જામનગર જિલ્લામાં ન.પા.ની ચૂંટણી મતદાન પૂર્વે ભાજપે સાતને કર્યા સસ્પેન્ડ

  • February 11, 2025 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓના મતદાનની આડે ગણતરીના ચાર દિવસ બાકી છે ત્યારે ભાજપ દ્વારા ત્રણ તાલુકામાં ન.પા.ની ચૂંટણીના મતદાન પૂર્વે એક મહીલા સહિત સાતને સસ્પેન્ડ કરી દેતા ઠંડા માહોલમાં ગરમાગરમ ચર્ચાઓ શરૂ થઇ છે, વર્તમાન ચૂંટણીમાં ભાજપની સામે ઉમેદવારી કરવા બદલ આ પગલા લેવામાં આવ્યા હોવાનું જાહેર કરાયું છે. 

જિલ્લા ભાજપ અઘ્યક્ષ રમેશભાઇ મુંગરા દ્વારા કાલાવડ નગરપાલીકાના પૂર્વ કોર્પોરેટર હરીશચંદ્રસિંહ જાડેજા, જામજોધપુર યાર્ડના રાજુભાઇ કાલરીયા, જામજોધપુર મહીલા મોરચાના પ્રમુખ ચંદ્રીકાબેન ખાંટ, વિરાભાઇ કટારા, જિલ્લા આર્થિક સેલના સહ ક્ધવીનર હીતેશ ભોજાણી, ધ્રોલના કાર્યકર્તા ચંદ્રકાંતભાઇ વલેરા, અનુ.જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ લાલજીભાઇ વિંઝુડાને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 

પત્રમાં એવું લખાયું છે કે, જામજોધપુર, કાલાવડ, ધ્રોલ નગરપાલીકાની સામાન્ય ચૂંટણી દરમ્યાન પક્ષના આદેશની વિરૂઘ્ધ જઇ પાર્ટીના અધિકૃત ઉમેદવાર સામે આ તમામ દ્વારા ઉમેદવારી કરવામાં આવી છે, તેથી પ્રદેશ સંગઠનની સુચના અનુસાર આકરા પગલા લઇને તમામ કાર્યકરોને આગામી છ વર્ષ માટે પક્ષના પ્રાથમીક સભ્ય સહિત તમામ હોદાઓ પરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. 

ભાજપ દ્વારા બળવો કરનારાઓ સામે આકરા પગલા લેવામાં આવ્યા છે અને એ રીતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં એવો સંદેશ આપવાનો પ્રયત્ન કરાયો છે કે, જો કોઇપણ નગરપાલીકામાં કોઇના પણ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરવામાં આવશે તો તે તમામ સામે આકરા પગલા લેવામાં આવશે. 

બીજી બાજુ નગરપાલીકાની ચુંટણીઓમાં પ્રચાર, પ્રસાર પરાકાષ્ટાએ પહોંચ્યો છે અને જામનગર શહેરમાંથી પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા રાજકીય પક્ષના હોદેદારો ચૂંટણી પ્રચારાર્થે ગામડા ખુંદી રહ્યા છે, આમ તો સલાયા સિવાયની પાંચ નગરપાલીકાઓ પર પરીણામ એક તરફી દેખાઇ રહ્યું છે, આમ છતાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ટકકર હોવાથી થોડી ચર્ચા રહેશે જ.
​​​​​​​
જો કે દિલ્હીનું પરીણામ જોઇએ તો જે રીતે કોંગ્રેસ દ્વારા ભલે એક પણ બેઠક મેળવવામાં ન આવી પરંતુ આમ આદમી પાર્ટીની ૨૦ બેઠકો કોંગ્રેસના કારણે ગઇ હોવાની જે વાતો થઇ રહી છે તેના પરથી એવું સમજાય છે કે, જો અહીં પણ એ જ પેટર્નથી મતદાન થયું તો આમ આદમી પાર્ટીના મત કોંગ્રેસને નુકશાન પહોંચાડી શકે છે અને એ જ રીતે સલાયામાં કે જે કોંગ્રેસનો ગઢ ગણાય, ત્યાં આમ આદમી પાર્ટી ઉપરાંત ઔવેસીની પાર્ટી કોંગ્રેસ માટે નુકશાનકારક સાબીત થઇ શકે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application