રાજકોટમાં આવાસના કવાર્ટરમાં રૂ.૧૮ હજારમાં ગર્ભ પરિક્ષણ, ૨૦ હજારમાં ગર્ભપાતનું કારસ્તાન ચાલતુ હતું

  • April 07, 2025 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ગેરકાયદે ગર્ભ પરિક્ષણના ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો છે.શહેરના મવડી વિસ્તારમાં સિતાજી ટાઉનશીપના કવાર્ટરમાં મહિલા ગેકરાયદે ગર્ભ પરિક્ષણ કરી આપતી હોવાની માહિતી મળ્યા બાદ એસઓજીની ટીમે સર્ગભા મહિલા કોન્સ્ટબેલને ડમી ગ્રાહક તરીકે મોકલી આ કારસ્તાન ઉઘાડુ પાડયુ હતું. આ મહિલા રૂ. ૧૮ હજારમાં ગેરકાયદે ગર્ભા પરિક્ષણ અને રૂ. ૨૦ હજારમાં ગર્ભપાત કરાવી આપતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે અહીંથી મહિલાને ઝડપી લઇ રૂ.૪ લાખની કિંમતનું સોનાગ્રાફી મશીન સહિત રૂ.૪.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ મહિલા સરોજબેન વિનોદભાઈ ડોડિયા (ઉ.વ.૪૦, રહે. રઘુવીર સોસાયટી શેરી નં.૪, સહકાર મેઈન રોડ) એ નર્સિંગનો કોર્સ કર્યો છે. જેને ર૦ર૧ની સાલમાં એસઓજીએ જ ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરતાં ઝડપી લીધી હતી. હાલ મહીલા સામે મનપાના આરોગ્ય અધિકારીની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પી.સી એન્ડ પી એન પી.ટી. એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


બે મહિલા કોન્સ્ટેબલને ડમી ગ્રાહક તરીકે તૈયાર કરાઈ હતી

જાણવા મળતી વિગતો મુબજ,એસઓજીના પીઆઇ એસ.એમ. જાડેજાની રાહબરી હેઠળ ટીમ તપાસમાં હતી. દરમિયાન હેડ ન્સ. જયદીપસિંહ ચૌહાણ અને કોન્સ. અનોપસિંહ ઝાલાને એવી માહિતી મળી હતી કે અગાઉ ગેરકાયદે ગર્ભ પરિક્ષણમાં ઝડપાયેલી મહિલાએ ફરી આ ગોરખધંધા શરૂ કર્યાની માહિતી મળી હતી. જેના આધારે છેલ્લા એકાદ માસથી એસઓજીની ટીમ તેની ખરાઈ કરી રહી હતી. આખરે ખાતરી થતાં જ બે મહિલા કોન્સ્ટેબલને ડમી ગ્રાહક તરીકે તૈયાર કરાઈ હતી.


ગર્ભપાત કરાવી અપાવવાના રૂા.ર૦ હજાર કહ્યા 

આ બંને મહિલા કોન્સ્ટેબલમાંથી એક ખરેખર હાલ સર્ગભા છે, જયારે બીજી મહિલા કોન્સ્ટેબલે તેની બહેનનો સ્વાંગ રચ્યો હતો. નક્કી થયા મુજબ બંને મહિલા કોન્સ્ટેબલ મવડી નજીકના ૮૦ ફૂટના રોડ પર આવેલા આરએમસીના કવાર્ટરમાં પહોંચી હતી. આ કવાર્ટરમાં જ સરોજબેન ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરી આપતાં હતા. જો કે અગાઉ પકડાઈ ગયા હોવાથી સરોજબેન હવે તકેદારી રાખતા હતા.જેના ભાગરૂપે તેણે બંને મહિલા કોન્સ્ટેબલની કયા સ્થળેથી આવ્યા છો, કોણે રેફરન્સ આપ્યો સહિતની રજે-રજની માહિતી મેળવી ખાત્રી કર્યા બાદ ગેરકાયદે ગર્ભ પરિક્ષણના રૂા.૧૮ હજાર અને જો દિકરી હોય તો ગર્ભપાત કરાવી અપાવવાના રૂા.ર૦ હજાર કહ્યા હતા.


તેણે સર્ગભા મહિલા કોન્સ્ટેબલને તપાસ કરી ત્રણ માસનો ગર્ભ હોવાનું પણ કહ્યું હતું. ખાત્રી થઈ ગયા બાદ બંને મહિલા કોન્સ્ટેબલે એસઓજીની ટીમને જાણ કરતાં સરોજને ઝડપી લેવાઇ હતી.


એસઓજીએ સ્થળ પરથી રૂા.૪ લાખની કિંમતનું સોનોગ્રાફી મશીન, ગર્ભ પરીક્ષણ કરવામાં ઉપયોગમાં લેવાતી જેલની બોટલ, મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂા.૪.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી ડો.મૌલિકભાઇ વિનોદભાઇ ઠાકરની ફરિયાદી પરથી સરોજ વિનોદભાઇ ડોડિયા(ઉ.વ ૪૦ રહે. રઘુવીર સોસાયટી શેરી નં. ૪ સહકાર મેઇન રોડ,રાજકોટ) વિરૂધ્ધ પીસી એન્ડ પી.ટી. એકટ હેઠળ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


સોનોગ્રાફી મશીન કોની પાસેથી લીધું હતું? તે અંગે તપાસ

પોલીસે જણાવ્યું હતું કે, પુછતાછ દરમિયાન સરોજબેન સોનોગ્રાફી મશીન ભાડે લીધાનું જણાવ્યું છે. આ મશીન અધિકૃત ડોકટરો સિવાય કોઈને મળતું નથી. આ સ્થિતિમાં તેણે આ મશીન કોની પાસેથી લીધું, કોની મદદથી ગર્ભપાત કરાવી આપતા હતા તે અંગે તાલુકા પોલીસ હવે તપાસ કરશે.


મહિલાને પકડવા પોલીસે સર્ગભા મહિલા કોન્સ્ટેબલની તપાસ કરી

આવાસ યોજના કવાર્ટરમાં ચાલતા ગેરકાયદે ગર્ભ પરિક્ષણના કૌભાંડનો પર્દાફાશ કરવા માટે પોલીસે સૌપ્રથમ પોલીસ બેડામાં સર્ગભા કોન્સ્ટેબલ કોણ છે તે અંગે તપાસ કરી હતી.બાદમાં પ્ર.નગરમાં ફરજ બજાવતા અને હાલ મેટરનીટી લીવ પર રહેલા મીતલબેન ગોહિલનો સંપર્ક કરી તેમને ફરજ પર બોલાવાયા હતાં.બાદમાં અન્ય કોન્સ. મુનાબેન બુસાને સાથે રાખ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application