અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રિ-વૅડીંગ સેરેમનીની આજથી ધમાકેદાર શરુઆત: રાજનેતાઓથી લઈને બૉલિવૂડ અને આંતરરાષ્ટ્રિય કક્ષાના મહેમાનો પહોંચવા લાગ્યા: જામનગરના વિમાની મથક બહાર સ્ટારના કાફલાને જોવા માટે ઉમટતાં લોકો: રિલાયન્સ ગ્રીનમાં આજે ઉજવણીના પ્રથમ દિવસે અનેક ધમાકેદાર પર્ફોમન્સ: આતશબાજીની રમઝટ: મોડી રાત સુધી મહેમાનોને ભોજન પીરસવાની તૈયારી
જામનગર નજીક મોટી ખાવડી રિલાયન્સ ગ્રીનમાં આજથી અંબાણી પરિવારના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વૅડીંગ સેરેમની અંતર્ગત ધમાકેદાર કાર્યક્રમોની શરુઆત થઈ ચૂકી છે, દિગ્ગજ મહેમાનોના આગમ થયાં છે, દેશ-વિદેશની ખ્યાતનામ હસ્તીઓ પહોંચી રહી છે, ઘણાંબધા લોકપ્રિય ચહેરાઓ આવી ચૂક્યા છે અને આજના દિવસે પણ અનેક મોટા નેતાઓ-અભિનેતાઓ તથા વિદેશી મહેમાનો જામનગરના વિમાની મથકે ઊતરશે. આજના પ્રથમ દિવસે ધમાકેદાર પર્ફોમન્સ યોજાશે જેમાં બૉલિવૂડના જાણીતા અભિનેતાઓ પણ પોતાના પર્ફોમન્સ આપશે. વિમાની મથકની બહાર ઘણીબધી હસ્તીઓ કૅમેરામા કેદ થઈ છે, દરેક મહેમાન પોતાના અલગ અંદાજમાં આવ્યા છે અને લોકોને પોતાના મનગમતા અભિનેતાઓને જોવાની તક મળી છે.
મુકેશ અંબાણી-નીતા અંબાણીના પુત્રની પ્રિ-વેડીંગ સેરેમની આજથી તા.૩ રવિવાર સુધી યોજાશે, દરેક દિવસે અલગ-અલગ કાર્યક્રમો થવાના છે અને તેના માટે વિશેષ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તમામ વીઆઈપી મહેમાનો જે અત્યાર સુધી આવ્યા છે એ બધાંને રિલાયન્સ ગ્રીન ખાતે લઈ જવા માટે અંદાજે એક હજાર જેટલી વીઆઈપી કારનો કાફલો અને રિલાયન્સની મોટી ટીમ કામે લાગી છે.
મહેમાનો જામનગરના વિમાની મથકે ઊતરે એ સાથે જ ઉત્સવ જાણે શરુ થઈ ગયો હોય એવી અનુભૂતિ એમને કરાવવા માટે ઍરપોર્ટની બહાર પણ રાસ-ગરબા અને શરણાંઈના સૂરની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મહેમાનો માટે રૉલ્સ રૉય, મર્સિડીઝ જેવી મોટર કારમાં બેસાડીને એમને મોટી ખાવડી લઈ જવામાં આવ્યા છે. ગઈકાલે આખો દિવસ નેતાઓ અને અભિનેતાઓનો કાફલો જુદી-જુદી ફલાઈટમાં જામનગર આવ્યો હતો.
મેટા અને ફેસબૂકથી વધુ જાણીતા એવા માર્કસ ઝૂકરબર્ગ, દુબઈના ઉદ્યોગપતિ મોહંમદ અલ બદર અને ઈન્ટરનેશનલ કક્ષાએ પર્ફોમન્સ આપતી પૉપ સિંગર રિહાનાનું જામનગરના વિમાની મથકે આગમન થયું અને એ રીતે દુનિયામાં પણ જામનગરનું નામ વધુ જાણીતું બન્યું છે.
આજે જુદા-જુદા સિડ્યુઅલમાં સાંજ સુધી અનેક ફલાઈટ વિમાની મથકે આવવાની છે અને તેમાં ઘણીબધી દિગ્ગજ હસ્તીઓનું આગમન થવાનું છે, ઍરપોર્ટની બહાર મોડી રાત સુધી રિલાયન્સની મોટી ટીમ મહેમાનોને આવકારવા તૈયાર રખાઈ છે તો બીજી બાજુ ચાહકોનો મોટો કાફલો પણ ઍરપોર્ટની બહાર જોવા મળી રહ્યો છે.
***
ભોજનના મેનુમાં નો-રીપીટની વ્યવસ્થા
ભવ્યાતીભવ્ય ઉજવણભરી આ પ્રિવેડીંગ સેરેમની સાથે સાથે સંખ્યાબંધ રસપ્રદ વિગતો સામે આવે છે, આ પ્રસંગ પ્રિવેડીંગ સાથે સાથે એક નેશનલ - ઇન્ટરનેશનલ આઇટમોનો ફુડ ફેસ્ટિવલ પણ બની રહેશે, જે માટે ઇન્દોરથી ૨૫ મુખ્ય સેડની દેખરેખ હેઠળ વિશાળ ટીમ ઇન્દોરી આઇટમો, મેકિસકન, થાઇ, પારસી ફુડ આઇટમો પીરસશે, લંચ-ડીનર માટે ૨૫૦-૨૫૦ જેટલી આઇટમો, નાસ્તામાં ૭૦ આઇટમો, મીડનાઇટ (રાત્રે ૧૨ થી સવારે ૪) નાસ્તામાં ૮૫ પ્રકારની આઇટમોનો સમાવેશ થાય છે, ભોજન કે નાસ્તા કે રીફ્રેશરની આઇટમોમાં નો-રીપીટ વ્યવસ્થા હોવાનું જાણવા મળે છે.
***
ખ્યાતનામ શૈફ સહિત ચાર હજાર રસોયાઓની ટીમ
આજથી રિલાયન્સ ગ્રીન ખાતે શરુ થઇ રહેલી અંબાણી પરિવારની પ્રિ-વેડીંગ સેરેમનીમાં દેશના ખ્યાતનામ શૈફને બોલાવવામાં આવ્યા છે, ઉપરાંત ત્રણેય ટાઇમ અલગ-અલગ ભોજન આપવા માટે અંદાજે ૪ હજાર જેટલા રસોયાઓની ટીમ કામે લાગી છે.
***
મીડ નાઇટ ભોજનની પણ ખાસ વ્યવસ્થા
પ્રિ-વેડીંગ સેરેમની અંતર્ગત સ્વભાવિક રીતે મોડી રાત સુધી કાર્યક્રમો ચાલશે ત્યારે વિદેશી મહેમાનોને ઘ્યાનમાં લઇને મીડ નાઇટ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને વ્હેલી સવારના ૪ વાગ્યા સુધી મહેમાનોને ભોજન પીરસવામાં આવશે.
***
જામનગરની તમામ હોટેલો હાઉસફુલ
અંબાણી પરિવારના મહેમાનોન આગતા-સ્વાગતામાં દેશની મોટી હોસ્પીટાલીટી ચેઇનના સ્ટાફને મંગાવવામાં આવ્યો છે, ડાન્સ, પર્ફોમન્સ, બ્યુટી ટ્રીટમેન્ટ સહિતના કાર્યો માટે પણ દેશભરમાંથી વિવિધ ટીમો બોલાવવામાં આવી છ, પ્રિ-વેડીંગ સેરેમનીમાં આવેલા વીઆઇપી મહેમાનોની સગવડતા માટે અમુક મહીનાઓમાં વિશાળ હોટલોનું સર્જન કરવામાં આવ્યું છે જેનુ સંચાલન હોટલ ચેઇન ધરાવતા મેનેજમેન્ટને સોપાયાનુ જાણવા મળેલ છે, જામનગર શહેર તેમજ ખંભાળીયા સુધીની મોટાભાગની હોટેલોમાં ઉતારા રાખવામાં આવ્યા છે, જેને લીધે જામનગર શહેરમાં તેમજ ભાગોળે અને ખંભાળીયા સુધી હોટલો હાઉસફુલ થઇ ગઇ છે.
***
એરપોર્ટની બહાર મીડીયાના ફોટોગ્રાફરોનો કલાકો પડાવ
ખાવડી ખાતેની મેગા ઉજવણીમાં દેશ-દુનિયાના વીવીઆઇપી મહેમાનો આવી રહ્યા છે અને તેમાં બોલીવુડના બાદશાહોથી લઇને કામણગારી કવીનો આવતી હોવાથી કેમેરામાં કેદ કરવા માટે એરપોર્ટની બહાર મીડીયાના ફોટોગ્રાફર અને કેમેરામેનોનો કાફલો સવારથી લઇને મોડી રાત સુધી કલાકો ખડેપગે રહે છે અને આવી રહેલી પ્રત્યેક ફલાઇટનો ઇન્તેજાર થાય છે, રિલાયન્સ તરફથી એરપોર્ટની બહાર મીડીયાના ફોટોગ્રાફરો માટે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
***
ઢોલીડા ઢોલ તું ધીમો ધીમો વગાડમાં... રાસ-ગરબાથી સ્વાગત
જામનગર એરપોર્ટ પર અંબાણી પરિવારના પ્રસંગમાં હાજરી દેવા આવનાર દેશ-વિદેશના મહેમાનો માટે સ્વાગતની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે, અહીં મહેમાનોનું સ્વાગત રાસ-ગરબાથી કરવામાં આવ્યું છે, તેમજ એરપોર્ટને બાંધણીની થીમ પણ શણગારવામાં આવ્યું છે. જામનગરના રિલાયન્સ ટાઉનશીપમાં અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના પ્રિ-વેડીંગ કાર્યક્રમમાં દેશ-વિદેશથી નામી-અનામી લોકો આવી રહયા છે, ત્યારે અંબાણી પરિવાર દ્વારા તેમના સ્વાગત માટેની પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે, અહીં એરપોર્ટ પર મહેમાન આવતાની સાથે જ રાસ-ગરબાની રમઝટ કલાકારો દ્વારા બોલાવવામાં આવે છે, આ ઉપરાંત એરપોર્ટને પણ જામનગરની પ્રખ્યાત બાંધણી જે વિશ્ર્વભરમાં પ્રસિઘ્ધ છે, તેની થીમ પર શણગારવામાં આવ્યું છે પડદાથી લઇ અન્ય વસ્તુઓ બાંધણી થીમ પર કરવામાં આવ્યા છે. બીજી બાજુ એરપોર્ટથી ટાઉનશીપ સુધી મહેમાનોને લઇ જવા માટે બહારગામથી આવેલી મોંઘીદાટ બીએમડબલ્યુ મર્સીડીઝ જેવી કારો પણ જંગલના થીમ પર ચિત્રો દોરવામાં આવ્યા છે જે રિલાયન્સની મહત્વકાંક્ષી વનતારા પ્રોજેકટને દર્શાવે છે આવનાર મહેમાનો સ્વાગતથી ખુશ થઇને સેલ્ફી પણ પડાવી રહયા છે.
***
ગઈ રાત સુધી આવેલા દેશ-દુનિયાના મહેમાનો
ગઈકાલે માર્ક ઝૂકરબર્ગ, દુબઈના ઉદ્યોગપતિ, ઈન્ટરનેશન પૉપ સિંગર રિહાના જેવી હસ્તીઓ આવી પહોંચી હતી તો બૉલિવૂડના કિંગખાન શાહરુખખાન, ગૌરીખાન, આર્યનખાન, દીપીકા પદૂકોણ, રણબીરસિંગ, રણવીર કપુર, આલિયા ભટ્ટ, રાની મુખર્જી, બૉની કપુર, નીતુસિંગ, કેટરીના કૈફ જેવી હસ્તીઓનું આગમન થયું હતું અને આ બધા ચહેરાઓને જોવા માટે ઉપસ્થિત લોકોએ રીતસર ચીચિયારીઓ બોલાવી હતી. આ ઉપરાંત રાજકીય નેતાઓમાં શિવસેનાના સર્વેસર્વા ઉદ્ધવ ઠાકરે, પુત્ર આદિત્ય ઠાકરે, પત્ની સ્મિતા ઠાકરે પણ ગઈકાલે જ વિમાની મથકે આવી પહોંચ્યા ત્યારે એમનું સ્વાગત કરીને મોટી ખાવડી ખાતે લઈ જવામાં આવ્યા હતાં. આજે આવનારી ખાસ ફલાઈટ્સમાં અનેક મોટા રાજનેતાઓની સાથે-સાથે બૉલિવૂડની બીજી નામાંકિત હસ્તીઓ અને વિદેશી મહેમાનો તેમજ ક્રિકેટરો આવે એવી પૂરી શક્યતા છે કારણ કે, આજે ઉજવણીનો પ્રથમ દિવસ છે.
***
ખાસ મહેમાનો માટે એરપોર્ટથી ખાવડી સુધી ઉડશે હેલીકોપ્ટર
રિલાયન્સ પરીવારની પ્રિ-વેડીંગ સેરેમનીમાં અત્યાર સુધીમાં જામનગરના ઇતિહાસમં ન થયું હોય એવું ઘણુ બધુ થવાનું છે, જે અંતર્ગત અહેવાલો એવા મળ્યા છે કે, વિદેશથી આવી રહેલા ખાસ મહેમાનો માટે વિમાની મથકે પ્રાઇવેટ જેટની જેમ ખાસ હેલીકોપ્ટર પણ રાખવામાં આવ્યા છે અને ચોકકસ મહેમાનોને વિમાની મથક પર આવ્યા બાદ હેલીકોપ્ટરમાં બેસાડીને ખાવડી ખાતે લઇ જવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech