ખંભાળિયા શહેર ભવિષ્યમાં મેટ્રો સિટીની જેમ વિકસી શકે છે: સલાયા પાલિકાની પણ મુલાકાત લીધી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તથા સલાયા નગરપાલિકાની આકસ્મિક મુલાકાતે ગઈકાલે બુધવારે પ્રાદેશિક નગરપાલિકા નિયામક મહેશભાઈ જાનીનું આગમન થયું હતું. ખંભાળિયા નગરપાલિકાના દરેક વિભાગના વડા સાથે નિયામક દ્વારા ખાસ ચર્ચા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે તેમના વિભાગની કામગીરીનો રીવ્યુ પણ નિયામક દ્વારા લેવામાં આવ્યો હતો. હાલ ચાલી રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત તમામ કર્મચારીઓ સાથે તેમણે પ્રતિજ્ઞા પણ લીધી હતી.
ખંભાળિયા નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા ત્રણેક વર્ષ દરમિયાન થયેલા વિવિધ પ્રકારના વિકાસ કાર્યોની સ્થળ મુલાકાત નિયામક દ્વારા લેવામાં આવી હતી. જેમાં ટાઉનહોલ, ઓડિટોરિયમ, ફિલ્ટર પ્લાન્ટ, હેરિટેજ ગેઈટ, રોડ-રસ્તા, ફાયર સ્ટેશન વિગેરે સ્થળોએ તેમણે રૂબરૂ જઈને કામગીરી અંગેની સમીક્ષા કરી હતી.
જુદા જુદા વિસ્તારોની સ્થળ મુલાકાત
ખંભાળિયા નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં રિવરફ્રન્ટ માટે રૂપિયા 40 કરોડ, ભૂગર્ભ ગટર માટે રૂપિયા 32 કરોડ, તથા અન્ય વિકાસ કાર્યો માટે પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ સાથે કેન્દ્ર તથા રાજ્ય સરકારની મદદથી શહેરમાં પ્રવેશવાના માર્ગો પરના ઓવર બ્રિજ તથા અંડર બ્રિજ, શહેરના પાદરમાં આવેલા ખામનાથ પુલ, વિગેરેના ભાવિ આયોજનને અનુલક્ષીને તેમણે સ્થળ મુલાકાત લીધી હતી.
તેમની સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ, ઈજનેર એન.આર. નંદાણીયા વિગેરે પણ જોડાયા હતા. પ્રાદેશિક નિયામક દ્વારા ફાયર સ્ટેશનની મુલાકાત દરમિયાન ફાયર અધિકારી તથા કર્મચારીઓને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાજેતરના ચોમાસા દરમિયાન ખંભાળિયા પંથકમાં ભારે વરસાદના કારણે પાણી પુરવઠા વિતરણ બંધ થઈ જતા નગરપાલિકાએ કરેલી ઈમરજન્સી કામગીરી તથા ફૂલવાડી વોટર વકર્સ, ઘી નદી, ખામનાથ રિવર ફ્રન્ટ તથા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ તેમણે મુલાકાત લીધી હતી.
મેટ્રો સીટી કેવો થઈ શકે છે ખંભાળિયાનો વિકાસ
ખંભાળિયા નગરપાલિકાની ગઈકાલની આ મુલાકાત સંદર્ભે નિયામક મહેશભાઈ જાનીએ જણાવ્યું હતું કે ખંભાળિયા શહેર જિલ્લા કક્ષાનું મુખ્ય મથક છે. હાલ રાજ્ય સરકાર દ્વારા શહેર માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. જેના ઉપયોગ વડે ખંભાળિયા આગામી સમયમાં અમદાવાદ તેમજ સુરતની જેમ વિવિધ સવલતો વાળું શહેર બની જશે. જે માટે તેમના દ્વારા તમામ પ્રકારની મદદ કરવા પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.
મહત્વના મુદ્દે નિયામક દ્વારા ચર્ચા, માર્ગદર્શન
શહેરના જુદા જુદા વોર્ડમાં તેમના દ્વારા સફાઈ-સ્વચ્છતા અંગે પણ સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. સાથે સાથે નગરપાલિકાની કથળી ગયેલી આર્થિક પરિસ્થિતિ સુધારવા સૂચનો કર્યા હતા તેમજ વર્તમાન સમસ્યાઓ અંગેની જાણકારી પણ મેળવી હતી.
ખંભાળિયા નગરપાલિકાની નબળી આર્થિક પરિસ્થિતિ, વીજબીલ ભરવા માટે લોનની માંગણી, સફાઈ કામદારોના આંદોલનની ચીમકી, નબળી કરવેરા વસુલાત, વિગેરે મુદ્દાઓથી ચર્ચામાં આવેલી ખંભાળિયા નગરપાલિકાના સરપ્રાઈઝ ચેકિંગમાં પ્રાદેશિક નિયામકની મુલાકાત અનેક રીતે માર્ગદર્શક બની રહી હતી.
સલાયા પાલિકાની મુલાકાત લેતા નિયામક
આ પછી તેમણે સલાયા નગરપાલિકા કચેરી તથા બંદરની પણ મુલાકાત લીધી હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે આજથી આશરે બે વર્ષ પૂર્વે પ્રદેશ નગરપાલિકા નિયામક ધીમંત વ્યાસએ પણ આવી રીતે નગરપાલિકાની મુલાકાત લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech