મોંઘવારીનો માર : ટમેટાંનો ભાવ સદીએ તો ડુંગળી-બટેટાના ભાવમાં પણ વધારો, કઠોળ બાદ લીલા શાકભાજી પણ ભોજનની થાળીમાંથી ગાયબ

  • June 22, 2024 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કાળઝાળ ગરમી અને હીટસ્ટ્રોકના કારણે લોકોની ઊંઘ તો છીનવાઈ જ છે પરંતુ હીટવેવના કારણે ખિસ્સા પરનો બોજ પણ વધી રહ્યો છે. ગરમીના કારણે મોંઘવારી વધી રહી છે. ભોજનની થાળીમાંથી કઠોળ અને ચોખા પહેલેથી જ ગાયબ હતા. હવે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ઉનાળાના કારણે લીલા શાકભાજી અને ફળોના ભાવ વધી રહ્યા છે. બટાટા અને ડુંગળીના ભાવ બાદ હવે ટામેટાના ભાવ સદી સુધી પહોંચી ગયા છે.


લીલા શાકભાજીના ભાવમાં વધારો


વધતી ગરમી સાથે શાકભાજી અને ફળોના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ઘણા શહેરોમાં ટામેટાના ભાવ સદીને સ્પર્શી ગયા છે. દિલ્હી-એનસીઆરમાં ટામેટાં 50થી 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. દક્ષિણ અને દક્ષિણ-પૂર્વના રાજ્યોમાં ટામેટાંએ 100ના આંકડાને સ્પર્શવાનું શરૂ કર્યું છે. દેશના 17 રાજ્યોમાં ટામેટાના ભાવ 50 રૂપિયાની ઉપર પહોંચી ગયા છે. દેશના 4 રાજ્યોમાં ટામેટાના ભાવ 70 રૂપિયાને પાર પહોંચી ગયા છે. ગરમીની લહેર અને ટામેટાના ઉત્પાદનમાં થયેલા ઘટાડાને કારણે ટામેટાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.


ટામેટા 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે


સામાન્ય રીતે દર વર્ષે ચોમાસાના કારણે આ સમયે ટામેટાંના ભાવમાં વધારો થતો હોય છે પરંતુ આ વર્ષે ટામેટાં સહિતના લીલા શાકભાજીના ભાવ વરસાદને કારણે નહીં પરંતુ હીટવેવના કારણે વધી રહ્યા છે. રેકોર્ડ બ્રેક ગરમી સાથે શાકભાજીના ભાવ પણ રેકોર્ડ સ્તરે પહોંચવા લાગ્યા છે. તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ટામેટાના ભાવ 90 થી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. મુંબઈ અને ગુજરાતમાં ટામેટા 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. આંદામાન અને નિકોબારમાં ટામેટાના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. ટામેટા ઉપરાંત કોબીજ 80 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. પરવળ પણ છૂટક બજારોમાં 60 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યું છે.


 શા માટે મોંઘા થઈ રહ્યા છે શાકભાજી?


જૂન મહિનામાં આકરી ગરમીને કારણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ટામેટાં અને અન્ય લીલા શાકભાજીના ભાવ ખિસ્સા પર ભારણ વધારી રહ્યા છે. ભારે ગરમીના કારણે શાકભાજીના પાકને નુકસાન થયું છે. જેના કારણે શાકભાજીના ભાવમાં આટલો વધારો થયો છે. આગામી દિવસોમાં રાહતની કોઈ આશા નથી. ચોમાસું આવતાની સાથે જ પાકને નુકસાન અને વાહનવ્યવહાર ખોરવાને કારણે પુરવઠો ખોરવાઈ જશે. જેની અસર શાકભાજીના ભાવ પર જોવા મળશે.


રસોડામાંથી ચોખા અને કઠોળ ગાયબ


છેલ્લા એક વર્ષમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં 65 ટકાનો વધારો થયો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર ડુંગળી, બટેટા અને ટામેટાના ભાવમાં સૌથી વધુ વધારો થયો છે. ચોખા, દાળ અને અન્ય ખાદ્યપદાર્થો પણ મોંઘા થયા છે. ઉપભોક્તા બાબતોના મંત્રાલયની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, ગયા વર્ષે 21 જૂને ચોખાની કિંમત 40 રૂપિયા પ્રતિ કિલો હતી. જે હવે વધીને 45 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.


દાળ થઈ મોંઘી


મગની દાળનો ભાવ 10 ટકા વધીને 109 રૂપિયા પ્રતિ કિલોથી 119 રૂપિયા થયો છે. મસૂર દાળનો ભાવ 92 રૂપિયાથી વધીને 94 રૂપિયા અને ખાંડનો ભાવ 43 રૂપિયાથી વધીને 45 રૂપિયા પ્રતિ કિલો થયો છે. દૂધ પણ 58 રૂપિયાથી વધીને 59 રૂપિયા પ્રતિ લીટર થયું છે. જો કે આ સમયગાળા દરમિયાન ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application