કચ્છમાં રાત્રે 3 વાગ્યે સર્જાયું અદભૂત દૃશ્ય, થોડી ક્ષણ કાળી રાત અચાનક દિવસમાં ફેરવાઈ, જાણો શું ઘટી ઘટના, સાથે જુઓ વીડિયો

  • March 17, 2025 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચ્છ જિલ્લામાં રાત્રે 3 વાગ્યે આકાશમાં એક અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું હતું. ભુજથી લઈ ભચાઉ અને લખપત સુધીમાં વહેલી સવારે 3.12 વાગ્યે આકાશમાં અચાનક તેજપુંજ જોવા મળ્યો હતો. સેકન્ડો માટે કાળી રાત અચાનક દિવસમાં ફરી ગઈ હોય તેવું જોવા મળતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું. તારો તૂટ્યો કે ઉલ્કા પડી? જેવી ચર્ચા લોકોમાં શરૂ થઈ ગઈ હતી.


આકાશમાં કેટલીક ક્ષણો માટે તેજપુંજ દેખાયો

આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે જે જોઈને ભલભલા ચોંકી ઉઠ્યાં હતા. સ્થાનિક લોકોના જણાવ્યાં મુજબ, ઉનાળાની ઋતુને કારણે ઘણા લોકો અગાસીમાં સૂતા હતા. આ દરમિયાન આકાશમાં કેટલીક ક્ષણો માટે તેજપુંજ દેખાયો હતો. સીસીટીવીમાં આકાશમાંથી તારો તૂટતો હોય અથવા ઉલ્કા પડતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. આ અસામાન્ય ઘટનાએ વિસ્તારમાં અનેક ચર્ચા જગાવી છે.


કચ્છ જિલ્લો વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ માટે જાણીતો
ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લો તેની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ માટે જાણીતો છે. અહીં રણ, દરિયો અને ડુંગરનો સમન્વય છે અને કર્કવૃત્ત રેખા પણ પસાર થાય છે. આ સરહદી જિલ્લામાં અગાઉ પણ અનેક ખગોળીય ઘટનાઓ નોંધાઈ ચૂકી છે.


બે દાયકા પહેલાં ભચાઉમાં પણ આવી જ ઘટના બની હતી
ભચાઉમાં બે દાયકા પહેલાં સમી સાંજે ઉલ્કા પડવાની ઘટના નોંધાઈ હતી. આકાશમાં તેજપુંજના કારણે અંદાજીત 3 સેકન્ડ સુધી દિવસ ઊગી નીકળ્યો હતો. આ સમયે ઘડીભર માટે લોકોમાં ચિંતા જોવા મળી હતી. બાદમાં વહીવટી તંત્રની તપાસમાં ઉલ્કા પડવાની વાત બહાર આવી હતી. તે દરમિયાન ભચાઉના વંઢિયા અને લુણવા ગામે ઉલ્કા પડતા ઘરના નળિયા તૂટી ગયા હતા. જેને લઈ ભચાઉ પોલીસે સળગી ગયેલા કોલસા જેવા નમૂના હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે મામલતદાર કચેરીએ મોકલ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application