કોલેજોમાં પ્રથમ સેમેસ્ટર પુરું થઈ ગયા પછી પણ એડમિશન આપવાનું ચાલુ જ

  • November 11, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યભરની તમામ સરકારી યુનિવર્સિટીમાં સેમેસ્ટર એકની ટર્મ પૂરી થઈ ગઈ છે અને આમ છતાં હજુ એડમિશન આપવાની પ્રક્રિયા ચાલુ છે. કોલેજો અને ડિપાર્ટમેન્ટ દ્વારા એડમિશનની પ્રક્રિયા પૂરી થયા પછી એનરોલમેન્ટની પ્રક્રિયા યુનિવર્સિટીઓ દ્વારા હાથ ધરવામાં આવશે અને ત્યાર પછી સેમેસ્ટર એકની પરીક્ષા લઈ શકાય તેવી પરિસ્થિતિ હોવાથી આ વર્ષે સેમેસ્ટર એકની પરીક્ષા મોડી શરૂ થાય અને પાછી ઠેલવામાં આવે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગે ચાલુ શૈક્ષણિક સત્રમાં કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિથી ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ મારફત પોર્ટલના માધ્યમથી એડમિશન આપ્યા હતા. પરંતુ તેમાં મોટાભાગની કોલેજો ખાલી રહેતા છેલ્લે દરેક કોલેજને પોતાની રીતે ઓફલાઈન એડમિશન આપીને પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું. કોલેજોએ સંખ્યાબંધ પ્રમાણમાં ઓફલાઈન એડમિશન આપી દીધા છે. પરંતુ પોર્ટલ પર હજુ તેનું રજીસ્ટ્રેશન થયું ન હોવાથી આવા એડમિશન જયાં સુધી યુનિવર્સિટીના ચોપડે ન ચડે એટલે કે તેનું એનરોલમેન્ટ ન થાય ત્યાં સુધી કાયદેસર ગણાતા નથી. આ પરિસ્થિતિ નિવારવા માટે સરકારે આજથી તારીખ 13 સુધી એટલે કે ત્રણ દિવસ માટે નવેસરથી પોર્ટલ ખોલ્યું છે. સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ કોલેજો, અનુસ્નાતક ભવનો અને માન્ય સંસ્થાના વડાઓ માટે પોતે ઓફલાઈન એડમિશન આપ્યા છે તેનું યુનિવર્સિટીમાં એનરોલમેન્ટ કરાવવા માટે આ છેલ્લી તક છે. ત્યાર પછી પોર્ટલ બંધ કરી દેવામાં આવશે અને જેટલા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં એનરોલમેન્ટ કરાવી શકશે તે પ્રવેશ જ માન્ય ગણવામાં આવશે.
સામાન્ય રીતે પ્રથમ સેમેસ્ટર ની પરીક્ષા મોડામાં મોડી ડિસેમ્બર માસમાં લેવાઈ જતી હોય છે. પરંતુ આ વખતે જાન્યુઆરી માસમાં પણ પરીક્ષા યોજાઈ શકશે કે કેમ તે મોટો સવાલ છે. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સુત્રો જણાવે છે કે ઓફલાઈન એડમિશન પોર્ટલમાં રજીસ્ટર થયા પછી તુરત જ પરીક્ષા લઈ શકાય તે માટે પેપર સેટ કરી દેવામાં આવ્યા છે અને એનરોલમેન્ટની કામગીરી પૂરી થયા પછી પરીક્ષાના શેડ્યુલની જાહેરાત કરવામાં આવશે. જોકે આમ છતાં ડિસેમ્બરમાં પરીક્ષા લેવાનું કોઈ સંજોગોમાં શક્ય જણાતું નથી.
દરમિયાનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એકેડેમી ઓફિસરે તમામ લગ્ન કોલેજોના આચાર્યો, જુદા જુદા ભવનના અધ્યક્ષો અને યુનિવર્સિટી માન્ય સંસ્થાઓના વડાઓને એક પરિપત્ર પાઠવી જણાવ્યું છે કે શૈક્ષણિક વર્ષ 2024 -25 ના અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના જે વિદ્યાર્થીઓને ઓફલાઈન પ્રવેશ આપવામાં આવ્યા છે અને પોર્ટલમાં ફોર્મ ભરવાના રહી ગયા છે તેમના માટે રજીસ્ટ્રેશન કરાવવા આજથી તારીખ 13 સુધી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. હવે પછી એક પણ તક આપવામાં આવશે નહીં.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application