મ્યુનિ.આરોગ્ય અધિકારીના પીંછા ખેરવી પાંખો કાપી લેવાનો હુકમ કરતા કમિશનર

  • May 19, 2025 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની ગત મિટિંગ પૂર્વે મળેલી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોની સંકલન મિટિંગમાં મ્યુનિ.આરોગ્ય અધિકારી ડો.જયેશ એલ. વકાણી સામે વ્યાપક અનેકવિધ ફરિયાદો ઉઠ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ સમગ્ર મામલાને અત્યંત ગંભીરતાથી લઇને આ અંગે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને તાત્કાલિક અસરથી પગલાં લેવા આદેશ કર્યો હતો, દરમિયાન આવતીકાલે મળનારી જનરલ બોર્ડ મિટિંગ પૂર્વે આજરોજ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ આરોગ્ય અધિકારીના પીંછા ખેરીને પાંખો કાપી લેતો હુકમ કર્યો છે જેમાં આરોગ્ય અધિકારીની તમામ નાણાંકીય સત્તાઓ છીનવી લેવાઇ છે તેમજ અન્ય સત્તાઓમાં પણ મોટો કાપ મુક્યો છે તદઉપરાંત તેમના હસ્તકની રોજિંદી કામગીરી પણ ડેપ્યુટી કલેકટર (મધ્યાહન ભોજન)ને સોંપી દેતા ખળભળાટ મચી ગયો છે.

વિશેષમાં આ અંગે મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ભાજપ પાર્ટી સંકલનની મિટિંગમાં લગભગ તમામ વોર્ડના મળી કુલ ૬૬ જેટલા કોર્પોરેટરોની આરોગ્ય અધિકારી વિરૂધ્ધ એવી વ્યાપક ફરિયાદો હતી કે આરોગ્ય અધિકારી ડો.જયેશ એલ.વકાણી સામાન્ય કામગીરીમાં પણ સહકાર આપતા નથી, નકરાત્મક અભિગમ દાખવે છે, તદઉપરાંત પ્રસાદી પધ્ધતિથી વહીવટ કરતા હોવા સહિતની અનેક ફરિયાદો મળ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકર લાલઘુમ થયા હતા અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સાથે આ અંગે ઉંડાણ પૂર્વક ચર્ચા-વિચારણા અને પરામર્શ બાદ આજે કોર્પોરેટરોની લાગણીને ધ્યાને લઇને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનએ આરોગ્ય અધિકારીની સત્તાઓ છીનવી લેતો હુકમ કમિશનર પાસે કરાવ્યો હતો તેમ જાણવા મળે છે.

દરમિયાન આ અંગે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ  રાજકોટ મહાનગરપાલિકા, મહેકમ શાખા, ક્રમાંક: રા.મ.ન.પા./મહેકમ /૪૪૮, તા.૧૯-૫-૨૦૨૫થી કરેલા  હુકમમાં જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હસ્તક જુદા-જુદા વોર્ડમાં આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે અને શહેરનાં લોકોની આરોગ્ય વિષયક પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, વહીવટી સરળતા ખાતર આરોગ્ય શાખાની રોજબરોજની કામગીરીની દેખરેખ કિર્તન એ.રાઠોડ (નાયબ કલેકટર-મધ્યાહન ભોજન)ને હાલની કામગીરી ઉપરાંત વધારાની કામગીરી તરીકે સુપ્રત કરવાનો હુકમ કરવામાં આવે છે.

વિશેષમાં, આરોગ્ય શાખાની તમામ નાણાકીય બાબતોની વિગતો નાયબ કમિશનર (આરોગ્ય)નાં ધ્યાને મુકવાની રહેશે.ઉક્ત જણાવેલ કામગીરીનું ચુસ્ત સુપરવિઝન નાયબ કમિશનર (આરોગ્ય)એ કરવાનું રહેશે.આ હુકમની અમલવારી તાત્કાલિક અસરથી કરવાની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્ય અધિકારીએ ખરીદીમાં ખેલ પાડ્યો હોવા સહિતની કથિત ફરિયાદો અને આક્ષેપો મામલે વિજિલન્સ તપાસનો આદેશ થાય તેવી પણ શક્યતા હોવાની ચર્ચા જાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application