એરપોર્ટના ટેક્સી કોન્ટ્રાકટના ડ્રાઈવર અને બે મહિલાઓનો ત્રાસ: એસો.સભ્યો દ્વારા સીપીને રજૂઆત

  • May 16, 2025 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હીરાસર એરપોર્ટ ખાતે પેસેન્જર ભરવા બાબતે અનેક વખત ટેક્સી ડ્રાઈવરો વચ્ચે માથાકૂટ થતી હોવાનું સામે આવ્યું છે ત્યારે વધુ એક વખત એરપોર્ટમાં કોન્ટ્રાકટ ધરાવતી ખાનગી કંપનીના ટેક્સી ડ્રાઈવર અને અન્ય ટેક્સી ડ્રાઈવર વચ્ચેની બબાલ સામે આવી છે. એરપોર્ટમાં ટેક્સીનો કોન્ટ્રાકટ ધરાવતી બઝ વે કંપનીના ડ્રાયવર વિક્રમસિંહ ઉપરાંત બામણબોરના સકુંતલાબેન અને પરમીલાબેન રાયજાદાના નામ સાથે ખાનગી ટેક્સી ચાલક જયદીપ અસવારે એસોસિએશનના કેટલાક ડ્રાઇવરોને સાથે રાખી પોલીસ કમિશનરને અરજી આપી છે. જેમાં જણાવ્યું છે કે, હીરાસર એરપોર્ટ ખાતેથી પેસેન્જર ભરવા બાબતે વિક્રમસિંહ અવાર નવાર અમારા ખાનગી ટેક્સી ડ્રાયવર એસો.ના સભ્યો સાથે ગાળાગાળી કરી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે તેમજ અવાવરું સ્થળે લાકડી, ધોકા, પાઇપ લઈને મારવા દોડે છે. એકાદ વર્ષ પૂર્વે સકુંતલાબેન અને પરમીલાબેન રાજાયદા નામની મહિલાએ અમને લાલચ આપી હતી કે, તમને હીરાસર એરપોર્ટ ખાતે સ્વતંત્ર ટેબલ અપાવી દઈશું જેથી તમે ટેક્સી ડ્રાયવર એસો.ના સભ્યો સરળતાથી ધંધો કરી શકશો. જેના બદલામાં પૈસા દેવા પડશે તેવું જણાવતા અમે ટેક્સી ડ્રાયવર એસો. છેલ્લા આઠેક માસથી દર મહિને રૂ. 20 હજાર બંનેને ચૂકવતા હતા પણ છ માસમાં ટેબલ અપાવી દેવાનો વાયદો પૂર્ણ નહિ થતાં અમે પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. જેથી બંને મહિલાઓ વિક્રમસિંહ સાથે મળી અમને ધાક ધમકીઓ આપતાં હતા. ઉલ્લેખનીય છે કે, બંને મહિલાઓને એરપોર્ટ સાથે કોઈ લેવા દેવા ન હોય ફક્ત આ પ્રકારે જ વચેટિયાની ભૂમિકામાં આવી પૈસા પડાવે છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરાંત એરપોર્ટ પોલીસની કાર્યવાહીને પણ શંકાના દાયરામાં જણાવી યુવકે બંને મહિલાઓ સહીત ત્રણેય શખ્સોં વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નરને કરેલી રજુઆતમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application