જામનગર સહિત રાજ્યની નગરપાલિકાઓને પોતીકા નવા નગર સેવાસદનના નિર્માણ માટેની સહાયમાં માતબર વધારો

  • April 14, 2025 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી જનજીવન સુખાકારી વૃદ્ધિ માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય: ‘અ’ વર્ગની નગરપાલિકાઓને હવે રૂ. 6 કરોડ - ‘બ’ વર્ગને રૂ. 5 કરોડ - ‘ક’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 4 કરોડ અને ‘ડ’ વર્ગને રૂ. 3 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે: હાલના નગર સેવાસદનમાં રિપેરીંગ કે એક્સપાન્શન માટે પણ સહાય અપાશે: નવા નિર્માણ થનારા સેવાસદન ભવનોમાં લિફ્ટની સુવિધા સાથે સોલાર સિસ્ટમ અને વરસાદી પાણીના સંગ્રહની રેઈન વોટર સ્ટોરેજ સિસ્ટમ રાખવાની રહેશે...


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓ પોતીકા નવા નગર સેવાસદનનું નિર્માણ કરી શકે તે માટે તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે.


નગર સેવાસદનમાં પોતાના કામકાજ માટે આવતા નાગરિકોને વધુ સરળતા અને સુવિધા મળે તેવો જનસુખાકારીનો અભિગમ મુખ્યમંત્રીએ આ નિર્ણયમાં રાખ્યો છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અપાતી આ સહાયની રકમ વધારો કરવાના નિર્ણય સાથોસાથ એવો પણ નિર્ણય કર્યો છે કે, નગર સેવાસદનના નિર્માણમાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો સહિતના લોકો માટે લિફ્ટની સુવિધા તથા ઊર્જા આત્મનિર્ભરતા અને વીજબિલમાં બચત માટે સોલાર સિસ્ટમ કાર્યરત કરવાની રહેશે.


આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘કેચ ધ રેઈન’ અભિયાનને વેગ આપવા નવા નગર સેવાસદનના બાંધકામમાં વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમ પણ ઊભી કરવાના દિશાનિર્દેશો મુખ્યમંત્રીએ આપ્યાં છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા નિર્ણય અનુસાર રાજ્યની ‘અ’ વર્ગ તથા ‘બ’ વર્ગની નગરપાલિકાઓને હાલ નવું નગર સેવા સદન બનાવવા માટે આપવામાં આવતી રૂ. 2 કરોડની સહાયમાં ત્રણ ગણા જેટલો વધારો કરવામાં આવ્યો છે.


તદઅનુસાર ‘અ’ વર્ગની નગરપાલિકાઓને હવે નવું નગર સેવાસદન બનાવવા માટે રૂ. 6 કરોડ તથા ‘બ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 5 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે.


રાજ્યની ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને પ્રવર્તમાન સ્થિતિએ નવું નગર સેવાસદન બનાવવા માટે રૂ. 1 કરોડની સહાય આપવામાં આવે છે તેમાં વધારો કરીને હવે ‘ક’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 4 કરોડ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 3 કરોડ મળવાપાત્ર થશે.


એટલું જ નહિ, મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, નગરપાલિકાઓના હયાત નગર સેવાસદનમાં રિપેરિંગ કે એક્સપાન્શન કરવા માટે જે-તે નગરપાલિકાઓને નવા નગરસેવાસદન બનાવવા માટે મળવાપાત્ર રકમના 25 ટકા રકમ આ હેતુસર અપાશે.


અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલના ધોરણો મુજબ અ વર્ગની 34 નગરપાલિકાઓ, બ વર્ગ ની 37, ક વર્ગ ની 61 અને ડ વર્ગની 17 નગરપાલિકા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application