સંત શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની ૫૫મી પુણ્યતિથિ નિમિતે સમુદ્ર પૂજન, ધ્વજાજીનું પૂજન, અભિષેક ઉત્સવ, આરતી, ગુરૂ પ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
દ્વારકામાં છેલ્લાં 57 વર્ષથી રામનામની અખંડ જ્યોત પ્રગટાવનાર સદગુરૂ પ્રેમભિક્ષુજી મહારાજની 55મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસર પર સંકિર્તન મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
સવારે 8:30 કલાકે સમુદ્ર પૂજન યોજાયું હતું. જગતમંદિરના પૂજારીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત પૂજન કર્યું હતું. ત્યારબાદ 10:30 કલાકે દ્વારકાધીશની ધ્વજાજીનું પૂજન અને અભિષેક કરવામાં આવ્યા હતું. બપોરે 12 વાગ્યે ઉત્સવ આરતી યોજાઈ હતી.
દ્વારકાધીશ મંદિરે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન બાદ 'શ્રીરામ જયરામ જય જય રામ' લખેલી ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું હતું. બપોરે 12:30 કલાકે ગુરૂ પ્રસાદી ગુગળી બ્રા.બ્રહ્મપુરી નં.1 ખાતે યોજાઈ હતી.
કાર્યક્રમમાં સંકિર્તન મંદિરના પૂજારી ભાનુભાઈ મીન પરિવાર અને ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા. સાંજે 6:30 કલાકે બ્રહ્મલીન સમયે આરતી બાદ નગર કીર્તન (શોભાયાત્રા)નું આયોજન કરાયું હતું. શોભાયાત્રા સંકિર્તન મંદિરથી નીકળી નગર ભ્રમણ કરી પુનઃ મંદિરે પરત ફરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં રામભક્તોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી કાર્યક્રમમાં ભાગ લીધો હતો.