યુદ્ધ ખતમ કરવાના યુક્રેનના ઠરાવ પર અમેરિકા રશિયાની તરફેણમાં

  • February 25, 2025 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુક્રેન યુદ્ધ અંગે સંયુક્ત રાષ્ટ્રમાં યુક્રેન દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ પર અમેરિકાએ રશિયાનો સાથ આપીને વિશ્વને ચોંકાવી દીધું હતું. ત્રણ વર્ષ પહેલાં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી આ પહેલી વાર હતું જ્યારે અમેરિકાએ યુક્રેન દ્વારા યુએનમાં રજૂ કરાયેલા ડ્રાફ્ટની વિરુદ્ધમાં મતદાન કર્યું હોય.સામાન્ય રીતે અમેરિકા યુરોપ અને યુક્રેનની તરફેણમાં મતદાન કરતુ આવ્યું છે. આ ઠરાવમાં રશિયાને આક્રમણ માટે સીધું જવાબદાર ઠેરવીને લશ્કર પાછું ખેંચી લેવા, દુશ્મનાવટ બંધ કરવા અને યુક્રેન સામેના યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવાનો પ્રસ્તાવ મુકાયો છે. યુરોપિયન દેશો અને જી-7 (અમેરિકા સિવાય) એ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું, ભારત અને ચીને આ મતદાનમાં ભાગ લીધો ન હતો.


યુએનમાં રજૂ કરાયેલા ઠરાવના પક્ષમાં 93 દેશોએ મતદાન કર્યું, જેમાં જર્મની, બ્રિટન, ફ્રાન્સ અને જી-7 (અમેરિકા સિવાય) જેવા મુખ્ય દેશોનો સમાવેશ થતો હતો. રશિયા, અમેરિકા, ઇઝરાયલ અને હંગેરી સહિત ૧૮ દેશોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું. ભારત, ચીન અને બ્રાઝિલ સહિત 65 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. નોંધનીય છે કે છેલ્લા 3 વર્ષમાં, અમેરિકાએ હંમેશા રશિયા-યુક્રેન યુદ્ધ અંગે યુરોપિયન દેશો સાથે મતદાન કર્યું છે. આ પહેલી વાર છે જ્યારે તેણે અલગ રસ્તો પસંદ કર્યો છે. અમેરિકામાં આ પરિવર્તન યુરોપિયન પક્ષથી વિદાય દર્શાવે છે. તે યુએસ નીતિમાં પણ મોટો ફેરફાર દર્શાવે છે.


ઠરાવ પસાર થયા પછી, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ તેને મંજૂરી આપી. તે યુક્રેન પર આક્રમણના ત્રણ વર્ષ પૂર્ણ થતાં, યુક્રેનમાંથી તમામ રશિયન સૈનિકોને તાત્કાલિક પાછા ખેંચવાની પણ હાકલ કરે છે. ૧૯૩ સભ્યોની વિશ્વ સંસ્થાના કુલ ૯૩ સભ્યોએ તેના પક્ષમાં મતદાન કર્યું જ્યારે ૧૮ સભ્યોએ તેનો વિરોધ કર્યો. ભારત સહિત 65 સભ્યો મતદાનમાં ગેરહાજર રહ્યા. આ સંસ્થાના પ્રસ્તાવો કાયદેસર રીતે બંધનકર્તા નથી, પરંતુ તેને વિશ્વના જાહેર અભિપ્રાયનું સૂચક માનવામાં આવે છે. અગાઉના ઠરાવોમાં ૧૪૦ થી વધુ દેશોએ રશિયાના આક્રમણની નિંદા કરી હતી. ચાર યુક્રેનિયન પ્રદેશો પરનો પોતાનો કબજો દૂર કરવાની માંગણીઓ કરવામાં આવી રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application