ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ધારાસભ્યોને મતવિસ્તાર દીઠ ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં ૧ કરોડ રૂપિયાનો વધારો કર્યો, જાણો હવે કેટલા રૂપિયા મળશે

  • April 09, 2025 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં વિકસિત ગુજરાતથી ઝિલી લેવાની દિશામાં એક મહત્વપૂર્ણ  નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ દેશના વિકાસ માટે રાજ્યના વિકાસને વેગવંતો બનાવવા તથા વિકાસના રોલ મોડેલ તરીકે ગુજરાતની પ્રસ્થાપિત ઓળખ વધુ ઉન્નત બને તે માટે રાજ્યના ધારાસભ્યોને મતવિસ્તારના વિકાસ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં માતબર વધારો કર્યો છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણય અનુસાર ધારાસભ્યોને સ્થાનિક અગત્ય ધરાવતા સામૂહિક વિકાસના કામો માટે ફાળવાતી હાલની વાર્ષિક ૧.૫૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટમાં ૧ કરોડ રૂપિયાનો વધારો કરીને હવે આવી વાર્ષિક ગ્રાન્ટ ૨.૫૦ કરોડ રૂપિયા પ્રમાણે અપાશે. મુખ્યમંત્રીએ રાજ્યના ધારાસભ્યો પોતાના વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહ અને સંચય માટેના કામો હાથ ધરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત ‘કેચ ધ રેઈન’ અભિયાનને વેગ આપે તેવો અભિગમ પણ આ ગ્રાન્ટ ફાળવણીમાં રાખ્યો છે.


જળ સંચયના વિવિધ કામો જનભાગીદારીથી કરવામાં આવે છે

વરસાદી પાણીના સંગ્રહથી ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાના હેતુંથી રાજ્યમાં ૨૦૧૮થી દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન યોજાય છે. આ અભિયાન અંતર્ગત તળાવો ઉંડા કરવા, ચેકડેમોનું ડિસિલ્ટીંગ, નહેરો તથા કાંસની મરામત-જાળવણી અને સાફસફાઈ, માટી પાળા તથા રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવા જળ સંચયના વિવિધ કામો જનભાગીદારીથી કરવામાં આવે છે.


૭ વર્ષમાં ૧,૧૯,૧૪૪ લાખ ઘનફુટ જેટલી જળ સંગ્રહ ક્ષમતા વધી

આ અભિયાનની સફળતાને પગલે પાછલા ૭ વર્ષમાં ૧,૧૯,૧૪૪ લાખ ઘનફુટ જેટલી જળ સંગ્રહ ક્ષમતા વધી છે તથા ૧૯૯.૬૦ લાખ માનવ દિન રોજગારી ઉત્પન્ન થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાણીના ટીપે-ટીપાના સંગ્રહ અને સંચય માટે “કેચ ધ રેઈન” અભિયાનનું આ વર્ષે દેશવાસીઓને આહવાન કર્યું છે. આ આહવાન ઝિલી લઈને રાજ્યના ધારાસભ્યો પણ પોતાના મતવિસ્તારોમાં વધુને વધુ વરસાદી પાણીના સંગ્રહ માટેના કામોનું આયોજન કરે તેઓ જનહિતલક્ષી અભિગમ રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અપનાવ્યો છે. 


ગ્રાન્ટનો જળ સંચય અને જળ સંગ્રહના કામો માટે ઉપયોગ કરવાનો રહેશે

તદનુસાર, ધારાસભ્યોને ફાળવવામાં આવનારી વિકાસ કામોની આ ગ્રાન્ટમાંથી ૫૦ લાખ રૂપિયા આ “કેચ ધ રેઈન - સુજલામ સુફલામ જળ અભિયાન ૨.O” અંતર્ગત પોતાના મત ક્ષેત્રોમાં જળ સંચય અને જળ સંગ્રહના કામો માટે ઉપયોગમાં લેવાના રહેશે તેવું પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application