બ્રિટીશ વસાહતી કાળમાં જામનગરના રજવાડાની સેવા માટે સ્થાપિત જામજોધપુર રેલ્વે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રૂ . ૧૦.૪૩ કરોડના ખર્ચે પુન: વિકાસ કરવામાં આવ્યો છે, પ્રાદેશિક વેપાર અને મુસાફરોના પરિવહનમાં ચાવીપ આ રેલ્વે સ્ટેશન પરથી ખનીજો અને કૃષિ પ્રદેશોની હેરફેરથી સ્થાનિક અર્થતંત્રને ફાયદો થઇ રહ્યો છે. આ રેલ્વે સ્ટેશનના પુન: વિકાસથી મુસાફરોને અત્યાધુનિક સુવિધા મળશે.
બ્રિટીશ વસાહત કાળ દરમ્યાનમાં જામનગરની રજવાડાની સેવા માટે સ્થાપિત જામજોધપુર રેલ્વે સ્ટેશન લાંબા સમયથી પ્રાદેશિક વેપાર અને મુસાફરોના પરિવહનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું આવ્યું છે. ગુજરાતમાં સ્થિત અને હાલમાં એનએસજી-૬ સ્ટેશન તરીકે વર્ગીકૃત થયેલ જામજોધપુર રેલ્વે સ્ટેશન માલ અને મુસાફર બન્નેના ટ્રાફીકનું સંચાલન કરે છે.
ખાસ કરીને ખનીજ અને કૃષિપેદાશોની હેરફેર દ્વારા સ્થાનિક અર્થતંત્રને ફાયદો થઇ રહ્યો છે. ત્યારે અમૃત ભારત સ્ટેશન અંતર્ગત જામજોધપુર રેલ્વે સ્ટેશનનો રૂ. ૧૦.૪૩ કરોડના ખર્ચે પુન: વિકાસ કરવામાં આવ્યો છે. જે ભારતીય રેલ્વેના આધુનિક પરિવહન હબ બનાવવાના ઘ્યેયને પ્રતિબિંબીત કરે છે. નવનિર્માણ પામેલા આ રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ-૧ નું વિસ્તરણ અને નવા ઉચ્ચસ્તરીય પ્લેટફોર્મ-૨ નું નિર્માણ કરવામાં આવ્યું છે, જે મુસાફરોને વધુ સલામતી અને કાર્યક્ષમ બોર્ડીંગ પ્રદાન કરશે.
તદ્દઉપરાંત નવા કવર શેડ મુસાફરોને ખરાબ હવામાનથી બચાવશે અને એકંદરે આરામમાં વધારો કરશે. દિવ્યાંગો માટે અનુકુળ સુવિધાઓ જેવી કે સુલભ સાઇનેજ, રેમ્પ, ટેકટાઇલ ટાઇલ્સ, નિયુક્ત પાર્કીંગ અને ખાસ ડીઝાઇન કરાયેલા શૌચાલયની સુવિધા મુસાફરોની મુસાફરી વધુ સરળ બનાવશે.
વિશિષ્ટ ઓળખ સાથેનો પ્રવેશદ્વાર, અદ્યતન પેસેન્જર એનાઉન્સમેન્ટ સિસ્ટમથી મુસાફરોને માર્ગ શોધવામાં સરળતા
નવનિર્મિત જામજોધપુર રેલ્વે સ્ટેશનમાં એ.સી. વેઇટીંગ હોલ, ટોયલેટ બોકસ અને સીંગલ પ્રવેશદ્વાર ખાસ ડીઝાઇનથી તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રવેશદ્વાર અને સ્ટેશનનો આગળનો ભાગ સ્ટેશનને વિશિષ્ટ અને સ્વાગતશીલ ઓળખ આપે છે.
તદ્દઉપરાંત અદ્યતન સાઇનેજ, કોચ ગાઇડન્સ ડીસ્પ્લે બોર્ડ અને અદ્યતન પેસેન્જર એનાઉન્સમેન્ટ સિસ્ટમથી મુસાફરોને માર્ગ શોધવામાં વધુ સરળતા રહેશે, ડીડેકેટેડ લેન, માળખાગત પાર્કીંગ અને રાહદારીઓ માટે ફરતા વિસ્તારને પહોળો અને પુન:ગઠિત કરાયો છે, આથી વાહનો અને લોકો બન્નેનું આવાગમન સરળ બનશે, નવું લેન્ડસ્કેપ અને ઉન્નત લાઇટીંગ સાથેનું સ્ટેશનનું વાતાવરણ સલામતીમાં સુધારો કરે છે.
મર્યાદીત જગ્યા અને જુના થતાં માળખાગત સુવિધાઓના પડકારોને સંબોધતા સ્ટેશનના આંતરિક લેઆઉટને ફરીથી ડીઝાઇન કરાયો છે. જેમાં એક વિશાળ કોનકોર્સ વિસ્તાર, પૂરતી બેઠક વ્યવસ્થા અને સુવ્યવસ્થિત કતાર વ્યવસ્થાનો સમાવેશ થાય છે.
આધુનિક સુવિધા અને વારસાગત સંવેદનશીલતાનું મિશ્રણ જામજોધપુર સ્ટેશનને કનેકટીવીટી, વાણિજ્ય અને આરામના પુન:જીવિત કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરે છે.