વિશ્વભરમાં લાખો લોકો દુર્લભ હિમોફિલિયાની બીમારીથી પીડાય છે. હિમોફિલિયા એ લોહીનો વારસાગત રોગ છે, જેમાં લોહી યોગ્ય રીતે ગંઠાતું ન હોવાથી રક્તસ્ત્રાવ થાય છે. આ રોગનો કાયમી ઈલાજ નથી એટલે તેને નિયંત્રણમાં રાખવો અને દર્દીઓને સમયસર સારવાર આપવી જરૂરી છે. હાલમાં ગુજરાતમાં 3,000થી વધુ હિમોફિલિયાના દર્દીઓ છે જેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર વિનામૂલ્યે ઇન્જેક્શન પ્રદાન કરી રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હિમોફિલિયાના દર્દીઓને વિના મૂલ્યે ઇન્જેક્શન આપવાની શરૂઆત કરી હતી, જેના કારણે હિમોફિલિયાના દર્દીઓ આજે વધુ સ્વસ્થ અને સક્રિય જીવન જીવી રહ્યા છે.
સમગ્ર વિશ્વમાં 10,000 વ્યક્તિમાંથી 1 વ્યક્તિ હિમોફિલિયાથી પીડાય છે
હિમોફિલિયા બીમારીમાં ક્લોટિંગ ફેક્ટરની અછત હોય છે એટલે લોહી જલદી જામતું નથી. લોહીમાં કુલ 13 પ્રકારના ક્લોટિંગ ફેક્ટર હોય છે જેમાંથી ફેક્ટર 8 અને 9 ફેક્ટર ખામીયુક્ત હોય તો હિમોફિલિયા થવાની શક્યતા રહે છે. હિમોફિલિયાના A, B અને C એમ ત્રણ પ્રકાર છે અને તેમાં ગંભીરતા પ્રમાણે સિવિઅર, મોડરેટ અને માઈલ્ડ એમ ત્રણ પ્રકારના દર્દીઓ જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં દર 10,000 વ્યક્તિમાંથી 1 વ્યક્તિને હિમોફિલિયા થાય છે.
હિમોફિલિયા ધરાવતા દર્દીઓને ગુજરાત સરકાર નિઃશુલ્ક સારવાર આપી રહી છે
હિમોફિલિયાના દર્દીઓને લોહી વહેતું બંધ થાય એ માટે જરૂરી ફેક્ટરના ઇન્જેક્શન આપવામાં આવે છે. અગાઉ હિમોફિલિકને રક્તસ્ત્રાવને કાબૂમાં લેવા માટેની સારવાર મળવી મુશ્કેલ હતી. જોકે, 2012માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલોમાં હિમોફિલિયાના દર્દીઓને મફત ઇન્જેક્શન આપવાનું શરૂ કર્યું હતું જેના થકી દર્દીઓની લાઈફ સ્પાન એટલે કે તેમનું આયુષ્ય વધ્યું છે અને તેમના માટે રોંજિદી પ્રવૃત્તિઓ કરવી સરળ બની છે. હિમોફિલિક વ્યક્તિને આપવામાં આવતા એક ઇન્જેક્શનની કિંમત ₹25થી 30 હજાર હોય છે જેનો ખર્ચ સરકાર દ્વારા પૂરો પાડવામાં આવે છે. હાલ સમગ્ર રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં આ ઇન્જેક્શન ઉપલબ્ધ છે. છેલ્લા 2 વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા 11,800થી વધુ ફેક્ટર વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
સુરતનું હિમોફિલિયા કેર સેન્ટર ભારતનું પહેલું એવું સેન્ટર છે જે 24 કલાક કાર્યરત છે
આજે ગુજરાતમાં 3,000 થી વધુ હિમોફિલિયાના દર્દીઓ છે જેમાંથી 500 થી વધુ દર્દીઓ સુરતમાં છે. સુરતમાં ‘હિમોફિલિયા સોસાયટી સુરત ચેપ્ટર’ હિમોફિલિયાના દર્દીઓ પીડામુક્ત જીવન જીવી શકે અને લોકોમાં આ રોગ વિશે જાગૃતિ ફેલાય એ માટે કાર્ય કરી રહી છે. વર્ષ 2015માં આ સંસ્થા અને નવી સિવિલ હોસ્પિટલના સહયોગથી સુરત સ્થિત નવી સિવિલ હોસ્પિટલમાં હિમોફિલિયા કેર સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. આ ગુજરાતનું એકમાત્ર હિમોફિલિયા સમર્પિત કેન્દ્ર છે. નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સૌથી વધુ હિમોફિલિયા દર્દીની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી છે. એટલું જ નહીં, તે ભારતનું પ્રથમ એવું કેર સેન્ટર છે જે 24 કલાક કાર્યરત હોય છે.
સુરતના હિમોફિલિયા કેર સેન્ટરમાં દેશ-વિદેશથી દર્દીઓ સર્જરી કરાવવા માટે આવે છે
સુરતના હિમોફિલિયા કેર સેન્ટરમાં દર્દીઓને વિના મૂલ્યે સંભાળ, રક્ત પરીક્ષણ અને સારવાર આપવામાં આવે છે. અહીં મેડિકલ એક્ઝામિનેશન રૂમ, મેનેજમેન્ટ રૂમ, કાઉન્સેલિંગ રૂમ, લેબોરેટરી, નર્સિંગ રૂમ, ફિઝિયોથેરાપી રૂમ, રેકોર્ડ રૂમ અને દર્દીઓની સંભાળ માટેનો વોર્ડ ઉપલબ્ધ છે. આ સંસ્થા દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં જરૂરી રક્ત પરીક્ષણો વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. ઉચ્ચ કક્ષાની સારવાર અને સંભાળ ઉપલબ્ધ હોવાને કારણે અન્ય રાજ્યો તથા ભારત ઉપરાંત ઝામ્બિયા, દુબઈ જેવા દેશોમાંથી પણ દર્દીઓ સુરતના હિમોફિલિયા કેર સેન્ટરમાં સારવાર હેતુ આવે છે.
હિમોફિલિયા કેર સેન્ટરના મેનેજર શ્રી નિહાલ ભાતવાલા જણાવે છે, “ગુજરાતની સંવેદનશીલ સરકાર તથા નવી સિવિલ હોસ્પિટલ સુરતના સહયોગ વિના દર્દીઓની સારવાર અશક્ય છે. હાલ 94 જેટલા હિમોફિલિયા દર્દીઓને અહીં પ્રોફાઈલ એક્સેસ સારવાર (રક્તસ્ત્રાવ થતાં પહેલાં જ આપવામાં આવતી સારવાર) આપવામાં આવી રહી છે જેના કારણે દર્દીઓને રક્તસ્ત્રાવ થવાની સંભાવના નહિવત્ થઈ છે. આ સારવારના કારણે દર્દી વિકલાંગ થવાની સંભાવના પણ રહેતી નથી અને જીવનું જોખમ પણ ઓછું રહે છે.”
દુર્લભ રોગ સામે લડીને હિમોફિલિયાના દર્દીઓ ડોક્ટર, સીએ અને વકીલ બન્યા
હિમોફિલિયા સોસાયટી સુરતના સહયોગના પરિણામે હિમોફિલિયા કેર સેન્ટર આજે દર્દીઓ માટે આશાનું કિરણ બન્યું છે. આ દુર્લભ રોગ સાથે જીવતા લોકો માત્ર સ્વસ્થ જીવન નથી જીવી રહ્યા, પણ પોતાના સપનાં પણ સાકાર કરી રહ્યા છે. સુરતમાં જ હિમોફિલિયાના ઘણાં દર્દીઓ ડોક્ટર, સીએ, વકીલ જેવા વ્યવસાયોમાં ફરજ બજાવી રહ્યા છે.
આ અંગે હિમોફિલિયા સોસાયટી સુરત ચૅપ્ટરના પ્રમુખ નિલેશ જરીવાલાએ જણાવ્યું હતું કે, “આજથી 10 વર્ષ પહેલાં હિમોફિલિયા માટે કોઈ જ સારવાર ઉપલબ્ધ ન હતી, પરંતુ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ક્લોટિંગ ફેક્ટરના ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવીને હિમોફિલિયા સાથે જીવતા લોકોનું જીવન વધુ સરળ બને એ માટે ઉમદા પ્રયાસ કર્યો. હવે એટલી સારી ટ્રીટમેન્ટ મળી રહી છે કે દર્દીને મહિનામાં એક જ વખત ફેક્ટર લેવાની જરૂર પડે છે. પહેલાં કોઈ સુવિધા કે સારવાર ઉપલબ્ધ ન હોવાના કારણે ઘણી મુશ્કેલીઓ થતી હતી, પણ આજે ગુજરાત સરકારના પ્રયાસોના પરિણામે હિમોફિલિયા ધરાવતી વ્યક્તિ પણ સામાન્ય જીવન જીવી શકે છે. તેમાંથી ઘણાં દર્દીઓ આજે ડોક્ટર, સીએ, વકીલ અને એન્જીનિયર બની ચૂક્યા છે.”
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચાર મહિના પછી બિટકોઈને બનાવ્યો રેકોર્ડ, હવે આટલી થઈ ગઈ છે કિંમત
May 21, 2025 10:26 PMદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech