શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળો...ગુજરાત સરકારે હિટવેવને લઈ ગાઇડલાઇન બહાર પાડી, જાણો લૂ લાગવાના લક્ષણો અને બચવા માટે શું કરવું

  • April 04, 2025 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાયલન્ટ ડિઝાસ્ટર “હીટવેવ”થી માનવજીવન ખૂબ જ પ્રભાવિત થાય છે. ગુજરાતના નાગરિકો ઉનાળાની ગરમીમાં પોતાના પરિવારને હિટવેવની વિપરીત અસરોથી બચાવી શકે તે માટે રાહત કમિશનરની કચેરી દ્વારા “હિટવેવ” માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.


ઉનાળામાં હીટવેવની સંભવિત અસરોને નિવારીને રક્ષણ મેળવી શકાય તે અર્થે માર્ગદર્શિકામાં હીટવેવના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. 


લૂ અથવા હિટ સ્ટ્રોકથી બચવાના ઉપાય

  • પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી, લીંબુ શરબત, છાશ, તાડફળી, નારીયેળનું પાણી, ખાંડમીઠાનું દ્રાવણ અને ORS જેવા પ્રવાહીનું સેવન કરવું
  • નાગરિકોએ વધુ પડતો શ્રમ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું પણ ટાળવું 
  • ભરબપોરે કામ પર જતા સમયે થોડો સમય છાયડામાં આરામ કરવો 
  • ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખવું અને શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં.
  • ઉપવાસ કરવાનું ટાળવું 
  • મંદિર, મસ્જિદ, થિયેટર, શોપીંગ મોલ જેવા ઠંડક વાળા સ્થળોએ જવું 
  • ઘર, ઓફીસ અથવા અન્ય કામ કરતી જગ્યાએ પંખા, કુલર તેમજ ACનો ઉપયોગ કરવો.
  • સગર્ભા માતા, નાના બાળકો, વૃદ્ધો તેમજ અશક્ત અને બિમાર વ્યકિતઓનું ખાસ ધ્યાન રાખવું.
  • હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું
  • બહાર નીકળતા સમયે આખું શરીર અને માથું ઢંકાય તેવા સફેદ-સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરવા
  • બહાર નીકળતી વખતે ટોપી, ચશ્માં અને છત્રીનો ઉપયોગ કરવો
  • હીટવેવની આગાહીના દિવસોમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું.
  • બાળકો માટે કેસુડાનાં ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો.
  • બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહી, બજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો
  • લગ્ન પ્રસંગે દૂધ-માવાની બનાવેલી વાનગીઓ ખાવી નહી.
  • ચા – કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું.
  • ઘરની છત પર સફેદ રંગ, સફેદ ચૂનો અથવા સફેદ ટાઇલ્સ લગાવવી, જે ઘરનું તાપમાન ઘટાડશે.


લૂ લાગવાના (હીટવેવના) લક્ષણો


  • માથું દુ:ખવું, પગની પીંડીઓમાં દુઃખાવો થવો
  • શરીરનું તાપમાન વધી જવું
  • ખૂબ તરસ લાગવી
  • શરીરમાંથી પાણી ઓછું થઈ જવું
  • વધુ તાવ આવવો 
  • ગરમ અને સૂકી ત્વચા 
  • નાડીના ધબકારા વધવા
  • ઉલ્ટી થવી, ઉબકા આવવા
  • ચક્કર આવવા, આંખે અંધારા આવવા
  • બેભાન થઈ જવું
  • સુધ-બુધ ગુમાવી દેવી
  • અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી 


હીટવેવની આગાહી દરમિયાન આવા લક્ષણ કોઈ પણ વ્યક્તિમાં જણાય તો તાત્કાલીક નજીકના ડોક્ટર, નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. આપાતકાલીન સ્થિતિમાં ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરવો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application