12 એપ્રિલને શનિવારે હનુમાન જયંતિ છે ત્યારે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના લોકોના આસ્થાના કેન્દ્રસમાં અમરેલીના લાઠી તાલુકામાં આવેલા ભુરખીયા હનુમાન મંદિરમાં દાદાના જન્મના વધામણા કરવા માટે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. મંદિરને રંગબેરંગી રોશની અને ફૂલોના શણગાર કરવામાં આવ્યો છે. અહીં રોજ મોટી સંખ્યામાં ભાવિકો દાદાના ચરણોમાં માથુ ટેકવવા આવે છે.
ભુરખિયા ગામે આવેલ સુપ્રસિદ્ધ જગ વિખ્યાત સ્વયભૂં પ્રાગટેલા ભુરખિયા હનુમાનજી મંદિરના નવ નિર્માણ કાર્યનો શુભારંભ આગામી દિવસોમાં કરવામાં આવશે. તેમજ ૧૧ એપ્રિલે મંદિર સામે અતિ આધુનિક નવ નિર્મિત જાનકી ગાર્ડનનું લોકાર્પણ તેમજ નવ નિર્મિત મંદિરના સંભવિત મોડેલનું અનાવરણ કરવામાં આવશે.
સુપ્રસિદ્ધ સ્વયંભૂ પ્રાગટ્ય શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરને સરકાર દ્વારા પ્રવાસન સ્થળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે ગ્રાન્ટમાંથી તાજેતરમાં મંદિર પરિસરના સામેના ભાગના ગ્રાઉન્ડમાં સુંદર બગીચાનું નિર્માણ કરવામાં આવેલ છે. આ ગાર્ડનનું નામ જાનકી ગાર્ડન રાખવામાં આવેલ છે. આ નવ નિર્મિત ગાર્ડનનું કાલે લોકાર્પણ કરવામાં આવશે.
ઉચ્ચ ક્વોલિટીના મારબલ સાથે સમગ્ર મંદિરનું નિર્માણ કરવામાં આવશે
સાથોસાથ નિષ્ણાંત સોમપુરાના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ ક્વોલિટીના મારબલ સાથે સમગ્ર મંદિરનું નિર્માણ કરવામાં આવશે. યાત્રિકોની સુવિધાર્થે આધુનિક વિશ્રામ ગૃહ, અતિથિ ભવન, ભોજનાલય, સત્સંગ હોલ, યજ્ઞશાળા તેમજ મંદિર પરિસર ફરતે કંપાઉન્ડ વોલ, અતિ આધુનિક લાઇટિંગ સહિત વિવિધ સુવિધાસભર આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તે દિવસે મંદિરના નવ નિર્મિતના સંભવિત મોડેલનું અનાવરણ કરવામાં આવશે.
યાત્રિકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા પણ બંદોબસ્ત
અમરેલી સહિત જિલ્લામાં હનુમાન જયંતિની ભાવભેર ઉજવણી કરવા માટે ભકતોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે લાઠી તાબાના ભુરખીયા ગામે આવેલ સુપ્રસિધ્ધ ભુરખીયા હનુમાન મંદિરે આવતીકાલ સાંજથી મોટી સંખ્યામા પદયાત્રિકોનો પ્રવાહ ભુરખીયા તરફ પ્રયાણ કરશે. અમરેલીથી ભુરખીયા સુધીના 35 કિમીમાં ઠેર ઠેર ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવામા આવ્યા છે. આ ઉપરાંત યાત્રિકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા પણ બંદોબસ્ત જાળવવામા આવશે.
ભુરખીયા હનુમાનજીનું મંદિર 439 વર્ષ જૂનું પ્રાચીન મંદિર
ભુરખીયા હનુમાન મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામા પદયાત્રિકો દર્શનાર્થે ઉમટી પડશે. અહીં મંદિર ટ્રસ્ટ દ્વારા પણ યાત્રિકોની સુવિધા માટે તૈયારીઓ કરવામા આવી રહી છે. તીર્થધામ ભુરખીયા હનુમાનજીનું મંદિર 439 વર્ષ જૂનું પ્રાચીન મંદિર છે અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અભિનેત્રી આશા પારેખના કુળદેવ હોવાથી તે પણ નિયમિત આ મંદિરે આવે છે
હનુમાન જયંતિના દિવસે ચાર આરતી થાય છે
ભુરખીયા હનુમાન મંદિરના પુજારી નિલેશભાઈ નિમાવતે આજકાલ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, દાદા સ્વયંભૂ વિક્રમ સંવત 1642માં પ્રગટ્યા હતા. છેલ્લા 432 વર્ષથી નિમાવત પરિવાર મંદિરમાં પૂજા કરે છે. રોજ સવારે 5 વાગ્યે મંગળા આરતી થાય છે. તેમજ સંધ્યા આરતી ઋતુ પ્રમાણે થાય છે. ઉનાળામાં 7.30 વાગ્યે, શિયાળામાં 6.15 વાગ્યે અને ચોમાસામાં 7 વાગ્યે સંધ્યા આરતીનો સમય રાખવામાં આવ્યો છે. હનુમાન જયંતિના દિવસે ચાર આરતી થાય છે. જેમાં સવારે 5 વાગ્યે મંગળાઆરતી, બપોરે 12 વાગ્યે મધ્યાહન આરતી, સાંજે 7.30 વાગ્યે સંધ્યા આરતી અને રાત્રે 12 વાગ્યે દાદાની પ્રાગટ્ય આરતી કરવામાં આવે છે.
ટ્રસ્ટમાં કોનો કોનો સમાવેશ
વધુમાં જણાવ્યું હતું કે, આગલી રાત્રે આખા અમરેલી જિલ્લામાંથી બેથી અઢી લાખ લોકો ચાલીને મંદિરે હનુમાન જયંતિના દિવસે સવારે આવે છે. આ દિવસે બપોરે અને સાંજે ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ભુરખિયા હનુમાનજી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે દુષ્યંતભાઈ પારેખ છે. જ્યારે ટ્રસ્ટીઓમાં કૌશિકભાઈ પારેખ,
જીતેન્દ્રભાઈ નિમાવત, મનિશભાઈ નિમાવત, અમરશીભાઈ પરમાર, હરજીભાઈ નારોલા સહિત 12 લોકોનો સમાવેશ થાય છે.
ભુરખીયા હનુમાન મંદિરનો ઈતિહાસ
અમરેલી જિલ્લામાં આજથી 439 વર્ષ પૂર્વે વિક્રમ સંવત 1642માં વીરમગામની ભાગોળે ગોલવાડ દરવાજા બહાર મેદાનમાં અયોધ્યાના સંત રઘુવીરદાસની જમાતના ત્રણસો જેટલા ખાખી સાધુઓ ઊતર્યા હતા. મહાત્મા દામોદરદાસજી પોતાની રાવટીમાં એક રાત્રે નિંદ્રાધીન થયા હતા ત્યારે તેમને સ્વપ્નમાં હાલમાં લાઠી અને દામનગર વિસ્તારમાં એક મોટું જંગલ હતું ત્યાં ટેકરા પર ચૈત્ર મહિનાની પૂર્ણિમા સુધીમાં પહોંચી જવાનું અને એ દિવસની રાત્રે ત્યાં હનુમાનજીનું પ્રાગટ્ય થવાનું હોવાની સૂચના મળી હતી. સંત દામોદરદાસજી અને હાજર લોકોને સાક્ષાત હનુમાન દાદાના દર્શન થયા અને તમામે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા, બાદમાં ભગવાનને પાંચ નદીઓમાંથી પાણીથી સ્નાન કર્યું અને આંકડાના ફૂલોની માળા ચડાવી. લોકોએ ત્યાં ઘણા દિવસો સુધી પ્રાર્થના કરી. દિવસો સુધી આરતી અને પૂજા-અર્ચના કરવામાં આવી. સંતે “ભુરખિયા” નામનો વિચાર કર્યો તે સૂચવવા માટે કે ભગવાન તેની આસપાસ અને ભૂમિની ભૂમિ (ભૂ)ની સુરક્ષા અને વિકાસ કરશે. સમય જતાં ભુરક્ષ્ય લોકપ્રિય રીતે ભુરખિયા બન્યું. ભગવાનને પ્રેમથી “ભુરખિયાદાદા” અને “ભૂરાકીઆહુમાન” કહેવાતા. આજે, ભગવાનના દેખાવના 439 વર્ષ પછી, આપણી પાસે દેશના વિવિધ ભાગોમાં અને બહારના લાખો વિશ્વાસીઓ છે, જેઓ ભગવાનને અનુસરે છે અને પ્રાર્થના કરે છે અને તેમના આશીર્વાદ માંગે છે. પહેલાં જે નાનું મંદિર હતું તે હવે એક વિશાળ સંકુલ બની ગયું છે જે કેન્દ્રમાં એક વિશાળ મંદિર છે.
કવિ પીંગળશી ગઢવીને ભુરખીયા હનુમાનજીનો પરચો થયો
લોકવાયકા અનુસાર કવિ પીંગળશી ગઢવીને અહીં ભુરખીયા હનુમાન દાદાનો પરચો થયો હતો. જે-તે સમયે જંગલ હતું ત્યાં હવે આખું ગામ વિકસી ગયું છે અને ચૈત્રી પૂનમના દિવસે અહીં મોટો મેળો ભરાય છે. જેમાં દર્શન માટે એક લાખ કરતા પણ વધારે લોકો ઉમટી પડે છે. અહીંયા બ્રાહ્મણોની ચોર્યાસી કરવાનું પણ વિશેષ મહત્વ છે. મંદિર ટ્રસ્ટ અને સરકાર દ્વારા અહીં યાત્રીઓ માટે રહેવા, જમવા સહિતની તમામ આવશ્યક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ હેરાલ્ડ કૌભાંડ: EDની તપાસ શરૂ થયા બાદ પણ મની લોન્ડરિંગ, જાહેરાતના નામે ભેગા કરાયા પૈસા
April 16, 2025 10:32 PMરાજકોટમાં કાળઝાળ ગરમી: 43.4 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ
April 16, 2025 07:52 PMઅમેરિકાએ ચીન પર 100% ટેરિફ વધાર્યો, કુલ ટેરિફ થયો 245%, ચીને કહ્યું ટેરિફ વોરથી નથી ડરતા
April 16, 2025 07:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech