હાલારમાં પવન સાથે માવઠુ પડતા અડધાથી બે ઇંચ પાણી વરસતા મગફળી, તલ, મગ, અડદ, બાજરી, મકાઇ ઉપરાંત શાકભાજીના પાકને નુકશાન થવાની પુરેપુરી શકયતા છે, આ પાકમાં પાન દાગ, પાવડરી મિલ્ડ્યૂ, સ્ટેમ રોટ જેવા રોગ થવાની ભીતિ સર્જાઇ છે. આથી રોગ નિયંત્રણ માટે જરીયાત મુજબ ફુગનાશક અને જંતુનાશક દવાનો છંટકાવ કરવા ખેડુતોને અનુરોધ કરાયો છે.
જામનગર સહિત રાજયમાં છેલ્લા બે દિવસથી ભરઉનાળે વરસાદી માહોલ વચ્ચે કમોસમી વરસાદ થઇ રહ્યો છે, અમુક જગ્યાએ તો કરા પણ પડયા છે. માવઠાથી જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ઉનાળુ પાકો જેવાકે મગફળી, તલ, મગ, અડદ, બાજરી, મકાઈ, ઉપરાંત શાકભાજી પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકશાન થવાની શક્યતા છે. આ વરસાદ અને પવનને કારણે પાકમાં પાન દાગ, પાવડરી મિલ્ડ્યૂ, સ્ટેમ રોટ જેવા રોગો જોવા મળે છે તેનાથી બચવા મેન્કોઝેબ, કાર્બેન્ડેઝીમ, હેક્ઝાકોનાઝોલ જેવી ફૂગનાશક દવાનો છંટકાવ સમયસર કરી દેવો. આ વરસાદથી તલ અને શાકભાજી જેવા પાકમાં પાન, ફૂલો અને નાના ફાળો ખરી પડવાથી ઉત્પાદન તેમજ ગુણવત્તા પર ખૂબજ માઠી અસર થશે.
તલ બાજરી, મકાઈ જેવા પાકોમાં પાક વરસાદ સાથે પવનને લીધે આડા પડી જઈને નુકશાન થયેલ છે. ભેજના કારણે કઈંક નવી જીવાતો અને રોગોનું પ્રકોપ વધે છે આથી, જરૂરિયાત મુજબ ફૂગનાશક અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની ખડૂતોને ભલામણ કરવામાં આવે છે. કમોસમી વરસાદ પછી જમીનને ફરીથી સજીવ બનાવવા માટે જમીનમાં સૂક્ષ્મ પોષક તત્વો પૂરા પાડો, જેમ કે સલ્ફર અથવા ઝિંક આધારિત ખાતર આપવા જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સિનીયર વૈજ્ઞાનિક કાંતિભાઇ બારૈયાએ ખેડુતોને અનુરોધ કર્યો છે.