જામનગરમાં ચાર વર્ષ પહેલા એક સગીરા સાથે દુષ્કર્મ આચારવાના કેસમાં અદાલતે આરોપીને દસ વર્ષની સજાનો હુકમ કર્યો છે.
સને-૨૦૨૧ માં પોલીસ માં એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આરોપી ધનંજય ઉર્ફે ધનો ઉર્ફે ધર્મેશ અમૃતલાલ જોશી ભોગબનનાર સગીરા ના ઘર ની બાજુ માં ભાડા ના મકાનમા રહેતો હતો. અને ભોગબનનાર આરોપી ના ઘરે રમવા જતી ત્યારે ભોગબનનાર ની સગીર વય ની અવસ્થા નો લાભ લઈ, તેની મરજી વિરૂધ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી, બળાત્કાર ગુજારી, ભોગબનનાર નું શારીરિક શોષણ કર્યા અંગે ની ફરીયાદ સીટી એ ડીવી. પો.સ્ટે.માં નોંધાયેલ હતી. જે ફરીયાદના આધારે પોલીસ ધ્વારા ગુના ની તપાસ કરી આરોપી વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ તથા પોકસો એકટ ની કલમ મુજબ નો ગુનો નોંધી પોલીસે આરોપી ની ધરપકડ કરી હતી.
જે કેસ જામનગર ની સ્પે. પોકસો અદાલત માં ચાલી જતા ભોગબનનાર, ફરીયાદી, મેડીકલ ઓફીસર ની જુબાની તથા સરકાર પક્ષે રજુ કરવામાં આવેલ ૩૦ જેટલા દસ્તાવેજી પુરાવાઓ, તેમજ સરકાર પક્ષે મુખ્ય જીલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરી એ અદાલત સમક્ષ ધારદાર દલીલ કરતાં જણાવેલ કે, આરોપી સામે સગીર વયની બાળા સાથે બદકામ, તેમજ દુષ્કર્મ કરવા અંગેનો ગુનો છે, તેમજ સમાજ માં દિન-પ્રતિદિન આ પ્રકાર ના વધતા જતાં ગુનાઓ ને કારણે સગીર વય ની બાળા ઓ ઉપર આવા દુષ્કૃત્યથી જીવન પર્યંત માનસિક અસર પડે છે. આરોપી સામે પ્રથમદર્શનીય કેસ હોય આથી આવા સંજોગોમાં સગીર બાળા ઉપર થયેલ દુષ્કર્મના ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સમાજમાં દાખલો બેસે તેથી આરોપીને મહતમ સજા અને દંડનો હુકમ કરવો જોઈએ. જે મુજબ જામનગરની સ્પે. પોકસો અદાલતના ન્યાયાધીશ વી.પી.અગ્રવાલ એ બંને પક્ષો ની દલીલો સાંભળ્યા બાદ ઉપરોકત હકીકતો ઘ્યાને લઈ આરોપીને તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષ ની સખત કેદની સજા તથા રૂા. ૧૦,૦૦૦ ના દંડ નો હુકમ કર્યો છે .તેમજ ભોગબનનાર ને વિકટીમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર પેટે રૂા. ૨,૦૦,૦૦૦ ચુકવવા નો પણ હુકમ કરેલ છે.
આ કેસની વિશેષતા એવી છે કે, ભોગબનનાર પોતાના પરિવારથી કંટાળી જઈને ટ્રેનમાં બેસી અમદાવાદ થી સુરત જતી ટ્રેનમાં નવસારી પોતાની બહેનના ઘરે જતા વડોદરા નજીક ટ્રેનમાંથી કુદી આત્મહત્યા કરવા જતા એક સેવાભાવી વ્યક્તિએ તેમને બચાવી અને શા માટે આત્મહત્યા કરવી છે ? તે અંગે ની સઘળી હકીકતો જાણી અને આ સેવાભાવી વ્યક્તિએ તેણીને જામનગર પોલીસ સ્ટેશને લઈ જઈ આરોપી વિરૂધ્ધ ફરીયાદ કરાવેલ. આમ, આ સેવાભાવી વ્યકિતએ આ ગુનાના કામે ખુબ જ ઉમદા કામગીરી બજાવેલ હતી. આ કેસમાં સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરી રોકાયા હતા.