દેશમાં પહેલીવાર વધુ સપ્તાહના ગર્ભને ગર્ભપાતની મંજૂરી, રાજકોટની 13 વર્ષની સગીરાના 33 સપ્તાહના ગર્ભને ગર્ભપાતની હાઈકોર્ટની મંજૂરી, જાણો આખો કેસ

  • May 13, 2025 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં પહેલીવાર વધુ સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે. રાજકોટની 13 વર્ષની સગીરાના 33 સપ્તાહના ગર્ભને ગર્ભપાતની મંજૂરી ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે. અગાઉ 2017માં સુપ્રીમ કોર્ટે 32 વીકના ગર્ભને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી હતી. રાજકોટની 13 વર્ષની સગીરા પર તેના જ પિતરાઈ ભાઈ અને તેના મિત્રએ દુષ્કર્મ આચર્યું હતું અને ગર્ભ રાખી દીધો હતો. આ અંગે રાજકોટ B ડિવિઝન પોલીસ મથકે દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી.


પીડિતા ગંભીર બિમારીથી પીડિત

હાઇકોર્ટે રાજકોટની પંડિત દિન દયાળ ઉપાધ્યાય હોસ્પિટલને સગીરાની મેડિકલ તપાસ કરવા આદેશ આપ્યા હતા. જેના રિપોર્ટ મુજબ ગર્ભપાતમાં હાઈરિસ્ક રહેલું છે. તેનો 1.99 કિલોનો ગર્ભ છે. ગર્ભપાત સમયે ICUની જરૂર પડી શકે તેમ છે. તે એનિમિયા અને માઈલ્ડ ઇન્ટેલેક્યુઅલ ડિસેબીલીટીથી પણ પીડાઈ રહી છે.


ગર્ભપાત સમયે એક્સપર્ટ ડોકટરને હાજર રહેવા આદેશ

ડોક્ટરોની પેનલે ગર્ભપાત માટે સલાહ આપી હતી. હાઇકોર્ટે નોંધ્યું હતું કે વર્ષ 2021 માં SRSના આંકડા મુજબ દર 1 લાખ માતાઓ પૈકી બાળકને જન્મ આપતી વખતે ગુજરાતમાં 53 માતાઓ મૃત્યુ પામે છે. સગીરાને એનિમિયાની પણ સારવાર આપવામાં આવશે. તેનું અને તેના માતા પિતાનું કન્સેન્ટ લેવામાં આવશે. કોર્ટ દ્વારા ઓપરેશન સમયે લોહીની વ્યવસ્થા રાખવા અને એક્સપર્ટ ડોક્ટરોની ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું હતું.


મહારાષ્ટ્રમાં નોંધાયેલી ફરિયાદ રાજકોટ ટ્રાન્સફર થઈ ને કેસ સામે આવ્યો

આ મામલે મહારાષ્ટ્ર પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધી 29 એપ્રિલ, 2025ના રોજ રાજકોટની બી-ડિવિઝન પોલીસને મોકલી આપી હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી. જેમાં 12 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ કેસમાં બે સગીર પર કિશોરીને ગર્ભવતી બનાવવાનો આરોપ લાગ્યો હતો. પરિચિત સગીર અને તેના મિત્રએ અલગ-અલગ સમયે દુષ્કર્મ ગુજાર્યાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું.ત્યાર બાદ રાજકોટ શહેરના બી-ડિવિઝન પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંને સગીર ધરપકડ કરી બાળ સંરક્ષણ ગૃહમાં ખસેડ્યા હતા.​​​​​​​


મહારાષ્ટ્રમાં ડોક્ટરે 5 માસનો ગર્ભ હોવાનું કહ્યું હતું

ઉલ્લેખનીય છે કે ભોગ બનનારી કિશોરીની ઉંમર 13 વર્ષ છે અને થોડા દિવસો પહેલાં તે માતા-પિતા સાથે મહારાષ્ટ્રમાં રહેતા મામાના ઘરે વેકેશન કરવા ગઈ હતી. અહીં તેને પેટમાં દુખાવો ઊપડતાં પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયાં હતાં. એ વખતે ડૉક્ટરે તેના પેટમાં 5 માસનો ગર્ભ હોવાનું કહેતાં તેનાં માતા-પિતા ચોંકી ઊઠ્યાં હતાં.


દુષ્કર્મ ગુજારી કિશોરીને જાનથી મારવાની ધમકી આપી

પોલીસે ભોગ બનનાર બાળકીની પૂછપરછ કરતાં તેણે એક નહીં, પરંતુ બે-બે તરુણે તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યાનું જણાવ્યું હતું, જેમાંથી એક તરુણની ઉંમર 16 વર્ષ આસપાસ છે, જ્યારે બીજા તરુણની ઉંમર 13 વર્ષની આસપાસ છે. 16 વર્ષનો તરુણ ભોગ બનનારી કિશોરીનો નજીકનો સંબંધી છે. તેણે ભોગ બનનારી કિશોરીને જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી, જેના કારણે તેણે તેનું નામ માતા-પિતાને જણાવ્યું નહોતું.


તરુણના મિત્રએ નવરાત્રિમાં દુષ્કર્મ ગુજાર્યું હતું

આ જ કારણથી ફરિયાદમાં માત્ર એક જ તરુણનું નામ હતું. જે તરુણે ભોગ બનનાર કિશોરી ઉપર ગત નવરાત્રિ દરમિયાન એક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. જ્યારે ભોગ બનનારી કિશોરીનો જે નજીકનો સંબંધી છે, તેણે 6થી 7 વખત દુષ્કર્મ ગુજાર્યાનું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કિશોરીએ પોલીસને જણાવ્યું હતું કે તેનાં માતા-પિતા જ્યારે કામ પર જતાં ત્યારે તેનો નજીકનો સંબંધી તરુણના ઘરે આવી તેના પર દુષ્કર્મ ગુજારતો હતો. જ્યારે તેના સંબંધી તરુણના મિત્રએ ગત નવરાત્રિ દરમિયાન એક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.


2017માં સુપ્રીમે 32 વીકના ગર્ભનો ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી હતી

વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે મુંબઈની 13 વર્ષીય દુષ્કર્મ પીડિતાનો 32 અઠવાડીયાના ગર્ભનો ગર્ભપાત કરાવવા મંજૂરી આપી હતી. આ સગીરા પર તેમના પિતાના જ એક ઓળખીતા વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું.

જ્યારે 2024માં પણ સુપ્રીમ કોર્ટે 14 વર્ષની સગીરાનો 30 વીકના ગર્ભનો ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, બોમ્બે હાઇકોર્ટે ગર્ભપાતને નામંજૂર કર્યો હતો. ત્યાર બાદ આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application