ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પરિણામ જાહેર થયાના 18 દિવસ પછી કાલે માર્કશીટ મળશે

  • May 26, 2025 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 10 ની પરીક્ષાઓ સમયસર લેવામાં આવી હતી અને પરિણામો પણ સમયસર જાહેર કરાયા હતા. પરંતુ પરિણામ જાહેર કર્યા પછી વિદ્યાર્થીઓને માર્કશીટ મળવામાં ભારે વિલંબ થયો છે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓને 18 દિવસ પછી માર્કશીટ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાની સાથે જ કોલેજોમાં એડમિશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ ઓરીજનલ માર્કશીટ ન હોવાના કારણે ગુજરાત કોમન એડમિશન પોર્ટલ પર અરજીઓ સ્વીકારવાનું શક્ય બન્યું ન હતું. તેના કારણે બે દિવસ માટે પોર્ટલ પર રજીસ્ટ્રેશનની મુદત પણ વધારવી પડી હતી. આ ઉપરાંત જ્ઞાતિ જાતિના દાખલા મેળવવામાં પણ લાંબો સમય પસાર થઈ ગયો હતો.

આવી જ રીતે ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ તારીખ 8 મે ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા પરીક્ષાની માર્કેશીટ ગઈકાલે બોર્ડની કચેરીથી રવાના કરવામાં આવી છે અને જિલ્લા શિક્ષણ અધિકારીને આજે તે મળી છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આવી માર્કશીટનું જે તે શાળાઓને વિતરણ કરવામાં આવશે અને ત્યાર પછી આવતીકાલ તારીખ 27 ના રોજ વિદ્યાર્થીઓને માર્કશીટ મળશે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએથી પોતાની શાળાના વિદ્યાર્થીઓની માર્કશીટ મેળવવા માટે જે તે શાળાએ પોતાના કોઈ એક પ્રતિનિધિને અધિકૃત કરીને જિલ્લા શિક્ષણ અધિકારી ઓફિસે આજે મોકલ્યા હતા અને આખો દિવસ આ કામગીરી ચાલુ રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application