દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલ તા.૩૧ મેના રોજ સિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલ યોજાશે

  • May 30, 2025 05:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અગમચેતીના ભાગરૂપે ઇન્ડિયન એરફોર્સ સ્ટેશન, દ્વારકા અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, વાડીનાર ખાતે સાંજે ૦૫ કલાકે મોકડ્રીલનું આયોજન હાથ ધરાશે


રાત્રે ૭.૪૫ થી ૮.૩૦ કલાક દરમિયાન ઇન્ડિયન એરફોર્સ સ્ટેશન, દ્વારકા અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, વાડીનાર ખાતે તંત્ર દ્વારા બ્લેકઆઉટ કરાશે.


ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગત તા. ૭ મે, ૨૦૨૫ના રોજ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રીલ) હાથ ધરવામાં આવી હતી. જેના આધારે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે.

 

ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત "ઓપરેશન શિલ્ડ"નું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે.


ભારત સરકારના આદેશ મુજબ ગુજરાતમાં પણ આવતીકાલ તા.૩૧ મેના રોજ સાંજે ૦૫ કલાકે ફરી એક વાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે.જેના ભાગરૂપે એરફોર્સ સ્ટેશન દ્વારકા અને કોસ્ટ ગાર્ડ વાડીનાર ખાતે પણ આ મોકડ્રિલ યોજવાનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયું છે. ઉપરાંત એરફોર્સ સ્ટેશન દ્વારકા અને કોસ્ટ ગાર્ડ વાડીનાર ખાતે જ આવતીકાલ તા.૩૧મેના રોજ રાત્રે ૭.૪૫ થી ૮.૩૦ કલાક દરમિયાન બ્લેકઆઉટ શરૂ થવાના સમયે લાંબુ સાયરન અને પૂર્ણ થવા સમયે ટૂંકું સાયરન વગાડવામાં આવશે. 
​​​​​​​

આ મોકડ્રીલ દરમ્યાન નાગરિક સંરક્ષણ દળમાં નવા નોંધાયેલા સ્વયંસેવકો, એનસીસી કેડેટ, હોમગાર્ડ સહિતના જોડાશે. તેમજ દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે જિલ્લામાં આ મોકડ્રીલનું આયોજન થશે. જેમાં જિલ્લાના નાગરિકોને સહયોગ આપવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application