ઇલેક્ટ્રિક સિટી બસના ડ્રાઇવરોની વીજળીક હડતાલ

  • April 18, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં આજે ચોરી પે સીના જોરી સમી ઘટના બની છે, બે દિવસ પૂર્વે બુધવારે ઇન્દિરા સર્કલ નજીક આઠ વાહનોને હડફેટે લઇ ચાર નાગરિકોના કરૂણ મોત નિપજાવનાર ઇલેક્ટ્રિક સિટી બસની એજન્સીના ડ્રાઇવરોએ આજે પોત પ્રકાશ્યુ હતું અને આજે સવારથી વીજળીક હડતાલ પાડી દેતા હજારો મુસાફરો રઝળી પડ્યા હતા. અમારી સુરક્ષાનું શું ? તેવો મુદ્દો ઉઠાવીને ડ્રાઈવરોએ હડતાલ પાડી હોવાનું મ્યુનિ.અધિકારીઓએ જણાવ્યું હતું.

વિશેષમાં મુસાફરોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અટલ સરોવર નજીકના ડેપો ખાતેથી દરરોજ ૭૫ ઇલેક્ટ્રિક બસ ઉપડે છે પરંતુ આજે સવારથી એક પણ નહીં ઉપડતા વિવિધ બસ સ્ટોપ ઉપર મુસાફરો બસની રાહ જોતા રહી ગયા હતા, દરમિયાન મુસાફરોએ મહાપાલિકા તંત્રના જવાબદારોનો સંપર્ક સાધતા ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવરોએ વીજળીક હડતાલ પાડી હોવાનું જણાવ્યું હતું. આમ આજે હજારો મુસાફરો રઝળ્યા હતા. સિટી બસ નહીં આવતા મુસાફરોને ઓટો રિક્ષામાં જવા ફરજ પડી હતી અને ઓટો રીક્ષા ચાલકોએ મજબૂરીનો લાભ ઉઠાવી મુસાફરો પાસેથી મોઢે માંગ્યા ભાડા વસુલતા દેકારો બોલી ગયો હતો.

દરમિયાન આ મામલે સિટી બસ સેવાની કામગીરી સંભાળતા મ્યુનિ.અધિકારી મનિષ વોરાનો સંપર્ક સાધતા તેમણે ડ્રાઇવરોની હડતાલ હોવાની વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે સુરક્ષાનો મુદ્દો આગળ ધરીને ડ્રાઈવરોએ આજે બસ ઉપાડી ન હતી. અકસ્માત થાય તેવા કિસ્સામાં ડ્રાઈવરો સાથે થતી માથાકૂટ તેમજ અવારનવાર રિક્ષાચાલકો સાથે થતી માથાકૂટ અને બોલાચાલી વેળાએ ડ્રાઈવરો સુરક્ષિત નહીં હોવાનો મામલે ડ્રાઇવરોની રજુઆત હતી. તેમણે ઉમેર્યું હતું કે મુખ્ય એજન્સી પીએમઆઇની કામગીરી સંભાળતી સ્થાનિક એજન્સી વિશ્વમના લોકલ મેનેજર સહિતના કોઇ અધિકારીઓ ફોન રિસીવ કરતા નથી તેમ છતાં હડતાલ સમેટવા માટે વાટાઘાટના પ્રયાસો ચાલુ છે. નવી દિલ્હી સ્થિત પીએમઆઈ એજન્સી કે જે ઇલેક્ટ્રિક બસની મુખ્ય કોન્ટ્રાકટર એજન્સી છે તેના ડિરેકટર દીપેશ દ્વિવેદીને પણ આ અંગે જાણ કરાઈ છે અને તેમને રાજકોટ બોલાવ્યા છે તેઓ ફ્લાઇટમાં રાજકોટ આવવા રવાના થયા છે અને સાંજ સુધીમાં રાજકોટ આવ્યા બાદ તેમની સાથે મિટિંગ યોજાશે.

અન્ય એજન્સીની ૪૯ ઇલે.સિટી બસ સેવામાં કાર્યરત

સિટી બસ દૂર્ધટના બાદ અટલ સરોવર ડેપોની ૭૫ બસના ડ્રાઇવરો હડતાલ ઉપર ઉતરી ગયા છે. શહેરમાં કુલ ૧૨૪ ઇલેકટ્રીક બસ દોડવવામાં આવી રહી છે. જે પૈકી ૭૫ સિટીબસનું સંચાલન વિશ્ર્વમ એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને આ એજન્સીની સિટીબસે અકસ્માત સર્જયો હતો. જ્યારે અન્ય ૪૯ ઇલેકટ્રીક બસનું સંચાલન નારાયણન એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ એજન્સીના ડ્રાઇવરો હડતાલમાં ન જોડાતા તેની ૪૯ ઇલેક્ટ્રિક સિટી બસ રાબેતા મુજબ દોડી રહી છે.


મનપા કોન્ટ્રાકટર હોય ને એજન્સી માલિક તેવી સ્થિતિ

સિટી બસ કાંડમાં ચાર ચાર નાગરિકોના મોત બાદ જે રીતે ગોકળ ગાયની ગતિએ તપાસ ચાલી રહી છે અને જે રીતે એજન્સીના ડ્રાઇવરો તંત્રનું નાક દબાવી રહ્યા તે જોતા મહાપાલિકા તંત્ર કોન્ટ્રાકટર હોય અને સંચાલક એજન્સી તેની મહાપાલિકા તંત્રની માલિક કે તેની ઉપરી ઓથોરિટી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ટેન્ડરમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આવી અકલ્પનિય સ્થિતિઓ માટે જ હોય છે પરંતુ તંત્ર કેમ એજન્સીના ડ્રાઇવર કક્ષાના સ્ટાફના ઘૂંટણિયે પડી રહ્યું છે તે વાત ૨૫ લાખ રાજકોટવાસીઓ સમજી શકતા નથી.

એક બિમાર, એક યુપી રવાના, એકનો ફોન નો-રિપ્લાય

સિટી બસ વિભાગના મ્યુનિ.અધિકારી મનિષ વોરાએ જણાવ્યું હતું કે હડતાલ બાદ એજન્સીની સ્થાનિક કામગીરી સંભાળતા ત્રણ કર્મચારીઓનો સંપર્ક કરતા એક કર્મચારીએ પોતે બહુ બીમાર હોય આવી નહીં શકે તેમ જણાવ્યું હતું, અન્ય એક મૂળ યુપીના વતની હોય તેઓ યુપી ચાલ્યા ગયા છે અને ત્રીજા એક અધિકારી તો તેમનો ફોન રિસીવ જ કરતા નથી. આવા કારણે અંતે એજન્સીના દિલ્હી સ્થિત ડિરેક્ટરને રાજકોટ બોલાવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News