દેવ ગ્રુપ પરના દરોડામાં ITને 150 કરોડની બિનહિસાબી આવક, ૩ કિલો સોનું અને 50 લાખના દાગીના મળ્યા, 16 લોકર સીલ

  • February 11, 2025 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આવકવેરા ખાતાના અધિકારીઓએ ગત શુક્રવારથી જામનગરના દેવ ગ્રુપના ૧૫ સ્થળ પર પાડેલા દરોડાના અંતિમ ચરણમાં દેવ ગ્રુપે ૧૫૦ કરોડના બિનહિસાાબી વહેવારો કર્યા હોવાનું કબુલ્યું છે. આ દરોડામાં અત્યારસુધીમાં ૩.૫ કરોડની રોકડ મળી આવી છે. તેમજ ૨.૪૫ કરોડના મૂલ્યનું ૩ કિલો સોનું પણ પકડાયું છે. ૫૦ લાખ રોકડા અને ૫૦ લાખના દાગીના મળીને એક કરોડની મત્તા થોડા કલાકોમાં જ મળી આવી છે. આવકવેરા અધિકારીઓે તેમના અંદાજે ૧૬ લોકર સીલ કર્યા છે. કંપનીએ કરેલા ૧૫૦ કરોડ સુધીના રોકાણની વિગતો પણ બહાર આવી છે.


૨૫થી ૩૦ કરોડના ખોટા ખર્ચાઓ બતાવ્યા
અમદાવાદ, જામનગર, માળિયા અને મિયાણાના મળીને દેવ ગ્રુપની કંપની દેવ સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડ, મૈત્રેયી ડેવલપર્સ, ડી.કે. એન્ટરપ્રાઈસ, અરિહતં અર્થમુવર્સ એન્ડ કોન્ટ્રાક્ટર્સ, વિમલ કીર્તિ કામદાર, વિવેક સોમાણી, રૂપલ કિરણ વ્યાસના ઘર અને ઓફિસને આવરે લેવામાં આવ્યા છે. આ લખાય છે ત્યારે દરોડાની કાર્યવાહી ચાલુ જ છે. કેટલાક સ્થળોએ દરોડાની કાર્યવાહી સમેટી લેવામાં આવી છે. કંપનીએ તેના હિસાબોમાં અંદાજે ૨૫થી ૩૦ કરોડના ખોટા ખર્ચાઓ બતાવીને પણ આવકવેરાની ચોરી કરી હોવાના દસ્તાવેજો પુરાવાઓ દરોડા પાડનારા અધિકારીઓએ શોધી કાઢ્યા છે.


વગર બિલે મોટુ વેચાણ કરવામાં આવ્યાનું બહાર આવ્યું
દેવ ગ્રુપ નજીવી કિંમત ચૂકવીને ૩૦ વર્ષે કે તેનાથી વધુ વર્ષના ભાડાં પટ્ટે જમીન લે છે. પરંતું બે ચાર વરસે લાખો રૂપિયાના ભાવ વસૂલીને લીઝ પર લીધેલી જમીન વેચી માટેની પણ મોટી આવક કરતી હોવાનું આાવકવેરા અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું છે. કંપનીઓ વેરો બચાવવા માટે કરોડોના મૂલ્યના વગર બિલના વેચાણ કર્યા હોવાનું પણ આવકવેરા ખાતાના દરોડા પાડનારા અધિકારીઓના ધ્યાનમાં આવી ગયું છે. કંપનીએ સોલ્ટમાંથી લિકિવડ બ્રોમાઈન બનાવીને ઔધોગિક વપરાશકારોને વગર બિલે તેનું મોટું વેચાણ કર્યું હોવાનું પણ બહાર આવી રહ્યું છે. રોકડની આવકો અને રોકડના ખર્ચ મોટાપાયે કર્યા હોવાનું પણ બહાર આવ્યું છે.



અમદાવાદમાં પણ દરોડાની કાર્યવાહી
અમદાવાદમાં વૈષ્ણોદેવી નજીક શાંતિગ્રામ નજીક નોર્થ પાક્ર વિલામાંના દેવ ગ્રુપના એકમ પર, રાજપથ ક્લબની પાછળ આવેલા દેવ હાઉસ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. તેમજ અમદાવાદના ઘૂમા વિસ્તારમાં આરોહી ક્લબ પાસે આવલા દેવ ગ્રુપના એકમ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. દેવ ગ્રુપના પ્રમોટર્સ બિલ વિના કરવામાં આવતા સોલ્ટના વેપારના નાણાં હોસ્પિટાલિટીના તથા અન્ય બિઝનેસ તરફ ડાયવર્ટ કરવામાં આવતા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. દેવ ગ્રુપની કંપનીઓએ રોકડમાં અને બિલ વિનાના ખાસ્સા વહેવારો કર્યા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. રોકડની આવકના આ નાણાં રિયલ એસ્ટેટના બિઝનેસ તરફ ડાયવર્ટ કરવામાં આવતા હતા. આજે દરોડાની કાર્યવાહી સમેટાઈ જવાની સંભાવના જણાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News