અમિત ખૂંટની પત્નીએ CMને પત્ર લખ્યો, કહ્યું- અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ ફરાર, શક્તિસિંહ ઘર પાસે આવી ડરનો માહોલ ઉભો કરે છે, પોલીસ પ્રોટેક્શન આપો

  • May 16, 2025 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં 3 મેના રોજ મોડેલિંગ કરતી 17 વર્ષીય સગીરાએ અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી. ત્યારબાદ 5 મે, 2025ના રોજ દુષ્કર્મના આરોપી અમિત ખૂંટે રીબડામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પર મરવા મજબૂર કરવાનો આક્ષેપ કર્યો હતો. આ કેસમાં હવે મૃતક અમિત ખૂંટની પત્ની બીના બહેનનો વીડિયો સામે આવ્યો છે, જેમાં કહ્યું છે કે શક્તિસિંહ ભય ફેલાવે છે તેમજ CMને પત્ર લખી આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે.


મૃતકની પત્ની બીનાબેને મુખ્યમંત્રીને પત્ર લખીને ન્યાયની માગ કરી

મૃતક અમિતની પત્ની બીનાબેને મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે મારા પતિ સ્વ.અમિત ખૂંટના આરોપીઓ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાને તાત્કાલિક પકડવામાં આવે તથા અમારા પરિવારને રક્ષણ આપવામાં આવે.


મુખ્યમંત્રીને લખેલા પત્રમાં શું લખ્યું છે?

જણાવવાનું કે, મારા પતિ સ્વ.અમિતભાઈ દામજીભાઈ ખુંટ તા:૦૫/૦૫/૨૦૨૫ના રોજ મૃત્યુ પામેલ હોય જેના મોતના મુખ્ય આરોપી (૧) અનિરુદ્ધસિંહ જાડેજા તથા આરોપી (૨)-રાજદીપસિંહ જાડેજા જે પોલીસ પકડથી દૂર હોય જે આજદિન સુધી પકડાયા ન હોય જેમાં પોલીસ ફરિયાદ થયા બાદ પણ આરોપી મીડિયા સમક્ષ ખોટા પાયા વિહોણા નિવેદન આપતા હોય. તેમજ આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા શક્તિસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા તથા તેમના મળતિયાઓ દ્વારા અમારા ઘર પાસેથી નીકળીને ભયનો માહોલ ઊભો કરતાં હોય અમારા પરિવારને ડરાવતા ધમકાવતા હોય જેથી અમારો પરિવાર ભયના ઓથાર નીચે જીવતો હોય જેથી આપ સાહેબને વિનંતી છે કે આવા મોટા માથાના કુખ્યાત ગેંગસ્ટર આરોપી આરોપી (૧), રાજદીપસિંહ જાડેજાના તથા તેમના સગાભાઈ શક્તિસિંહ જાડેજાના હથિયાર પરવાના તાત્કાલિક રદ કરવામાં આવે. તેમજ પરિવારના રક્ષણ માટે સરકારી ખર્ચે અમારા પરિવારને તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન ફાળવવા આપ સાહેબ સમક્ષ નમ્ર પણે અરજ કરીએ છીએ. અમારા પરિવાર પર ફરિયાદ સંબંધી ટૉર્ચર/હેરાન પરેશાન કરવામાં આવે તેવી તેમજ અમારા પરિવાર પર હુમલો થવાની પૂરે પૂરી દહેશત હોય જે હકિકત આપ સાહેબ સમક્ષ રજૂ રાખીએ છીએ. જે હકિકત ધ્યાને લઈને તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન તેમજ કુખ્યાત ગેંગસ્ટર આરોપી (૧). અનિરુદ્ધસિંહ જાડેજા તથા આરોપી (૨), રાજદીપસિંહ જાડેજાને તાત્કાલિક પકડવામાં આવે તેવી અંતમાં આપ સાહેબ સમક્ષ અમારો પરિવાર વિનંતી કરીએ છીએ.


અમારું આખું ગામ ખાલી થઈ ગયું,

મૃતક અમિત ખૂંટનાં પત્ની બીનાબેને જણાવ્યું હતું કે, આ લોકોનો ગામમાં અતિશય ત્રાસ છે. તમે ગામમાં કોઇને તેમના વિશે પૂછશો તો કોઇ કાંઇ કહેશે નહીં કે આનો ત્રાસ છે એમ. એટલા બધા એનાથી બી-બી (ડરી-ડરી)ને જિંદગી જીવે છે. અમારું આખું ગામ ખાલી થઈ ગયું, એના ત્રાસથી. તમે નાના છોકરાને પૂછશો તો તેમને પણ ડર લાગે છે. તમે લોકો તેના માટે કોઇ એક્શન લો અને આ લોકોને હવે પૂરા કરો, એ માટે અમે તમને અપીલ કરીએ છીએ.


તમે એ લોકોને જેલ ભેગા કરો, ફાંસીની સજા આપો

બીનાબેને આગળ કહ્યું, તમે એ લોકોને જેલ ભેગા કરો, ફાંસીની સજા આપો, સાથે જ એ લોકોનાં ઘરમાં જેટલા પણ લોકો પાસે હથિયાર છે એ બધાં જપ્ત કરો અને એને રદ કરાવો. અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા એ બધા હજુ ફરાર છે. કોઇ હજુ પોલીસ પકડમાં આવ્યા નથી. તમે બધા શું કરો છો, અત્યારસુધી કે તેમને હજુ સુધી પકડી શક્યા નથી. આ બંનેની તાત્કાલિક ધરપકડ કરી તેમને ફાંસીની સજા આપો ત્યારે જ મારા પતિને ન્યાય મળશે અને તેના જીવને સદગતિ મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application