બોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે

  • February 24, 2025 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 27 થી શરૂ થતી પરીક્ષાના અનુસંધાને વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. આ મુજબ પરીક્ષા ખંડમાં કોઈ વિદ્યાર્થીને બુટ -મોજા પહેરીને પ્રવેશ આપવામાં નહીં આવે અને જો કોઈ વિદ્યાર્થીએ પહેર્યા હશે તો તેમણે પરીક્ષા ખંડની બહાર ઉતારવા પડશે.

પગમાં નીચેના ભાગે લખાણ, બુટમોજામાં ચીઠી ચબરખી છુપાવીને લઈ જઈને ચોરી કરવાની ભૂતકાળમાં બનેલી અનેક ઘટનાઓને ધ્યાનમાં રાખી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આ વખતે બુટ- મોજા સાથે કોઈને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

બોર્ડના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ પરીક્ષાના આગલા દિવસે બપોરે 2:30 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી દરેક પરીક્ષાથીને તેમને ફાળવેલા કેન્દ્રની બેઠક વ્યવસ્થા જોવા મળશે. જો કે વર્ગખંડમાં પ્રવેશ નહીં મળે.

ધોરણ 10 માં પરીક્ષા ખંડમાં કેલ્ક્યુલેટર લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે ધોરણ 12 ના પરીક્ષાઓને સાદું કેલ્ક્યુલેટર લઈ જવા દેવાશે. પરંતુ સાયન્ટિફિક કે તે પ્રકારના કેલ્ક્યુલેટર ધોરણ 12 ના વિદ્યાર્થીઓને પણ એલાઉડ નથી.

ઓએમઆર સીટમાં જે તે પ્રશ્નના આપવામાં આવેલા વિકલ્પમાંથી જે સાચો વિકલ્પ હોય તે પસંદ કરીને તેના ફરતે માર્ક કરવાનું હોય છે. આવું માર્કિંગ કાળી શાહીની બોલપેન દ્વારા જ કરવાનું રહેશે. પેન્સિલ કે તે પ્રકારના અન્ય કોઈ માધ્યમથી માર્કિંગ કરી શકાશે નહીં.

બેઠક વ્યવસ્થા પરીક્ષાના આગલા દિવસે જોવા મળી શકશે પરંતુ પરીક્ષા ખંડમાં એડમિશન નહીં મળે. પરીક્ષા ખંડમાં જે તે દિવસે પરીક્ષા હશે તે દિવસે જ પરીક્ષા શરૂ થવાના અડધો કલાક અગાઉ પ્રવેશ આપવામાં આવશે.

જવાબવહી કે પુરવણીના કોઈપણ ભાગમાં લખાણ કરતી વખતે વાદળી કે ભૂરા રંગની શાહી કે બોલપેન સિવાય અન્ય કોઈ રંગની બોલપેન કે શાહીનો ઉપયોગ કરી શકાશે નહીં, જવાબના મથાળા અને પેટા મથાળાની નીચે લીટી દોરવા માટે પણ અન્ય કોઈ રંગની શાહીનો ઉપયોગ કરી શકાશે નહીં તેવી સ્પષ્ટ ચેતવણી બોર્ડ દ્વારા આપવામાં આવી છે.

બોર્ડે વધુમાં જણાવ્યું છે કે કોઈપણ પરીક્ષાર્થી ઉત્તરવહી કે પુરવણીના કોઈ પણ પાના પર પોતાની ઓળખ પ્રગટ થઈ શકે તેવા નંબર કે નિશાન દેવી દેવતાઓના નામ કે કોઈપણ ધાર્મિક ચિન્હો સહિતનું લખાણ કરશે તો આવા કિસ્સાને ગેરરીતિના કિસ્સા ગણી લેવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application