયા એ પણ માધુપુર શબ્દનો ઉલ્લેખ કર્યો હતો! માત્ર આ વર્ષે જ નહીં દર વર્ષે મેળાનું રાષ્ટ્રીય કક્ષાનું જ્યાં આયોજન થાય છે એ ગામનું નામ પણ મહાનુભાવોને બોલતા આવડતું નથી તે દર વર્ષે સિદ્ધ થાય છે!
માધવપુરને ડેસ્ટિનેશન વેડિંગ પોઇન્ટ તરીકે વિકસાવવા સરકાર ની વિચારણા: ડોક્ટર મનસુખ માંડવીયા
પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે ભારતનું પ્રથમ ડેસ્ટિનેશન વેડિંગ સદીઓ પહેલા ભગવાન શ્રીકૃષ્ણએ રૂક્ષ્મણી સાથે કર્યું હતું અને છેક અરુણાચલ પ્રદેશથી પશ્ચિમી તટના માધવપુર સુધી તેઓ રૂક્ષ્મણીજીને લાવ્યા હતા તેથી આ માધવપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ થાય તે માટે પણ રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે અને તેના માટે ભવિષ્યમાં મુખ્યમંત્રી ડેસ્ટિનેશન વેડિંગ પોઇન્ટ તરીકે માધવપુર ને કઈ રીતે વિકસાવાય તે અંગે વિચારી રહ્યા છે!
ભગવાન શ્રીકૃષ્ણના લગ્નની તિથિ અંગે સાંસદની અજ્ઞાનતા?
પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખ માંડવીયાએ તેમના પ્રાસંગિક પ્રવચનની શરૂઆતમાં જણાવ્યું હતું કે ચૈત્ર સુદ નોમના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ થયા હતા જેની યાદમાં માધવપુરનો મેળો યોજવામાં આવે છે! વાસ્તવમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ ચૈત્ર સુદ બારસની રાત્રીએ યોજવામાં આવે છે અને મધુવન ખાતે રાત્રીના લગ્ન વિધિ થાય છે જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાય છે.
વિવાહ ઉત્સવનું પ્રથમ ફૂલેકું નીકળ્યું
ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજી ના વિવાહ ઉત્સવ નું પ્રથમ ફુલેકું રામ નવમીની રાત્રે 9:00 વાગે નીકળ્યું હતું. જેમાં માધવરાયજી અને ત્રિકમરાયજીની ગોદમાં બિરાજેલા નાના ઠાકોરજી શ્રી ગોપાલ લાલાની રવાડી નીકળી હતી કિર્તનીયા ગવાતા હતા અને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. જેમાં વિશાળ સંખ્યામાં બહેનો ભગવાનના લગ્ન ગીત ગાઇને જોડાઈ હતી તથા યુવાનો રથની આગળ દાંડીયારાસ રમ્યા હતા
1600 કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમે રંગ જમાવ્યો
માધવપુરના મેળા ને ખુલ્લો મુકવામાં આવ્યા બાદ મહાનુભાવોના પ્રવચન યોજાયા હતા. એ પછી 40 મિનિટનો મલ્ટી મીડિયા શો રજૂ થયો હતો જેમાં પૂર્વોત્તર રાજ્યો અને પશ્ચિમના રાજ્યના 1600 જેટલા કલાકારોએ એક એક થી ચડિયાતી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech