'તેરા તુજકો અર્પણ' અંતર્ગત કાર્યવાહી હાથ ધરાઇ
જામનગર જિલ્લાના કાલાવડ ટાઉન પોલીસે 'તેરા તુજકો અર્પણ' પ્રોગ્રામ અંતર્ગત કાલાવડના એક આસામીના આશરે ૧૪ તોલા જેટલા સોનાના દાગીના, કે જેની હાલની બજાર કિંમત આશરે બાર લાખ જેટલી થવા જાય છે, જે સોનાના દાગીનાનો કિંમતી મુદામાલ તેના મુળ માલીકને કાલાવડ ટાઉન પોલીસ પરત અપાવ્યા છે.
જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુ અને જામનગર ગ્રામ્ય વિભાગના ડી.વાય.એસ.પી. આર.બી.દેવધાના માર્ગદર્શન હેઠળ કાલાવડ ટાઉન પોલીસ વિભાગની ટીમ દ્વારા જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમા મીલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના અપાઈ હતી. જે સુચના અન્વયે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.વી.આંબલીયા અને તેઓની કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અરજદાર વિપુલભાઇ વિઠ્ઠલભાઇ હીરપરા (રે.બેંક ઓફ બરોડાની બાજુમાં, સીનેમા રોડ, કાલાવડ, જી.જામનગર) એ પોલીસ સમક્ષ આવીને જણાવ્યું હતું કે પોતાના ભાણેજે આર્થિક રૂપિયાની ખેચને લીધે તેમના ઘરેથી સોનું લઇ ગયા છે, જે રાજકોટ રહે છે. જે તમામ ઘરેણાં પરત ન સોપતાં હોય જે અંગે કાલાવડ પોલીસ સ્ટેશન ખાતે રજુઆત કરાતાં પોલીસની મધ્યસ્થીથી આશરે ૧૪ તોલા સોનાના દાગીના જેની કિંમત બાર લાખ જેટલાનો કિંમતી મુદામાલ મુળ માલીકને પરત સોપી આપી સરાહનીય કામગીરી કરી છે.
કાલાવડ ટાઉનમાં રહેતા વિપુલભાઈ વિઠ્ઠલભાઈ હિરપરા કે જેઓ દ્વારા પોલીસમાં એવી રજૂઆત કરાઈ હતી કે, તેનો ભાણેજ કે જે રાજકોટ રહે છે, અને તાજેતરમાં પોતાના ઘેર રોકાવા આવ્યો હતો, ત્યારબાદ પોતે રાજકોટ ચાલ્યો ગયો હતો, અને પોતાના ઘરમાંથી સોનાના દાગીના ગાયબ થઈ ગયા હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. જેથી કાલાવડ ટાઉન પોલીસે તપાસનો દોર રાજકોટ સુધી લંબાવ્યો હતો, અને ભાણેજને રાજકોટથી જામનગર બોલાવી લીધા બાદ તેના પાસેથી આશરે રૂપિયા ૧૨ લાખની કિંમતનું સોનું કબજે કરી લેવામાં આવ્યું હતું.
કાલાવડ ટાઉન પોલીસ મથકમાં તેરા તુજકો અર્પણ પ્રોજેકટ અંતર્ગત પોલીસ ટુકડીએ સોનાનો તમામ ઓરીજનલ મુદામાલ તેના મૂળ માલિકને પરત કરી દઈ પ્રશંસનીય કામગીરી કરી હતી. જેથી સમગ્ર પરિવારજનોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.