જામનગર જિલ્લાના ખેડૂતો માટે કપાસ પાકના વાવેતર માટેની માર્ગદર્શિકા જાહેર

  • May 22, 2024 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ચોમાસાની સીઝન તારીખ 19 જૂનથી શરુ થવાની શક્યતા રહેલી છે. તેથી કપાસ પાકના આગોતરા વાવેતર માટે જે ખેડૂતોને પિયતની સગવડ હોય તો તે ખેડૂતોએ વાવેતર કરવું જોઈએ. અન્યથા બીજા પાકના ઉત્પાદનમાં અસર પહોંચવાની શક્યતા રહેલી છે. તેથી જિલ્લાના ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત રીતે લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. 


બિયારણની ખરીદી સમયે ખેડૂતોએ વેપારી પાસેથી તેનું પૂરું નામ, લાયસન્સ નંબર, સરનામું, જે બિયારણ ખરીદેલું હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદ્દત પુરી થવાની વિગતો દર્શાવતું સહી સાથેનું બિલ અવશ્ય લેવું જોઈએ. કોઈપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ના ધરાવતા હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરિયાઓ પાસેથી કયારેય પણ બિયારણની ખરીદી કરવી જોઈએ નહીં. જેથી ખેડૂતો સાથે છેતરપિંડી ના થાય.


રાજ્યમાં કપાસ પાકના વાવેતર માટે જરૂરી બીટી કપાસના બિયારણ અને રાસાયણિક ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂતોએ કપાસની એક જ જાતનું વાવેતર ના કરતા બજરમાં ઉપલબ્ધ વિવિધ જાતોનું વાવેતર કરવું જોઈએ. જેથી સંભવિત જોખમ નિવારી શકાય. 


આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ બિયારણ અને ખાતરની જરૂરિયાત મુજબ જુદી-જુદી જાત અને જુદા-જુદા ગ્રેડની આગોતરી ખરીદી કરવી જોઈએ. બિયારણના કાળા બજાર, અનઅધિકૃત બિયારણનું વેચાણ કરવામાંં આવતુંં હોય અને રાસાયણિક ખાતરોની સાથે નેનો ખાતર સિવાયના અન્ય ખાતરો ફરજીયાત રીતે આપવામાં આવતા હોવાની બાબત જો ધ્યાનમાં આવે, તો તે અંગે તુરંત જ જે-તે તાલુકાના ખેતીવાડી અધિકારીશ્રીને અથવા અત્રેની કચેરીના ફોન નંબર 0288-2551137 પર જાણ કરવાની રહેશે. તેમ નાયબ ખેતી નિયામક વિસ્તરણ શ્રી બી.એમ.આગઠ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યુંં છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application