અલગ રહેતી પત્ની બીજા લગ્ન કરે નહીં તેવો મનાઈ હુકમ મેળવવાનો પતિનો દાવો રદ

  • April 12, 2025 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
13 વર્ષ પહેલા થયેલા લગ્ન બાદ ડખાને કારણે અલગ રહેતી પત્ની અન્ય પુરુષ (નામજોગ) સાથે બીજા લગ્ન કરે નહીં તેવો આદેશાત્મક મનાઇ હુકમ મેળવવાનો દાવો અદાલત દ્વારા રદ કરવામાં આવ્યો છે.

આ કેસની હકીકત મુજબ, રાજકોટમાં રહેતા નાજાભાઈ હરદાસભાઈ સાંબડે અલગ રહેતા તેમના પત્ની ભાવનાબેન નાજાભાઈ સાંબડ તથા ભીમાભાઈ રૂડાભાઈ ઢગલ, માજુબેન રૂડાભાઈ ઢગલ, રઘુભાઈ જુગાભાઈ ધાધલ, જુગાભાઈ ધાધલ તેમજ બાયાબેન જુગાભાઈ ધાધલ વિગેરે સામે રાજકોટ ફેમિલી કોર્ટમાં પોતાની પત્ની બીજા લગ્ન કરે નહીં તેઓ આદેશ આદેશાત્મક મનાઇ હુકમ મેળવવા કરેલ દાવામાં જણાવ્યા મુજબ, તેમના લગ્ન આ

ભાવનાબેન સાથે તા. ૨૮/ ૦૧/ ૨૦૧૨ના રોજ થયેલા અને લગ્નબાદ સંયુક્ત કુટુંબમાં થોડા સમય બાદ ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા. તેમાં માવતરે ચાલ્યા ગયેલ. ત્યારબાદ પતિ નાજાભાઇ અને પત્ની ભાવનાબેનના કાયદેસર રીતે છુટાછેડા થયેલ નહી હોવા છતાં ભાવનાબેન રઘુભાઈ જુગાભાઈ ધાંધલ સાથે બીજા લગ્ન કરવા માંગતા હોય અને અન્ય પ્રતિવાદીઓ તેણીને આ બાબતે પ્રેરણા આપી રહ્યાનું જણાવી બીજી પત્ની અને પ્રતિવાદીઓ સામે આદેશાત્મક મનાઈહુકમ મેળવવા નામદાર કોર્ટમા દાદ માંગી હોય. આ સંદર્ભે પ્રતિવાદીઓએ તેમના વકીલ મારફત કોર્ટમાં હાજર થઈ તેમના જવાબમાં જણાવેલ કે, ભાવનાબેનના લગ્ન વાદી નાજાભાઇ સાંબડ સાથે થયા બાદ સંયુક્ત કુટુંબના સભ્યોએ થોડો સમય સારી રીતે રાખેલ અને ત્યારબાદ વાદી તથા તેમના કુટુંબના સભ્યો પ્રતિવાદીને અસહ્ય શારીરિક અને માનસીક દુઃખત્રાસ આપતા અને અવાર-નવાર પ્રતિવાદીને તેમના પિયરે મુકી જતા, છેલ્લે કોઈપણ જાતના વ્યાજબી કારણ વગર પરિણીતા ભાવનાબેનની મારકૂટ કરી, મારી નાખવાની ધમકી આપી પહેરેલ કપડે કાઢી મુક્યા બાબતે ભાવનાબેને નાજાભાઇ વિગેરે સામે ઈ.પી.કો. કલમ (૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ-૪ હેઠળ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ, જે અન્વયે પોલીસે નાજાભાઈ તથા તેના માતુશ્રી વિગેરેની ધરપકડ કરી હતી, અને ધી પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટીક વાયોલન્સ એકટ હેઠળ પણ અદાલતમાં ફરીયાદ કરી હતી. જેથી ભાવનાબેન વગેરે ઉપર ગેરકાયદેસરનું દબાણ લાવવાના ઈરાદાથી ભાવનાબેનને સમાજમાં બદનામ કરવાના મલીન ઈરાદાથી તેમના કહેવાતા લગ્નની સ્ટોરી ઉભી કરી હાલનો કેસ કરેલ છે. આ કેસમાં પ્રતિવાદીઓના ઉપરોક્ત જવાબ બાદ વાદીની જુબાની તેમજ પ્રતિવાદીના વકીલે કરેલ લેખીત તેમજ મૈાખીક રજુઆતો ધ્યાને લઇ રાજકોટ ફેમિલી કોર્ટે વાદીનો દાવો રદ કરવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપી વતી અરવિંદભાઈ રામાવત તથા રાજુ દુધરેજીયા, અનિલ ઉપાઘ્યાય તેમજ અશ્વિન રામાવત રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application