અમદાવાદથી ભીલવાડા જતી બસ ડ્રાઈવરને ઝોકું આવી જતાં પલટી મારી ગઈ: ત્રણના મોત

  • May 24, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
અમદાવાદથી ભીલવાડા જતી એક ખાનગી બસ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં પલટી મારી જતાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં બેની હાલત અત્યંત ગંભીર છે. આ દુર્ઘટના કાંકરોલીમાં સ્થિત ભાવા બસ સ્ટેન્ડ નજીક બની હતી. ડ્રાઈવરને ઝોકું આવી જતાં બસ બેકાબૂ બની હતી અને અચાનક પલટી મારી ગઈ હતી.


આજે વહેલી સવારે 8.30 વાગ્યે રાજસમંદના કાંકરોલીમાં આ અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં બેની હાલત અત્યંત ગંભીર બનતાં ઉદયપુર ખસેડવામાં આવ્યા હતા. અન્ય ઘાયલોની સારવાર ચાલી રહી છે. સ્થાનિક પોલીસ અને પ્રશાસને ત્વરિત બચાવ કામગીરી શરૂ કરી હતી. મૃતકોની ઓળખ હજી થઈ નથી. ઘણા ઈજાગ્રસ્તોને ગંભીર ઈજા થતાં મોતનો આંકડો વધવાની આશંકા છે. પોલીસે ખાનગી બસ કંપની અને ડ્રાઈવર વિરૂદ્ધ બેદરકારીનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉબડ-ખાબડવાળો રસ્તો અને ડ્રાઈવરની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા પ્રમાણે, બસ પૂરપાટ ઝડપે જઈ રહી હતી. ત્યાં અચાનક બસ ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં બસ રસ્તા પરથી ઊતરી પલટી ખાઈ ખાડામાં પડી ગઈ હતી. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો અને પોલીસે તુરંત બચાવ કામગીરી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application