જામ્યુકોના કર્મચારીઓની બઢતીના મામલે બીજે દિવસે પણ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી

  • April 16, 2025 12:33 PM 


જામનગર મહાનગરપાલિકામાં વર્ગ-૧ માં અધિકારીની બઢતીના પ્રશ્ને બીજા દિવસે પણ અધિકારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જામનગર મહાનગર પાલિકામાં વર્ગ-૧ ના અધિકારીઓ જેવા કે, આસી. કમીશનર, એકઝી. એન્જી., ચિફ ઓડીટર સહિતના હોદ્દા ઉપર બઢતી માટે લાંબા સમયથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આથી જામનગર મહાનગર પાલિકામાં ગઈકાલથી  ટેકનિકલ યુનિયન દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવા સાથે વિરોધ પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.


 સિટી ઈજનેર ભાવેશ જાની, ચિફ. એકા. ઓફિસર જીગ્નેશ નિર્મળ, સ્લમ શાખાના ઈજનેર અશોક જોષી, એસ્ટેટ વિભાગના ક્ધટ્રોલિંગ અધિકારી  મુકેશ વરણવા, વોટર વર્કસના નરેશ પટેલ, ચિફ ઓડીટર કોમલબેન પટેલ, આરોગ્ય વિભાગના ભટ્ટ સહિતના અધિકારીઓ ગઈકાલે કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી. બઢતી માટેની પાંચ ફાઈલો ઓફિસર્સ સ્ટાફ સીલેકશન કમિટી સમક્ષ લાંબા સમયથી પેન્ડીંગમાં છે. પરંતુ ત્યાંથી કોઈ નિર્ણય લેવામાં નહીં આવ્યો હોવાથી કાલથી વિરોધ પ્રદર્શન શરૂ કરાયું છે.


તા.૧૯મીના રોજ આવનારા કોર્પોરેશનના જનરલ બોર્ડમાં પણ બઢતીનો પ્રશ્ર્ન એજન્ડામાં ન લેવાતા કર્મચારીઓમાં રોષની લાગણી જન્મી છે, જો કે આ અંગે પદાધિકારીઓની પણ ખાનગી મીટીંગ મળી હતી, મેયરે એવું જણાવ્યું હતું કે, આવતા બોર્ડમાં આ એજન્ડા લઇ લેવામાં આવશે, પરંતુ લગભગ અડધો ડઝન જેટલા કર્મચારીઓની ફાઇલ દબાવી રાખવા માટે કયું પરીબળ કામ કરી ગયું તે અંગે અનેક તર્ક-વિર્તક થઇ રહ્યા છે.


મ્યુ.કમિશ્નરે બે-બે વખત ફાઇલને મંજુરી આપીને મોકલી દીધી છે ત્યારે હાલ આ ફાઇલ મેયર પાસે હોવાનું બહાર આવ્યું છે. જો કે વિપક્ષ દ્વારા શનિવારના રોજ મળનારા જનરલ બોર્ડમાં આ પ્રશ્ર્ન આક્રમક રીતે ઉઠાવવામાં આવે તેવું જાણવા મળે છે. વર્ષોથી કેટલાક કર્મચારીઓને બઢતી મળી નથી, જેને કારણે અન્ય નાના કર્મચારીઓને પણ સહન કરવાનો વારો આવે છે, નકકી થઇ ગયા બાદ કોર્પોરેશનના અધિકારીઓને પ્રમોશન આપવામાં કોણ અવરોધ કરી રહ્યું છે ?

​​​​​​​તે આગામી દિવસોમાં બહાર આવશે, હાલ તો કર્મચારીઓએ કોઇપણ પ્રકારનું કામ ન અટકે તે રીતે શાંતચીતે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવાનું શરૂ કર્યુ છે અને આગામી દિવસોમાં આ અંગે ચોકકસ પગલા લેવાય તેવી પણ શકયતા છે ત્યારે કોર્પોરેશનમાં આ વિશે હાલ તો ચકચારી બની ગયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News