આણંદના ખંભાતમાં ATSએ મોટુ ઓપરેશન પાર પાડ્યું છે, ફેક્ટરીમાંથી રૂ.100 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે અને ડ્રગ્સના જથ્થા સાથે 6 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. સોખડામાં ગ્રીન લાઇફ ઈન્ડ્રસ્ટ્રીઝમાંથી આ ડ્રગ્સ એક ફેક્ટરીમાં બનતું હોવાની બાતમી એટીએસને મળી હતી અને તેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. ફેક્ટરીમાં અલ્પ્રાઝોલમ દવા બનતી હતી અને તેમાં કાળો કારોબર કરવામાં આવતો હોવાની વાત સામે આવી છે.
દવા બનાવતી કંપનીની આડમાંથી ઝડપાયું ડ્રગ્સ
ખંભાતના લુણેજ ખાતેથી એટીએસ દ્વારા મેડિસિન બનાવતી ફેક્ટરીમાં દરોડો પાડીને ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ પકડી પાડ્યું છે. આ ફેક્ટરીમાં ઘેનની ગોળીઓ બનાવવાનું રો-મટીરિયલ તૈયાર થતું હતું. તેમજ ઘેનની ગોળી બનાવવાના રો-મટીરિયલ્સની આડમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની જાણ થતાં એટીએસ દ્વારા આ ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો.
ઊંઘની દવા બનાવવા માટે આ ડ્રગનો ઉપયોગ થતો હોય છે
એટીએસએ જ્યારે તપાસ કરી ત્યારે ઊંઘની દવા અલ્પ્રાઝોલમ બનાવવા માટે જે ડ્રગનો ઉપયોગ થતો હોય છે તે મળી આવ્યું હતું. અંદાજિત 100 કિલોથી વધુ ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.100 કરોડથી વધુ થાય છે. આ ડ્રગની બજાર કિંમત એક કિલોનો એક કરોડ રૂપિયા જેટલો ભાવ થાય છે. જેથી 100 કરોડથી વધુનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી ફેક્ટરીમાં આ જથ્થો બનાવવામાં આવતો હતો.
કંપનીના માલિકો, ભાગીદારો અને કર્મચારીઓની સઘન પૂછપરછ
આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભાતની સોખડા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ગ્રીનલાઈફ ઈન્ડસ્ટ્રીઝમાં એટીએસની ટીમે દરોડા પાડ્યા હતા. ગત વહેલી સવારથી બલ્ક ડ્રગ્સ અને મેન્યુફેક્ચરિંગ ગ્રીનલાઈફ ઈન્ડસ્ટ્રીમાં અંદાજે 18 કલાક સુધી તપાસ કરી હતી, જેમાં કંપનીના માલિકો, પાર્ટનર સહિત કર્મચારીઓની મોડી સાંજ સુધી પૂછપરછ કરાઈ હતી. કંપનીમાં ડ્રગ્સ હોવાની આશંકાને આધારે સર્ચ ઓપરેશન કરાયું હતું.
શંકાસ્પદ તમામ આરોપીઓની ધરપકડ કરી અમદાવાદ લવાયા
આ સર્ચ ઓપરેશન દરમિયાન એટીએસની ટીમે આણંદ એસઓજી અને એફએસએલની ટીમને પણ સાથે રાખી હતી. ગુરુવારે મોડી સાંજ સુધી ઓપરેશન પૂરું થતાં જ એટીએસની ટીમ શંકાસ્પદ તમામ આરોપીઓની ધરપકડ કરી અમદાવાદ એટીએસ ઓફિસ ખાતે લાવવામાં આવ્યા છે. આરોપીઓની હાલ વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ડ્રગનો જથ્થો કેવી રીતે બનાવતા હતા અને ક્યાં સપ્લાય કરવાનો હતો, અન્ય કોઈ આ કૌભાંડમાં સંડોવાયેલું છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
ઇન્જેક્શનના કીમિયાગરોએ કૅમિકલના વેપલામાં ઝંપલાવ્યું
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ફેક્ટરી દેવદિવાળીએ જ શરૂ કરાઈ હતી, જેમાં ફેક્ટરીના સંચાલક સહિત અન્ય લોકો અગાઉ ઇન્જેક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, પરંતુ એ પછી તેઓએ કૅમિકલનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં તેઓ ઘેનયુક્ત પાઉડર બનાવતા હોવાની શંકા હતી. આ બાતમીના આધારે જ ટીમે દરોડો પાડ્યો હતો.
છેલ્લા ૩ વર્ષમાં ગુજરાત પોલીસે 16,155 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું
નાર્કો રિવોર્ડ પોલિસી અંગે જાગૃતિનું પરિણામ એ આવ્યું છે કે NDPS એક્ટ, 1985 હેઠળ નોંધાયેલા કેસમાં અને ડ્રગ્સની જપ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. 2021માં રિવોર્ડ પોલિસી લોન્ચ થઈ ત્યારથી ડિસેમ્બર 2024 સુધીમાં 16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને 2500થી વધુ આરોપીઓ ઝડપ્યા છે. આ પોલિસી હેઠળ અત્યારસુધીમાં DGP કમિટીએ 64 લોકો માટે રિવોર્ડ તરીકે 51,202 મંજૂર કર્યા છે. તો ACS, ગૃહ સ્તરની કમિટીએ 169 લોકો માટે 6,36,86,664 રિવોર્ડની રકમ મંજૂર કરી છે. આ ઉપરાંત, 737 લોકોને કુલ 5,13,40,680 રિવોર્ડ આપવાનો પ્રસ્તાવ NCB કમિટીને મોકલવામાં આવ્યો છે.
બાતમીદારને જપ્ત પદાર્થના 20 ટકા સુધીની રોકડ રકમ આપવામાં આવે છે
NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરેલા પદાર્થોની ગેરકાયદેસર કિંમતના 20 ટકા સુધીની રકમ રિવોર્ડને પાત્ર હોય છે. સરકારી કર્મચારીઓ માટે તેમની સમગ્ર કારકિર્દી દરમ્યાન આ રિવોર્ડની મહત્તમ મર્યાદા 20 લાખ છે, જ્યારે એક જ કેસમાં કોઈ વ્યક્તિગત કર્મચારી કે અધિકારીને આપવામાં આવતી મહત્તમ રકમ 2 લાખ સુધીની છે. કોઈ ખાનગી વ્યક્તિએ ઓફિસ વર્કમાં મદદ કરી હોય તેને દરેક કેસ દીઠ 2500નો પુરસ્કાર આપવામાં આવે છે. કોઈ બાતમીદાર કે સરકારી કર્મચારીનું મૃત્યુ થઈ જાય તો તેમનો રિવોર્ડ તેમના કાનૂની વારસદાર કે નોમિનીને આપવામાં આવી શકે છે. આ રિવોર્ડ સંપૂર્ણપણે ઇનામ તરીકે ચૂકવવામાં આવે છે અને સક્ષમ સત્તાતંત્ર આ રિવોર્ડને મંજૂર કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech