ભારતીય સંદર્ભમાં ગુજરાત ફૂટબોલઃ પરિમલ નથવાણી

  • March 06, 2025 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં ફૂટબોલ પશ્વિમ બંગાળ, કેરળ, ગોવા અને પૂર્વોત્તર રાજ્યોમાં અત્યંત લોકપ્રિય છે. ત્યાં તે ખેલકૂદ સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે. પરંતુ ગુજરાત, જેમાં મજબૂત રમતગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની આવડત અને આર્થિક શક્તિ છે, તે હજુ સુધી રાષ્ટ્રીય ફૂટબોલ પરિદૃશ્યમાં એક મહત્વનું સ્થાન મેળવી શક્યું નથી. ત્યારે પ્રશ્ન થાય છે કે ભારતીય ફૂટબોલમાં ગુજરાતનું સ્થાન શું છે અને તેને કેવી રીતે ઊંચું લાવી શકાય...? અલબત્ત એ વાત અલગ છે કે છેલ્લાં થોડાં વર્ષોમાં રાજ્યમાં ફૂટબૉલ પ્રત્યેની જાગરુકતા વધી છે અને ફૂટબોલને વ્યવસાય તરીકે અપનાવનારાઓનો એક વર્ગ ઊભો થઈ રહ્યો છે. ગુજરાત સ્ટેટ ફૂટબૉલ એસોસિયેશન (જીએસએફએ) પણ એક ફૂટબૉલ સંસ્થા તરીકે પોતાની સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે.


ગુજરાતમાં ક્રિકેટનું પ્રભુત્વ છે અને તેનો ભારે દબદબો છે અને મજબૂત આધાર પણ છે, જ્યારે ફૂટબોલ તેની સરખામણીમાં ઓછું મહત્વ પામ્યું છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં સ્ટેડિયમ અને એકેડેમીઓ હોવા છતાં, પાયાથી ફૂટબોલ પ્રત્યેનો ઉમંગ અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછો છે, કારણ કે અમુક રાજ્યોમાં પરંપરાગત રીતે ફૂટબોલનાં મૂળ ઊંડાં છે.. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જીએસએફએ) છેલ્લાં થોડાં વર્ષોમાં ઘણું સક્રિય થયું છે, પરંતુ પ્રગતિ હજુ ધીમી છે.


ગુજરાતે સંતોષ ટ્રોફી જેવી રાષ્ટ્રીય સ્તરની ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે, પરંતુ કોઈ મોટો પડકાર ઉભો કરી શક્યું નથી. ગુજરાતમાંથી કોઇ પણ ક્લબ આજ સુધી આઇએસએલ અથવા આઇ-લીગમાં ભાગ લેતી નથી, જે ફૂટબોલ માટે એક મજબૂત ઈકોસિસ્ટમની ગેરહાજરી દર્શાવે છે.


ગુજરાતમાં ફૂટબોલને લોકો રોજિંદા જીવનનો ભાગ નથી બનાવતા, જ્યારે પશ્ચિમ બંગાળ, કેરળ અને ગોવામાં આ રમત જીવનશૈલીનો હિસ્સો છે. ગુજરાતના ખેલાડીઓ માટે સ્થાનિક લીગ પછી રાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે ઓછા અવસરો છે. વિશ્વ સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ હોવા છતાં, ગુજરાતમાં ફૂટબોલ માટે સમર્પિત તાલીમ કેન્દ્રો અને એકેડેમીઓ કે સ્ટેડિયમો નથી. ફૂટબોલને ટેકો કરી સહાય આપતા પ્રાયોજકો અને રોકાણકારો ગુજરાતમાં ઓછા છે, જેના કારણે આ રમત રાજ્યમાં વિકાસ પામી શકતી નથી. જો કે આ પરિદ્રશ્ય પણ ક્રમશ: બદલાઈ રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે જે આવકારદાયક છે.


શાળાઓ અને કોલેજોમાં ફૂટબોલને અભ્યાસક્રમમાં સમાવવો જોઈએ અને વધુ ટૂર્નામેન્ટો આયોજિત કરવી જોઈએ. ગુજરાતમાંથી આઇ-લીગ અથવા આઇએસએલમાં ભાગ લેનાર ક્લબો ઉભી કરવી જોઈએ, જે રમતના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. ફૂટબોલ માટે સમર્પિત સ્ટેડિયમ અને તાલીમ કેન્દ્રો માટે સરકારી અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં વિવિધ ઉદ્યોગો ફૂટબોલ ક્લબો અને ટૂર્નામેન્ટ્સમાં રોકાણ કરી શકે, જેથી રમત વિકાસ પામે. ગુજરાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ઇવેન્ટ્સનાં આયોજનો થવાં જોઈએ, જેનાથી સ્થાનિક ખેલાડીઓને પ્રોત્સાહન મળશે.


હાલ જ્યારે ગુજરાત સ્ટેટ ફૂટબૉલ એસોસિયેશન (જીએસએફએ) સતત બીજા વર્ષે ગુજરાત સુપર લીગનું આયોજન કરવા કટિબદ્ધ થઈ રહ્યું છે તેવે સમયે ગુજરાત ફૂટબોલ વિષે મનોમંથન કરી કેટલાક વિચારો કાગળ પર ઉતારવાનો પ્રયાસ કર્યો છે.
ટૂંકમા, ગુજરાત પાસે ફૂટબોલ વિકાસ માટે સંસાધનો અને ક્ષમતા છે, પરંતુ તેને રાજ્ય સરકાર, ખેલ સંચાલકો, ખાનગી રોકાણકારો અને સૌથી મહત્વપૂર્ણ - રમતપ્રેમી ગુજરાતીઓની સહાયથી આગળ ધપાવવાની જરૂર છે. યોગ્ય વ્યૂહરચનાથી, ગુજરાત એક સશક્ત ફૂટબોલ રાજ્ય તરીકે ઉભરી શકે અને ભારતીય ફૂટબોલના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે તેવી પ્રબળ અને ઉજ્જવળ સંભાવનાઓ છે.


(રાજ્ય સભા સાંસદ શ્રી પરિમલ નથવાણી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ છે તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ડાયરેક્ટર, કોર્પોરેટ અફેર્સ છે.)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application