↵સીદસર, ગીંગણી, વાલાસણ, માંડાસણ, ધ્રાફા ચોવીસી સહિતના ગામોમાં કમોસમી વરસાદ ખાબકયો
હવામાન ખાતાની તા.૨૩થી ૨૫ દરમ્યાન જામનગર તેમજ દેવભુમિ દ્વારકા જિલ્લામાં અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, ગઇકાલે જામજોધપુર પંથકમાં કમોસમી વરસાદ પડતાં ખેડુતોની હાલત કફોડી બની છે, જામજોધપુરના સીદસર, ગીંગણી, વાલાસણ, માંડાસણ, ધ્રાફા ચોવીસી સહિતના ગામોમાં બપોરે ૪ વાગ્યાની આસપાસ કમોસમી વરસાદ ખાબકતા ખેડુતોના હાલ બેહાલ બન્યા છે.
અરબી સમુદ્રમાં સાયકલોન સિસ્ટમ કાર્યરત થતાં તેની અસર જામજોધપુર પંથકમાં જોવા મળી હતી, ગઇકાલે સમી સાંજે ભારે પવનના સુસવાટા વચ્ચે એક ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો. હજુ પણ હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.
જામજોધપુર તાલુકામાં ગઇકાલે બપોરે ચારેક વાગ્યા બાદ વાતાવરણ પલ્ટાયું હતું અને ભારે પવન ફુંકાયા પછી ચોમાસા જેવો ધોધમાર વરસાદ શ થયો હતો, સાંજે ૪ થી ૬ દરમ્યાન એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે પવન સાથે વરસાદ પડતાં ઘણી જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતાં, આ કમોસમી વરસાદ પડતાં ખેતરમાં ઉભા પાકને પણ નુકશાન થયું હતું, કમોસમી વરસાદના પગલે ખેડુતો ચિંતીત બન્યા છે. આ વરસાદના કારણે પાકને મોટુ નુકશાન થયું હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે.