ધ્રોલ: જળસંચયના કાર્યનો કેબીનેટમંત્રીના હસ્તે શુભારંભ

  • May 21, 2025 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શેઠ પરિવારના પુત્રના લગ્નમાં મળેલ ખુશી ભેટની રકમમાં ઉમેરો કરી જળસંચયના કાર્યમાં સહાય


જળ એ જીવન છે અને દરેકને પીવા માટે, ખેતી તેમજ પ્રાણીઓને પાણીની જરૂર પડે છે. આબોહવા ઝડપથી બદલાઈ રહી છે. વરસાદ અનિયમિત બની ગયો છે. જીલ્લાના અનેક ગામડામાં પાણીના સંગ્રહ માટે ગામ-તળાવો, અને ડેમમાં કોપ ભરાઈ ગયો હોય પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઘટી છે. દરેક ગામ પાણી માટે સ્વાવલંબી બને તે આ તમામ જળાશયોમાંથી ખોદકામ કરી કાંપ દુર કરી મહત્તમ વર્ષા જળનું સંચયન કરવું ખુબ જરૂરી છે.


 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ અને ગુજરાત સરકાર દ્વારા જળસંચય માટે કેચ ધ રેન કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે તેમાં બીજેએસ જૈન સંગઠન ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે ડબાસંગ, આરબલુસ, જાયવા, મોટા વાગુદડ, ચાપા બેરાજા, ઈશ્વરીયા, વરણા, વિભાનીય, ધુન-ધોરાજી જેવા અનેક ગામડાઓમાં તળાવ - ડેમમાંથી માટી કાઢી તેને ઊંડા કરવાના કાર્ય થઇ રહ્યા છે.


ધ્રોલ મુકામે બ્રહ્મનાથ મંદિર પાસેની નદી છીછરી થઇ ગઈ હોવાથી મૂળ ધ્રોલના વતની અને બીજેએસના ટ્રસ્ટી શરદભાઈ શેઠના પરિવાર દ્વારા નદી ઊંડી ઉતારવાનું નક્કી કરવામાં આવેલ જેનો રાજ્યના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના હસ્તે ૧૬ મે, ૨૦૨૫ ને શુક્રવારે શુભારંભ કરવામાં આવ્યો. આ તકે ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ વિનોદભાઈ વાઘેલા, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઈ કોટેયા, માર્કેટિંગ યાર્ડના માજી ચેરમેન રસિકભાઈ ભંડેરી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. ધ્રોલના સ્થાનિક આગેવાનો અરવિદભાઈ પરમાર, દકુભાઈ શેઠ અને અનિલભાઈ ભૂતનો પણ આ તકે સહયોગ રહ્યો હતો.


 રાઘવજીભાઈ પટેલે જણાવેલ કે શરદભાઈ મનુભાઈ શેઠ પરિવારના પુત્ર રચિતના ડો. દેવકી સાથે ૨૬-૧-૨-૨૫ ના રોજ લગ્ન નિમિતે આવેલ ખુશી ભેટમાં તેટલી જ રકમ શેઠ પરિવાર દ્વારા ઉમેરવામાં આવી અને તે ધનરાશી જળસંચયના કાર્ય માટે આપી સમાજને અનોખો રાહ ચીધ્યો છે. લગ્નમાં ખોટા ખર્ચ ઘટાડી બચાવેલ ધન સાર્વજનિક કાર્યમાં વાપરવાનો વિચાર અનુકરણીય છે.


આ તકે શ્રી દશા શ્રીમાળી લાણી સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઈ વાઘજીયાની, સેક્રેટરી વિજયભાઈ શેઠ અને કારોબારી સભ્યો સમીરભાઈ મહેતા અને રક્ષિત શેઠ ખાસ ઉપસ્થિત રહેલ અને જ્ઞાતિના સભ્ય  શરદભાઈ શેઠ અને પરિવારનું બહુમાન કરેલ. જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બીપેન્દ્રસિંહ જાડેજા તથા સુનિલભાઈ શાહ, જયેશભાઈ મહેતા, પુનીતભાઈ શેઠ વી. ઉપસ્થિત રહેલ.


ધ્રોલમાં જલસંચય રૂપી નિર્મિત થનાર "શેઠ પરિવાર જલ-મંદિર" અને તે અન્ય અનેક ગામોમાં બીજેએસ જૈન સંગઠન ફાઉન્ડેશન - જામનગર દ્વારા જળ સંચય ના કાર્યો થી નિર્માણ પામતા જલમંદિરો થી કરોડો લીટર વરસાદી પાણી દરિયામાં વહી જતું અટકશે અને તેના થી સેંકડો ખેડૂતોને પાક માટે પાણી મળશે ઉપરાંત અનેક ઢોર, પશુ, પક્ષી અને જીવ-જંતુ ને પણ પાણી મળી રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application