Janmashtami: શું તમે જાણો છો, પાકિસ્તાનમાં પણ કૃષ્ણ મંદિર છે? હિન્દુઓ ત્યાં ઉજવે છે જન્માષ્ટમી

  • August 26, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જન્માષ્ટમીનો તહેવાર ભારત અને અન્ય ઘણા દેશોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વિશ્વભરના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ, શું તમે જાણો છો કે પાડોશી દેશ પાકિસ્તાનમાં શું સ્થિતિ છે અને ત્યાં જન્માષ્ટમી કેવી રીતે ઉજવવામાં આવે છે? ત્યારે પહેલો સવાલ એ થાય છે કે પાકિસ્તાનમાં કૃષ્ણ મંદિરો છે કે નહીં અને ત્યાં કૃષ્ણ જન્મ કેવી રીતે ઉજવવામાં આવે છે?


શું પાકિસ્તાનમાં જન્માષ્ટમી ઉજવાય છે?


પાડોશી દેશ પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ કૃષ્ણ જન્માષ્ટમી ધામધૂમથી ઉજવે છે. ભારતની જેમ અહીં પણ લોકો રાત્રે કૃષ્ણ મંદિરોમાં જાય છે. પાકિસ્તાન જે હિંદુ મંદિરો પર હુમલાઓ અને મંદિરોની ઘટતી સંખ્યા માટે અવારનવાર સમાચારોમાં રહે છે. ત્યાં ઘણા કૃષ્ણ મંદિરો છે જ્યાં જન્માષ્ટમી ઉજવવામાં આવે છે.


દર વર્ષે પાકિસ્તાનના અમરકોટથી જન્માષ્ટમીની ઉજવણીની તસવીરો સામે આવે છે. જ્યાં હિન્દુઓની વસ્તી 52 ટકાથી વધુ છે. ભારતની જેમ અહીં પણ હિન્દુ મંદિરોને શણગારવામાં આવે છે અને લોકો મંદિરોમા પૂજા, અર્ચના કરવાં માટે જતાં હોય છે. આ ઉપરાંત જન્માષ્ટમી પર બાળકોને ભગવાન કૃષ્ણના પોશાક પહેરેલા પણ જોઈ શકો છો અને લોકો ધાર્મિક વિધિઓ અનુસાર પૂજા કરે છે. અમરકોટમાં હિંદુઓ દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. પરંતુ પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં હિંદુઓને કોઈ પણ તહેવાર ઉજવવો મુશ્કેલ લાગે છે.


કૃષ્ણ મંદિરો કેટલા છે ?


પાકિસ્તાનમાં હિન્દુ મંદિરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઘણા મંદિરો તોડી પાડવામાં આવ્યા છે અને કેટલાક મંદિરોને અન્ય ઇમારતોમાં ફેરવવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે 1947માં આઝાદી દરમિયાન પાકિસ્તાનમાં 300થી વધુ હિંદુ મંદિરો હતા અને હવે તેમની સંખ્યા ઘટીને 50થી પણ ઓછી થઈ ગઈ છે.


અગાઉ પાકિસ્તાનના નોરોવાલ વિસ્તારમાં ઘણા હિંદુ મંદિરો હતા, પરંતુ વર્ષ 2023માં આ સંખ્યા શૂન્ય થઈ ગઈ. હવે અહીંના હિંદુઓને પૂજા, ધાર્મિક વિધિ, લગ્ન વગેરે કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. તેમ છતાં આ વિસ્તારમાં 1000 થી વધુ હિંદુઓ રહે છે. જો આપણે કૃષ્ણ મંદિરોની વાત કરીએ તો પાકિસ્તાનમાં લાહોર, રાવલપિંડી, ઈસ્લામાબાદ, કરાચી વગેરેમાં કૃષ્ણ મંદિરો છે. તેમજ કેટલાક અહેવાલો અનુસાર એબોટાબાદનું કૃષ્ણ મંદિર અને હરિપુરનું મંદિર તોડી પાડવામાં આવ્યું છે.


ઈસ્લામાબાદમાં કૃષ્ણ મંદિરને લઈને વિવાદ


ઇસ્લામાબાદમાં એક કૃષ્ણ મંદિર પણ બનાવવામાં આવી રહ્યું છે. પરંતુ તેને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. વર્ષ 2020 માં હિંદુ સમુદાયને ઇસ્લામાબાદમાં સૂચિત કૃષ્ણ મંદિર અને સ્મશાન ભૂમિની બાઉન્ડ્રી વોલ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ મંદિર ઈસ્લામાબાદના સેક્ટર H-9-2માં બની રહ્યું છે. જો કે, મંદિર ફતવા વગેરેને લઈને ઘણા વિવાદોમાં પણ ફસાયેલ છે.


ઇસ્કોનમાં મંદિરો 


ઇસ્કોનના પાકિસ્તાનમાં પણ ઘણા મંદિરો છે. જે કરાચી, લરકાના, સિંધ, હૈદરાબાદમાં છે. હવે ઈસ્કોન બહાવલપુર, પાંડબ, મીરવાહ, ક્વેટા, બલૂચિસ્તાનમાં પણ વિસ્તરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application