રૂપિયા ૮ લાખની કાર પડાવી લઈ વેપારીને મોતના મુખમાં ધકેલી દેનાર ત્રણ વ્યાજખોરો સામે પુત્ર એ ફરિયાદ નોંધાવી
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મીઠોઈ ગામના એક વેપારી દેવભૂમિ દ્વારકા પંથકના ત્રણ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ ગયા હતા, અને ત્રણેય એ રૂપિયા ૮ લાખની કિંમતની કાર આંચકી લઈ પઠાણી ઉઘરાણી કરતાં તેઓના ત્રાસથી કંટાળી જઇ વેપારીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. જેઓને મૃત્યુના મુખમા ધકેલી દેવા અંગે મૃતકના પુત્ર એ ત્રણેય વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મીઠોઈ ગામના વતની વિક્રમસિંહ પોપટભા જેઠવા (૪૬) એ ગત ૧૧ મી તારીખે ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં સારવાર મળે તે પહેલાં તબિબો દ્વારા તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.
જે બનાવ મામલે પોલીસને જાણ થતાં મેઘપર પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ટી. જયસ્વાલ અને રાઇટર જીગ્નેશભાઈ વગેરે દોડી ગયા હતા, અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. જે પ્રકરણમાં આપણે વ્યાજખોરોનો ત્રાસ કારણભૂત હોવાનું જાણવા મળ્યું હતું.
જે અંગે પોલીસ દ્વારા મૃતક વિક્રમસિંહ ના પુત્ર વિશ્વરાજસિંહ જેઠવાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, જેમાં પુત્ર ના જણાવ્યા અનુસાર પોતાના પિતાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગઢેચી ગામના બાલાભાઈ રબારી ઉપરાંત કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામના રામદેવ કેશવાલા અને રાજુ કેશવાલા ત્રાસ ગુજારતા હતા, જેઓ પાસેથી વ્યાજે પૈસા લીધા બાદ તેઓને મુદલ તેમજ ઘણું બધું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં તમામ વધુ વ્યાજ અને પૈસા કઢાવવા માટે દબાણ કરતા હતા, અને તેઓની રૂપિયા અઠેક લાખની કિંમતની કાર બળજબરી પૂર્વક કઢાવી લીધી હતી. તેઓના ત્રાસથી કંટાળી જઈ આખરે વિક્રમસિંહ જેઠવાએ મોતને મીઠું કરી લીધું હતું.
જે ઘટના બાદ પોતાના પિતાને મૃત્યુના મુખમા ધકેલી દેવા અંગે વિશ્વરાજસિંહ જેઠવા એ મેઘપર પોલીસમાં ઉપરોક્ત ત્રણેય વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતાં મેઘપર પોલીસે આ મામલામાં બીએનએસ કલમ ૧૦૮,૩૦૮,(૨),૩૫૨,૩૫૧(૨),૫૪ તથા ગુજરાત મની લેન્ડ એક્ટ કલમ ૪૦ અને ૪૨ મુજબ ગુનો નોંધી તપાસનો દોર દેવભૂમિ દ્વારકા સુધી લંબાવ્યો છે.