ખંભાળિયામાં જૂની ખડપીઠ પાસે રહેતા હેમાબેન રામભાઈ ડેરાજભાઈ સુમણીયા નામના પરિણીતાને તેણીના લગ્નજીવન દરમિયાન છેલ્લા પાંચેક વર્ષથી તેણીના પતિ રામભાઈ ડેરાજભાઈ સુમણીયા, શક્તિદાન ડેરાજભાઈ અને કરસન ડેરાજભાઈ સુમણીયા નામના શખ્સો દ્વારા અવારનવાર બીભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી, શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપવા સબબ પતિ સહિત ત્રણેય સામે ખંભાળિયા પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
લીંબડી નજીક બસની અડફેટે ટ્રેક્ટર સવાર ઇજાગ્રસ્ત
કલ્યાણપુરથી આશરે 26 કિલોમીટર દૂર લીંબડી ગામ પાસે આવેલા એક મંદિર નજીક પાસેથી પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 18 ઝેડ.ટી. 0757 નંબરના સરકારી બસના ચાલકે આ માર્ગ પર આવી રહેલા એક ટ્રેક્ટરને પાછળથી ઠોકર મારીને અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં બાબુભાઈ દેવાભાઈ કણજારીયા અને રાહુલ બાબુભાઈ કણજારીયા નામના બે વ્યક્તિઓને હેમરેજ તેમજ અન્ય ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે જમનભાઈ મોહનભાઈ કણજારીયા (ઉ.વ. 40, રહે. હંજડાપર)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે સરકારી બસના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
જુના મનદુઃખનો ખાર રાખીને ભોગતના યુવાન પર હુમલો
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે નવાપરા વિસ્તારમાં રહેતા જીવાભાઈ કરસનભાઈ કંડોરીયા નામના 40 વર્ષના આહિર યુવાનને આજથી આશરે એકાદ વર્ષ પહેલા લાંબા ગામના વાછરા ડાડાના ભુવા સાથે મનદુઃખ થયું હતું. આ બાબતનો ખાર રાખીને ફરિયાદી જીવાભાઈ કંડોરીયા ગઈકાલે સોમવારે વાછરા ડાડાના મંદિરે દર્શન કરવા ગયા હતા, ત્યાંથી પરત ફરતી વખતે લાંબા ગામે રહેતા જુઠાભાઈ મેરામણભાઈ ચેતરીયા અને પરબતભાઈ ચેતરીયા નામના બે શખ્સો તેમજ તેની સાથે મોટરકારમાં આવેલા પાંચ અજાણ્યા શખ્સોએ તેમને બીભત્સ ગાળો કાઢી, અને પાઈપ તેમજ લાકડીના ધોકા વડે બેફામ માર માર્યો હતો. આમ, આરોપીઓ દ્વારા ગેરકાયદેસર રીતે મંડળી રચીને અને હથિયારો વડે ફરિયાદી જીવાભાઈ કંડોરીયાને માર મારી, ફ્રેકચર સહિતની ઈજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ પ્રકરણ અંગે પોલીસે બી.એન.એસ. તેમજ જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. યુ.બી. અખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
મીઠાપુર, ઓખામાં પાંચ જુગારીઓ ઝડપાયા
મીઠાપુરના રેલવે સ્ટેશનની સામેથી પોલીસે ઉષાબેન રમેશભાઈ સંચાણિયા, જીવીબેન મોહનભાઈ એદરિયા અને ગીતાબેન મોહનભાઈ એદરિયાને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. ઓખા મરીન પોલીસે સહદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને હીમભાઈ હસનભાઈ ચાવડાને ગંજીપાના વડે જુગાર રમતા બસ સ્ટેશનના પાછળના ભાગેથી મુદ્દામાલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.