કાલાવડ પંથકમાં પવનચકકીના ટ્રાન્સફોર્મરને કરાતું લાખોનું નુકશાન
કાલાવડ પંથકના મોટી માટલી નાગપુર સીમ વિસ્તારમાં પવનચકીના વિસ્તારોમાં ટ્રાન્સફોર્મરમાથી ઓઇલ કાઢી લઇ વાયર સળગાવી, વાઇડીંગ ફેઇલ થઇ જતા કુલ ૬.૩૬ લાખનું નુકશાન કર્યાની અજાણ્યા શખ્સો સામે ફરીયાદ કરવામાં આવતા આ મામલે ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે.
મુળ પોરબંદર છાયા વિસ્તારના અને હાલ તિપતી પાર્ક ખાતે રહેતા અમિતભાઇ સવજીભાઇ કદાવલા (ઉ.વ.૩૬) એ ગઇકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં પવનચકકીની જગ્યામાં નુકશાન પહોચાડવા બાબતે અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી.
ગત તા. ૧૨-૬-૨૪ સાંજના સુમારે અજાણ્યા શખ્સોએ કંપનીને નુકશાન પહોચાડવાના ઇરાદે પાયોનીર કંપની હસ્તકની કાલાવડના મોટી માટલી-વડી પાટીયા પાસે અને નાગપુર સીમ વિસ્તારમાં આવેલ અલગ કંપનીઓની પવનચકકીઓની જગ્યામાં ગેરકાયદે પ્રવેશી ૬ પવનચકકીના ટ્રાન્સફોર્મરના વાલ્વ ખોલી આશરે ૧૧૦૦ લીટર ઇન્સ્યુલેશન ઓઇલ કાઢી લીધુ હતું.
ટ્રાન્સફોર્મર મળી કુલ ૬૬૦૦ લીટર જેટલુ ઓઇલ કાઢી આશરે ૨.૬૪ લાખનું નુકશાન પહોચાડયુ હતું એક પવનચકકીના ક્ધટ્રોલમમાં આવેલ કેબલો નીચેના ભાગે સળગાવી આશરે ૧૨ હજારનું નુકશાન પહોચાડયુ હતું, ટ્રાન્સફોર્મરમાથી ઓઇલ કાઢી નાખવાના કારણે બે પવનચકકીના લોકેશનમાં વાઇડીંગ ફેઇલ થઇ જતા આશરે ૩.૬૦ લાખનું નુકશાન થયુ હતું.
આમ અજાણ્યા ઇસમોએ કુલ ૬.૩૬ લાખનું નુકશાન પહોચાડી ગુનો કર્યો હતો. ઉપરોકત ફરીયાદના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા અજાણ્યા ઇસમોનો શોધખોળ ચલાવવામાં આવી રહી છે.