આરટીઓ પાછળ શ્રીરામ સોસાયટી સામે નરસિંહનગરમાં રહેતા મહિલા સફાઈ કામદારના ઘર પાસે પાડોશમાં રહેતો શખસ તથા તેની સાથેના પાંચ જેટલા અજાણ્યા શખસો પાઇપ સહિતના હથિયારો સાથે ઘસી જઇ ગાળો અને ધમકી આપી હતી. જે અંગે મહિલાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પાડોશી મહિલાની પુત્રીનો પીછો કરતો હોય જે બાબતે ઠપકો આપતા ઝઘડો થયો હતો. આ બાબતનો ખાર રાખી ધમકી આપી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, નરસિંહનગર સોસાયટી શેરી નંબર-૧ માં રહેતા મહિલા સફાઈ કામદાર નિશાબેન મનીષભાઈ ચાવડા (ઉ.વ 40) દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા નિર્મળ મહેન્દ્રભાઈ વઘેરા(રહે. શ્રીરામ સોસાયટી શેરી નંબર 10) અને તેની સાથેના પાંચ અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના પોણા બાર વાગ્યા આસપાસ નિર્મળ સોસાયટીના મુખ્ય ચોક પાસે આવી ફરિયાદીના ઘર તરફ હાથ બતાવી જોર જોરથી ગાળો બોલવા લાગ્યો હતો તેની સાથે બીજા પાંચેક અજાણ્યા શખસો હતા જેમાંથી બે શખસના હાથમાં પાઇપ હતા. દરમિયાન અહીં સોસાયટીના બીજા માણસો ભેગા થઈ જતા પાડોશમાં રહેતા મુક્તાબેને નિર્મળને જાહેરમાં ગાળો બોલવાની ના કહેતા નિર્મળે કહ્યું હતું કે, તમારી સાથે અમારે કોઈ લેવાદેવા નથી અમારે તો આ મનીષ તથા સંદીપને સબક શીખડાવવાનો છે. તેમ કહી ફરિયાદીના પતિ અને દિયરનું નામ લઇ ગાળો બોલવા લાગ્યો હતો. દરમિયાન અહીં વધુ લોકો એકત્ર થઈ જતા આ શખસો અહીંથી જતા રહ્યા હતા જતા સમયે નિર્મળે કહ્યું હતું કે, મનીષ તથા સંદીપ હાથમાં આવશે તો તેને જાનથી મારી નાખીશ.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, પાડોશમાં રહેતો નિર્મળ ફરિયાદીની દીકરી સ્કૂલે જતી હોય ત્યારે તેનો પીછો કરતો હતો જે બાબતની જાણ થતા નિર્મળને આ બાબતે ઠપકો આપતા તેણે ઝઘડો કર્યો હતો. આ વાતનો ખાર રાખી ગઈકાલે અહીં ઘર પાસે આવી ધમકી આપી હતી. જે અંગે મહિલાની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech