રાજકોટના લાખો શહેરીજનો જેનો આતુરતાથી ઇન્તઝાર કરી રહ્યા હતા તે અટલ સરોવર અંતે આજે સાંજે ચાર વાગ્યાથી જાહેર જનતા માટે ખુલું મુકવામાં આવનાર છે અને સાંજે સાત વાગ્યે લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવનાર છે. લોકસભા ચૂંટણીની આચારસંહિતાને ધ્યાને લઇને મહાપાલિકા દ્વારા ડાયસ ફંક્શન કે ભવ્ય ઉદઘાટન સમારોહ જેવું કોઇ જ આયોજન કરાયું નથી. અગાઉ બોટિંગ, ચકડોળ, ટોય ટ્રેન સહિતની અનેક રાઈડ્સની જાહેરાત કરાઇ હતી પરંતુ હાલના તબક્કે તે શરૂ કરી શકાઇ નથી. રાઇડ્સ શરૂ થતાં હજુ એકાદ-બે મહિના વિતી જશે. આમ છતાં એન્ટ્રી ફી વસુલવાનું શરૂ કરી દેવાશે જેમાં પુખ્ત વયના નાગરિકોની એન્ટ્રી ટિકિટ ફી રૂ.25 અને બાળકોની એન્ટ્રી ટિકિટ ફી રૂ.10 રહેશે.
કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 2,93,457 ચોરસ મીટર જમીન વિસ્તારમાં અટલ સરોવર અને એમ્યુઝમેન્ટ પાર્કનું રૂ.136 કરોડના ખર્ચે નિમર્ણિ કરાયું છે. આ પ્રોજેક્ટનું લોકાર્પણ અગાઉ તા.7 માર્ચના રોજ મુખ્યમંત્રીના હસ્તે થઇ ગયું છે પરંતુ તત્કાલિન સમયે અમુક કામ બાકી રહ્યા હોય નાગરિકો માટે તા.1-મે ગુજરાત સ્થાપ્ના દિવસથી ખુલું મુકવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, જે મુજબ આજે સાંજે ચાર વાગ્યાથી અટલ સરોવર જાહેર જનતા માટે ખુલું મુકાનાર છે અને સાંજે સાત કલાકે લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. અટલ સરોવર આજે નાગરિકો માટે ખુલું મુકાયુ છે પરંતુ એમ્યુઝમેન્ટ પાર્કનું હજુ નક્કી નથી ! કારણ કે એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડ્સના અનેક કામ અધૂરા છે તો અમુક કામ હજુ શરૂ પણ થયા નથી. બોન્સાઇ પાર્ક, પોન્ડ ગાર્ડન, હીલ ગાર્ડન, સુપર ટ્રી, ટોય ટ્રેન સહિતના અનેક કામ અધુરા છે. એકંદરે એવું થશે કે લાખો રાજકોટવાસીઓ જે પ્રોજેક્ટ ખુલો મુકાવાની રાહ જોઇ રહ્યા છે તે પ્રોજેક્ટ ખુલો તો મુકાય ગયો છે પરંતુ નાગરિકો ત્યાં જઇને મનોરંજિત ન થઇ શકે તેવું બનવા સંભવ છે.
અટલ સરોવર પ્રોજેક્ટનો વર્ક ઓર્ડર તા.7-11-2019 ના રોજ આપવામાં આવ્યો હતો અને આ પ્રોજેક્ટરનું ખાતમુહૂર્ત તા. 9-11-2019 ના રોજ કરાયું હતું એકંદરે પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ આજે તા.1-5-2024 ના રોજ જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે જોકે હજુ ઘણું કામ બાકી રહે છે એમ્યુઝમેન્ટ પાર્ક અને રાઇડ્સ શરૂ થતા હજુ કદાચ જન્માષ્ટમી આવી જાય તો નવાઇ નથી.
આટલી સુવિધા શરૂ થવાની હતી
- ગાર્ડન
- સ્પેશ્યલ ચિલ્ડ્રન ગાર્ડન
- ફેરિસ વ્હીલ ( ચકડોળનો લોડ ટેસ્ટ, મંજૂરીઓ હજુ બાકી)
- બોટિંગ (નવી ગાઇડલાઈન મુજબની મંજૂરી મળી નથી)
- ટોય ટ્રેન (ઇલેક્ટ્રિક એન્જીનની ટ્રેનની શરત પૂર્ણ થઇ નથી)
- વોકવે, સાઇકલ ટ્રેક, પાર્કિંગ એરિયા
- બે એમ્ફીથીયેટર (આજ સુધી શ થયા નથી)
- એન્ટ્રન્સ પ્લાઝા, લેન્ડસ્કેપિંગ
- પાર્ટી પ્લોટ, બે ફૂડ કોર્ટ, શોપિંગ સેન્ટર શોપ્સ (હજુ શરૂ થયા નથી)
- ફ્લેગ માસ્ટ 70 તથા 40 મીટર ઉંચા (પોલ બન્યા ધ્વજ નથી)
- લાઇટ એન્ડ સાઉન્ડ શો (આજથી શરૂ)
અટલ સરોવરને ખુલ્લું મુકવાની જાહેરાતથી આચારસંહિતાનો ભંગ
અટલ સરોવર ખુલ્લુ મુકવાની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈકાલે કરવામાં આવેલી જાહેરાત આચાર સહિતાનો ખુલ્લો ભંગ સમાન છે અને મતદારોને આકર્ષવા માટે શાસક પક્ષ ભાજપ્નો પ્રચાર પસાર થાય તે માટે કરાયો હોવાનો આક્ષેપ કરી રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ આ સંદર્ભે ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે.
જિલ્લા કલેકટર અને હોદ્દાની રુએ જિલ્લા ચૂંટણી અધિકારીને શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આ પ્રોજેક્ટનું લોકાર્પણ અગાઉ મુખ્યમંત્રી કરી ચૂક્યા છે અને ત્યારે જ તેમણે તારીખ 1 મેથી અટલ સરોવર લોકો માટે ખુલ્લુ મુકાશે તેવી જાહેરાત કરી હતી ત્યારે જરૂર ન હોવા છતાં બીજી વખત આવી જાહેરાત કરીને આચાર સહિતા ભંગ કર્યો છે.
તારીખ 1 મેથી અટલ સરોવર જાહેર જનતા માટે ખુલ્લું મુકાઈ રહ્યું છે ત્યારે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ફોટોગ્રાફરો વગેરેને લઈ જવાનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. આ માટે નાયબ મ્યુનિસિપલ કમિશનરના ઈમેલ આઇડીમાંથી મોકલાયેલ આમંત્રણની નકલ પણ અતુલભાઇ રાજાણીએ પોતાની ફરિયાદ સાથે જોડી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાણીએ આચાર સહિતા ભંગની પોતાની આ ફરિયાદની નકલો દિલ્હીમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને મોકલી છે સાથો સાથ કોંગ્રેસના ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પણ મોકલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech